Daily Archives: ઓક્ટોબર 18, 2016

આજે વર્લ્ડ ફૂડ ડે / પરેશ વ્યાસ

Displaying maxresdefault (1).jpgઆજે વર્લ્ડ ફૂડ ડે

સુખ તેનું છીનવે છે અન્નકુટ
ભૂખ મૂંગી નાર મારા દેશમાં                                                                                                                                         – . કે. ડોડિયા

આજે ‘વર્લ્ડ ફૂડ ડે’ છે. વર્લ્ડ ફૂડ ડે-2016નો થીમ છે: આબોહવા બદલાઇ રહી છે; અન્ન અને કૃષિ પણ બદલાવા જોઇએ. યુએન ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન જાણે છે કે કૃષિ અને અન્નને નુકસાન થાય એવા પરિબળો વધતા જાય છે. ગરમી વધી રહી છે, વરસાદનાં કોઇ ઠેકાણાં નથી, હવામાન અનિયમિત બનતું જાય છે, જીવજંતુ અને રોગચાળો વિનાશ નોતરે છે. આ સમસ્યા સ્થાનિક નથી. વૈશ્વિક છે. તો ઠીક.. પછી આપણે ક્યાં કંઇ કરવાનું જ હોય? સૌનું થશે એ વહુનું થશે. હેં ને? બધાની સમસ્યા એટલે આપણી નહીં, એવું માની લેવાની ભૂલ આપણે કરીએ છીએ. આપણે કમોસમી વરસાદની ચિંતા માત્ર એટલી કરીએ છીએ કે નોરતામાં ગરબે ઘૂમવાનાં ઓરતા ક્યાંક અધૂરા ના રહી જાય. આપણી ચિંતા ચણિયાચોળી કે કેડિયુંધોતી પલળી જવા કે સૌંદર્ય પ્રસાધનોનાં લેપનાં લપેડાં થઇ જવા પૂરતી સીમિત છે. હવે ગરબા તે કેમ કરી રમવા રે લોલ? રઢિયાળી રાત રેઢયાળી થઇ જાય. મોસમ વિષમ બને એ હકીકત છે. આપણે પેરિસ ક્લાઇમેટ કરારનું અનુસમર્થન ભલે કર્યું પણ વિશ્વનું ભાવિ ચિંતા ઉપજાવે છે.

આ વર્ષે ઘઉં ચોખાનું વૈશ્વિક ઉત્પાદન અનુક્રમે 7424 અને 4978 લાખ ટન થવાની સંભાવના છે; જે ગત વર્ષથી 1.2% થી 1.3%  વધારે છે. પણ તેમ છતાં ‘ઝીરો હંગર’ અર્થાંત છેવાડાનાં માણસની આંતરડી ઠારવામાં હજી ઘણું કરવાનું બાકી છે. એક શબ્દ ખાસ સંભળાયા કરે છે. એ છે રેઝિલિયન્સ. તકલીફ આવે પણ પાછા ઠીકઠાક થઇ જવાય એવી શક્તિ. સ્થિતિસ્થાપકતા. અતિ ગરીબ માણસનું રેઝિલિયન્સ ઓછું હોય છે. અને રોજ આહાર મળી જ જાય એની કોઇ ગેરંટી પણ ક્યાં છે? લઘુત્તમ સંસાધનોથી મહત્તમ પેદાશની વાત આ વર્ષે કરવામાં આવી રહી છે. કૃષિ સંશોધનનું મહત્વ પણ ઓછું ન આંકી શકાય. પણ કોમન મેન શું કરી શકે? યસ, આપણે એક કામ જરૂર કરી શકીએ. અન્નનો બગાડ અટકાવીએ. ઓછું રાંધીએ. સંતાનને એક પછી એક ગરમ રોટલી પીરસાતી હોય, હજી એક રોટલીની ભૂખ હોય પણ લોટ ખલાસ થઇ ગયો હોય એ સ્થિતિ સારી છે. ભાત બસ આટલો જ છે એવું મા કે પત્ની કહે, એ સારી વાત છે. ઓછું ખવાય એ તો પેટ માટે પણ સારું છે. અને તેમ છતાં  વધે તેમ હોય તો ઘરકામમાં મદદ કરવાવાળાઓને પહેલેથી જ દઇ દેવું. આપણે આળસુ એવા છીએ કે ફ્રિજમાં તાજો ખોરાક વાસી થાય તેની રાહ જોઇએ અને પછી એને વાસીદુંમાં વાળી દઇએ છીએ. એવું ના થઇ શકે કે જેમ દૂધ, શાકભાજી કે અનાજ  બજારમાંથી લાવીએ છીએ એમ વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની નિયમિત વ્યવસ્થા કરીએ? એ પણ સરસ મઝાનાં પેકિંગમાં. ભૂખ્યાને લાચાર બનાવ્યા વિના ભોજન કરાવવાની વ્યવસ્થાને આપણો રોજિંદો ક્રમ બનાવીએ. અહીં ધ્યાન રાખવા જેવી અગત્યની વાત ફૂડની ક્વોલિટીની છે. આપણે ત્યાં ગરમી ઘણી પડે છે. રાંધેલો ખોરાક ઝડપથી બગડવાની સંભાવના વધારે છે. એટલે બની શકે એટલી ઝડપથી ભૂખ્યા લોકો સુધી પહોંચે એ જરૂરી છે. વિશ્વ આહાર દિને આપણે પ્રણ લઇએ અન્નનો બગાડ અટકાવીએ. સમારંભો અને મેળાવડામાં સામૂહિક ભોજનાલયમાં બગાડ થાય એ જામીનપાત્ર નહીં તો શરમપાત્ર ગુનો તો ગણાવો જ જોઇએ. અને હા, કંઇ કેટલી પેકેજ્ડ ફૂડ આઇટેમ્સ તારીખ વીત્યે ફેંકી દેવાય છે. ડેન્માર્ક દેશે એનો ઉકેલ શોધી કાઢ્યો છે. અહીં ‘વીફૂડ’ નામની સુપરમાર્કેટ ખૂલી છે જે ફેંકી દેવાતી ફૂડ આઇટેમ્સ દાનમાં મેળવીને સસ્તામાં વેચે છે. ફૂડ ક્વોલિટી જરાય નબળી નથી. હા, સુપર ક્લાસ ન હોય પણ આનંદથી ખાઇ શકાય. તાજા સમાચાર મુજબ હવે આવી બીજી બે સુપરમાર્કેટ્સ ખૂલી રહી છે.122121

અન્નની સમસ્યા વૈશ્વિક છે પણ આપણે પણ ફૂલની પાંખડી જેવું યોગદાન જરૂર આપી શકીએ. કહે છે ને કે પ્રેમ અને આહારમાં સમાનતા છે. જેટલો વહેંચો એટલો વધે.   

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized