Daily Archives: ઓક્ટોબર 3, 2016

ગાંધી આજના સંદર્ભમાં …

ગાંધી આજના સંદર્ભમાં

આજે આપણે પાંચ હજાર વરસ પહેલા લખાયલી ગીતાનો સંદર્ભ શોધી, એને વખાણીએ છીએ, તો માત્ર ૬૮ વરસ પહેલા લખાયલા ગાંધીવિચારોમાંઆજનો સંદર્ભ શોધવામાં શા માટે સંકોચ કરીએ છીએ.ગાંધીની હૈયાતીમાં અને ત્યારબાદ, વિશ્વના અતિ પ્રસિધ્ધ માનવીઓએ પણ ગાંધીની વાતોનો સંદર્ભ શોધી કાઢીને એમના વિષે ઉચ્ચારેલા શબ્દોઆજે દેશોના ઇતિહાસમાં અંકિત થઈ ગયા છે. માત્ર થોડા ઉદાહરણ આપું.

જ્યોર્જ બર્નાડ શો કહ્યું હતું, “ગાંધીએ મારા ઉપર હિમાલય જેવી મોટી અસર છોડી છે.”

ઈથોપિયાના રાજા હેઈલ સેલાસીએ કહ્યું હતું, “જ્યાંસુધી સ્વતંત્ર માણસો અને સ્વતંત્રતા અને ન્યાયના ચાહકો રહેશે, ત્યાં સુધી ગાંધીની યાદ રહેશે.”

વિયેટનામના ક્રાંતિકારી હો ચી મિન્હે કહ્યું હતું, “હું અને અન્ય ભલે ક્રાંતિકારીઓ છીએ, છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગાંધીના ચાહક છીયે, એથી જરાયેવધારે નહિં અને જરાયે ઓછું નહિં.”

યુનોના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ યું થાંટે કહ્યું હતું, “ગાંધીના ઘણાં સિધ્ધાંતો સમસ્ત વિશ્વ માટે અને કાયમને માટે લાગુ પડે છે. મને આશા છે કે એમનીશાંતિપૂર્વક પરિવર્તન લાવવાની રીત એના સમયમાં જેમ સાચી હતી, તેમ આજેપણ સાચી છે.”

૧૯૯૭માં, આધુનિક કોમપ્યુટર યુગનું સૌથી જાણીતા સ્ટીવ જોબ્સે ગાંધીજીના મોટા ફોટા પાસે ઊભા રહીને કહ્યું હતું, “ધૂની લોકો, અલગજાતના લોકોઅને બળવાખોર લોકોને સલામ કરું છું. કારણકે આવા લોકો ધારે છે કે દુનિયા બદલી શકાય છે, અને લોકો દુનિયા બદલે છે.” આવી હતી ગાંધીજીનીસ્ટીવ જોબ્સ ઉપર અસર.

અલબર્ટ આઈનસ્ટાઈને કહ્યું, “ગાંધી આવતી અનેક પેઢીઓ માટે રોલ મોડેલ બની રહેશે. આપણા સમયની બધી રાજદ્વારી વ્યક્તિઓમાંથી ગાંધીસૌથી વધારે પ્રબુધ્ધ છે.” વધારામાં એમણે કહ્યું હતું, “આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે હાડમાંસનો બનેલો આવો માનવ ક્યારેય પણ આ ધરતી પર ચાલ્યો હતો.”

માર્ટિન લ્યુથર કીંગ જુનીઅરે કહ્યું હતું, “ઈશુએ અમને લક્ષ્ય આપ્યું અને મહાત્મા ગાંધીએ પધ્ધતિ શીખવાડી.”

દલાઈલામાએ ઘણીવાર કહ્યું છે કે એ મહાત્મા ગાંધીને અનુસરે છે. મને મહાત્મા ગાંધી પ્રત્યે ઘણો આદર છે. એ મહામાનવ હતા જેને મનુષ્ય સ્વભાવની જાણ હતી. એના જીવનમાંથી મને પ્રેરણા મળી છે.

નેલસન મંડેલાએ અનેક્વાર કહ્યું હતું કે ગાંઘી એક મહાન શિક્ષક હતા. ગાંધીના વિચારોએ સાઉથ આફ્રીકાના બદલાવમાં અગત્યનો ફાળો આપ્યો છે.ગાંધીના શિક્ષણથી રંગભેદની નાબૂદી થઈ શકી છે.

૨૦૧૨ કોલંબિયા યુનિવર્સિટી, ન્ય યોર્કમાં પ્રવચન આપતાં આંગ સાન સુચિએ કહ્યું હતું, “મારા જીવનમાં ગાંધીની મોટી અસર છે.”

આ લીસ્ટ તો ઘણું લાંબું છે. અહીં મેં માત્ર થોડા ઉદાહરણ જ એટલા માટે આપ્યા છે કે આવા વિશ્વવ્યાપી અસર ધરાવનારી વ્યક્તિઓને ગાંધીજીની વિચારધારામાંથી સંદર્ભ મળે છે, તો આપણા જેવા સામાન્ય માણસોના રોજીંદા જીવનમાં ઉપયોગી થાય, એવા સંદર્ભ આપણે શા માટે ન સમજી લઈયે?

આ સંદર્ભ શોધવા અને સમજવા, આજથી થોડા દિવસ હું ગાંધીજીના જીવનના પ્રસંગો અને એની આજે પાસંગિગતા વિષે લખવાનો પ્રયત્ન કરવાનો છો.આશા છે કે આપને એ ગમશે.

-પી. કે. દાવડા

1 ટીકા

Filed under Uncategorized