Daily Archives: જુલાઇ 2, 2015

થ્રોઇંગ હેટ ઇન ધ રિંગ: / પરેશ વ્યાસ

થ્રોઇંગ હેટ ઇન ધ રિંગ: ઉમેદવારી જાહેર કરવી
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.                                                                                                                    – હેમેન શાહ

અને પિયુષે પડકાર ઝીલી લીધો. આમ તો પિયુષ શબ્દનો અર્થ જ થાય છે પવિત્ર પાણી. અને આપણો પિયુષ તો છે જ પાણીદાર. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી આવી રહી છે. અહીં દર ચાર વર્ષે  ચૂંટણી થાય. સામાન્ય રીતે આઠ વર્ષ સુધી પ્રેસિડન્ટ રહે. પછી બીજાનો વારો તો આવવો જોઇએ ને?  ચબરાક નમોનાં પરમ મિત્ર બરાકની વિદાયનું આ આખરી વર્ષ છે. પણ ચિંતા નથી કારણ કે ભારતીય મૂળનાં અમેરિકી નેતા પિયુષ બોબી જિન્દાલે પ્રેસિડન્ટની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી જાહેર કરી છે. મંઝીલ દૂર છે. રસ્તો કઠિન છે. પણ કશું અશક્ય નથી. ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરવી, એ માટે અમેરિકન ઇંગ્લીશ ભાષામાં ‘થ્રોઇંગ હેટ ઇન ધ રીંગ’ (Throwing Hat in the Ring) મુહાવરો છે. ગુજરાતીમાં આપણે જેને ‘બીડું ઉઠાવવું’ કહીએ છીએ. અમેરિકામાં દર ચાર વર્ષે પ્રેસિડન્ટ પદનું બીડું ફેરવવામાં આવે છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશનાં વડા બનવાનું કાર્ય દુર્ઘટ છે, અઘરું છે. ઓણ સાલ બોબી જીન્દાલે આ બીડું ઉઠાવ્યું છે. આહ્વાન સ્વીકાર્યું છે. પડકાર ઝીલ્યો છે. પોતાની હેટ રીંગમાં ફેંકી છે.

હેટ તો આપણે જાણીએ છીએ. કડક કોરવાળી સાહેબી ટોપી. અને રિંગ એટલે બોક્સિંગ રિંગ. ઓગણીસમી સદીનાં અમેરિકામાં બોક્સિંગ અતિ લોકપ્રિય રમત હતી. બોક્સિંગ ઉર્ફે મુષ્ટિયુદ્ધ ઉર્ફે મુક્કાબાજી. આમ તો જમીનથી  4થી 5 ફૂટ ઊંચા પ્લેટફોર્મ ઉપર 24 ફૂટની ચોરસ જગ્યા જેને ચારે તરફ દોરડા હોય. આ જગ્યામાં બે મુક્કાબાજો ઢીસૂમ ઢીસૂમ કરે. જે મુક્કાબાજ પ્રતિસ્પર્ધીને પછાડે એ વિજેતા. પહેલાં આવી મુક્કાબાજી ગોળ જગ્યાઓમાં થતી. ઇન ફેક્ટ, 1743માં પહેલી વાર નિયમો બન્યા તેમાં પણ લડવાની ગોળ જગ્યા એટલે કે રીંગનો ઉલ્લેખ હતો. ત્યારબાદ પહેલી વાર 1838માં 24 ફૂટની ચોરસ રીંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અને એટલે એને સ્કેવર રીંગ કહેવાય છે. જ્યારે કોઇ મુક્કાબાજ રીંગમાં પોતાની હેટ ફેંકીને પબ્લિકને પડકાર ફેંકે કે હૈ કોઇ માઇકા લાલ.. અને પબ્લીકમાં કોઇને જુસ્સો ચઢે અને લડવાની તૈયારી દેખાડવા એ પોતાની હેટને રીંગમાં ફેંકે અને પડકાર ફેંકે કે મૈં હૂં તૈયાર. અને પછી મુકાબલો થાય. હેટનું રીંગમાં ફેંકવું એટલે પડકાર સ્વીકારી લડવાની તૈયારી જાહેર કરવી.

હવે આ મુહાવરો રાજકારણમાં ચૂંટણી લડવાનાં અર્થમાં કેવી રીતે ઘુસ્યો એની વાત.  થિયોડેર ‘ટેડી’ રૂઝવેલ્ટ વર્ષ 1902-09 સુધી અમેરિકાનાં પ્રેસિડન્ટ રહ્યા બાદ એમણે પોતાનાં જ ચેલા વિલિયમ ટાફ્ટને પ્રેસિડન્ટ બનાવવા કમર કસી. અને વિલિયમ ટાફ્ટ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા. પણ પ્રેસિડન્ટ બન્યા પછી એમણે રૂઝવેલ્ટનું કહ્યું માનવાનું બંધ કર્યું. પોતાની રીતે જ રાજ ચલાવ્યું. રૂઝવેલ્ટ ચીઢાયા અને 1912માં અમેરિકી પ્રેસિડન્ટપદ માટે પોતાની પાર્ટીનું ફરી નોમિનેશન મેળવવા માટે નક્કી કર્યું.  એમનાં પ્રતિસ્પર્ધી તરીકે એમનાં જ ચેલા વિલિયમ ટાફ્ટ હતા. ગુરુએ ચેલાને ચેલેન્જ આપીને કહ્યું  કે ‘માય હેટ ઇઝ ઇન ધ રીંગ !’ જો કે ગુરુ હાર્યા હતા. તેમને એ વર્ષે પાર્ટીનું નોમિનેશન મળ્યું નહોતું. પણ ‘હેટને રીંગમાં ફેંકવી’ એ મહાવરો રાજકારણમાં કોઇ હોદ્દા માટે ચૂંટણીમાં ઝંપલાવવાનો ઇરાદો જગજાહેર કરવાનાં અર્થમાં પ્રચલિત થઇ ગયો.

અમેરિકામાં બે જ મુખ્ય રાજકીય પક્ષ છે. ડેમોક્રેટિક અને રીપબ્લિકન. પોતપોતાનાં પક્ષમાંથી ઉમેદવારી પ્રાપ્ત કરવાની પ્રાથમિક ચૂંટણી પણ રસાકસી ભરેલી હોય છે. રીપબ્લિકન પાર્ટીમાંથી ઘણાં મુરતિયા નાળિયેર લઇને તૈયાર ઊભા છે. જીન્દાલ તેરમા ઉમેદવાર છે. ભીડ ભારે છે. મીડિયા માને છે કે હાલ એમની પાર્ટી નોમિનેશન જીતવાની તક ઘણી ઓછી છે. પોતાની હેટ રાજકારણની અટપટી મુક્કાબાજીની રીંગમાં નાખવાની સાથે પિયુષ બોબી જીન્દાલ વદ્યા હતા કે હું માત્ર વાતો કરવામાં વિશ્વાસ રાખતો નથી. હું કંઇક બનવા નહીં; કંઇક કરવા આવ્યો છું. આ આપણાં સબસે આગે હોંગે હિંદુસ્તાની પિયુષ બોબી જિન્દાલ રીપબ્લિકન પ્રાયમરીમાં કેવું ઉકાળે છે એ તો સમય જ બતાવશે. પણ મીડિયાને આ હેટ ફેંકવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે આ સમાચારને શીર્ષક આપ્યું છે કે ‘બોબી જીન્દાલ થ્રોસ હિસ ક્લોન(વિદૂષક) વિગ(કૃત્રિમ વાળની ટોપી) ઇનટૂ યુએસ ઇલેક્શન રીંગ.’  જિન્દાલ નામનો સર્કસનો જોકર પોતાની નકલી વાળની ટોપી યુએસ પ્રેસિડન્ટની ચૂંટણીની બોક્સિંગ રીંગમાં નાંખે છે. લો બોલો! આ ઉપરાંત ભારતીય સોશિયલ મીડિયામાં પણ બોબી જીન્દાલની ‘ધોળિયા ધોળિયા’ તરીકે મજાક ઊડાવાઇ રહી છે કારણ કે કોઇ એમને પોતાને ભારતીય અમેરિકન તરીકે ઓળખે, એ પસંદ નથી. એ તો કહે જ છે કે હું નખશિખ અમેરિકન છું. હમ તો છોડ આયે વો ગલિયાં, વો ચૌબારા..અને એટલે ભારતીય મૂળનાં અમેરિકીઓમાં પણ જીન્દાલ ખાસ લોકપ્રિય નથી. પણ આપણે એ કેમ ભૂલીએ કે એ આપણા માંહ્યલો જ એક છે. અને  એમ પણ ન હોય કે આપણાં પિયુષભાઇ ધોળિયાઓનાં મત લેવા એવું કહેતા હોય. રાજકારણમાં એવું કહેવું પડતું હોય છે. રાજકારણીઓને ઇશ્વરદત્ત  હાથીદાંતનું વરદાન હોય છે. અત્યારે તો એમણે એમની હેટ રીંગમાં ફંગોળી છે. ઉમેદવારી નોંધાવી છે. ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. હેં ને?

bobby_jindal_trucker_hat-r04c63c0283f046eea2b4b944fe9cfc1e_v9wfy_8byvr_1024 Box_Ring__02_TB.jpg31a94843-d76b-400b-b94d-ea42356d0077Original Recently Updated

શબદ આરતી:

દરેક રાજકારણી પાસે ત્રણ હેટ હોય છે. એક જે એ રીંગમાં ફેંકે છે. બીજી હેટ કે જે પહેરીને એ લોકોને ખાત્રી આપે છે કે તમે મને ચૂંટશો તો સૌ સારા વાનાં થશે અને ત્રીજી હેટ એ હોય છે કે જેમાંથી એક ચાલાક જાદૂગરની જેમ સસલાં બહાર કાઢે છે, જો ચૂંટાઇ જાય તો…                 –અમેરિકી કવિ , લેખક કાર્લ સેન્ડબર્ગ(1878-1967)000

5 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ