Daily Archives: ઓક્ટોબર 27, 2020

કેવો હોય જીવનનો અંત?

કેવો હોય જીવનનો અંત?
હાલ એક બેનનો ત્રણ મિનિટનો અંગ્રેજી વિડીયો જોયો.. હું અંદરથી હાલી ગયો.. માટે આપને માટે તે ફરીથી લખું છું..
વારાણસીમાં ‘કાશી લાભ મુક્તિ ભવન’ નામે ગેસ્ટ હાઉસ છે, જ્યાં લોકો છેલ્લો શ્વાસ કાશીમાં લઈને ‘મોક્ષ’ પામવા યાને મરવા માટે જાય છે. નિયમ એવો છે કે ત્યાં તમને ૧૫ દિવસનું જ રહેવાનું મળે. તેને અંતે જીવતા રહો, તો ખાલી કરવાનું! તો એ જાણવું રસપ્રદ છે કે જેમણે જીવનનો અંત જોઈ જ લીધો છે, તેવાં લોકોના મનમાં છેલ્લે શું ચાલતું હોય છે? ત્યાંના મેનેજર ભૈરવનાથ શુક્લ ૪૪ વર્ષથી ત્યાં છે, તેમણે બાર હજારથી વધુ લોકોને મૃત્યુ પામતાં જોયાં છે. તેમની પાસેથી શું શીખવા મળે છે?
એક ભાઈ સાજા સમા હતા, ત્યાં રહ્યાં, ૧૩માં દિવસે તેમણે પોતાના સૌથી નાના ભાઈને બોલાવવાની વિનંતી કરી, જેની સાથેના વિચારભેદથી તેઓ વર્ષો પહેલાં જુદા થઈ ગયેલા. ૧૫માં દિવસે નાનો ભાઈ આવ્યો. મોટા ભાઈએ તેની માફી માંગી, બંને ભાઈઓ ભેટીને ખુબ રડ્યાં, નાના ભાઈના હાથોમાં જ મોટા ભાઈએ છેલ્લાં શ્વાસ લીધાં. આવા અનેક કિસ્સાઓ છે. શુક્લાજી કહે છે, ‘મોટે ભાગે લોકો મોતના હાથમાં જાતને સોંપી દેતા પહેલાં પોતાના મતભેદો દૂર કરે છે અને શાંતિથી મરે છે.’
આપણે શું શીખવાનું? મતભેદ થવા જ ન દઈએ. જો ઊભા થાય તો તરત નિકાલ કરીએ, ઉધાર ન રાખીએ. પેલા ગેસ્ટ હાઉસના મહેમાનોએ તો મોતના દૂતોને જોઈ લીધાં હોય છે, આપણને તે દેખાતાં નથી. ‘આનંદ’ યાદ છે? ‘કૌન, કબ ચલા જાયેગા, કોઈ નહીં જાનતા.. હા-હા-હા. મોત તુ એક કવિતા હૈ, એક કવિતા કા વાદા હૈ, મિલેગી જરૂર.’
કમનસીબે એ પત્રકાર બેનની વિગત નથી,
પ્રસ્તુતિ: નરેશ કાપડીઆ
1:01 / 3:34

Leave a comment

Filed under પ્રકીર્ણ