વિકેરિઅસલી: અપ્રત્યક્ષ પ્રત્યારોપણ
પરેશ વ્યાસ
સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ માનનીય બી. વી. નાગરત્ના પોતાની અસહમતિ અંગે ચર્ચામાં છે. તેઓ પાંચ પૈકીનાં એક છે પણ જ્યારે ચુકાદો આવે છે ત્યારે બાકીનાં ચાર સાથે તેઓ સહમત નથી. એટલે પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠનાં ચુકાદાઓ ૪ વિરુદ્ધ ૧ ની બહુમતીથી આવે છે. પહેલાં નોટબંધી-ની કાયદેસરતાનો ચુકાદો અને બીજા જ દિવસે ગેંગરેપ જેવી ગંભીર ઘટના અંગે રાજ્ય સરકારનાં એક મંત્રીનું પ્રતિક્રિયાત્મક નિવેદન અને એની બોલવાની સ્વતંત્રતાનો બંધારણીય હક અંગેનો ચુકાદો. આજનો શબ્દ વિકેરિઅસલી (Vicariously) આ બીજા ચુકાદાનો મુખ્ય શબ્દ છે.
વાત જાણે એમ છે કે સને ૨૦૧૬માં કાનપુર હાઇવે ઉપર એક કાર આંતરીને લૂંટારાઓએ લૂંટ ચલાવી, કારમાં સવાર પુરુષ સભ્યોને માર માર્યો અને સ્ત્રીઓ, એટલે કે એક ૩૫ વર્ષની મા અને એની ૧૨ વર્ષની દીકરી, ઉપર ગેંગરેપ કર્યો. તે સમયે યુપીમાં સમાજવાદી પક્ષની સરકાર હતી અને એનાં એક મંત્રી હતા આઝમ ખાન. હા, એ જ, ઓલ્યા રામપુરવાળા. તેઓ ત્યારે એવું બોલ્યા હતા કે- ‘આ બીજું કશું નથી પણ રાજકીય ષડયંત્ર છે’. ગેંગરેપ અને રાજકીય ષડયંત્ર? લો બોલો! રાજ્યસરકારનાં મહામહિમ્ન મંત્રી જ્યારે આવું નિવેદન કરે ત્યારે પોલિસે શું કરવાનું? તપાસ કરવાની કે પછી ભીનું સંકેલવાનું? લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય સાચું પણ વાણી વિલાસ? સુપ્રીમ કોર્ટ એ જ નક્કી કરવા બેઠી હતી કે બેજવાબદાર નિવેદન કરવા બદલ સરકારનાં મંત્રી પર કોઈ નિયંત્રણ હોવું જોઈએ કે નહીં? મને તો લાગે છે કે હોવું જોઈએ. તમને શું લાગે છે?
જો કે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠને એવું લાગતું નથી. ન્યાયમૂર્તિ નાગરત્ના મેડમને પણ લાગે છે કે વાણી સ્વાતંત્ર્ય એ લોકશાહીમાં પાયાનો આધિકાર છે. તેઓ ખંડપીઠનાં ચાર અન્ય ન્યાયમૂર્તિઓ સાથે સહમત પણ થાય છે. પણ પછી પોતાની અસહમતિમાં તેઓ એટલું ચોક્કસ કહે છે કે મંત્રીએ એનાં હોદ્દાની રૂએ જો આવું કહ્યું હોય તો એવું નિવેદન સરકારે કર્યું છે; એવું વિકેરિઅસલી પ્રત્યારોપણ થઈ શકે. જેમ કર્મચારી કાંઈ લોચો મારે તો માલિક એવું નહીં કહી શકે કે.. ના રે ના, એ તો એણે ભૂલ કરી, એમાં મારી કોઈ જવાબદારી જ નથી. એ જ રીતે મંત્રીશ્રી વતી સરકાર પણ વિકેરિઅસલી જવાબદાર છે. એટલીસ્ટ, હું તો એવું માનું જ છું. પણ એ માટે વિકેરિઅસલી શબ્દને સમજવો પડે.
ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ ‘વિકેરિઅસ’ એટલે પ્રતિનિધિ તરીકે નિયુક્ત. એટલે એમ કે મંત્રીનાં વાણીવિલાસની સામૂહિક જવાબદારી પરોક્ષ રીતે સરકારની ગણાવી જોઈએ કારણ કે મંત્રી એ સરકારનો પ્રતિનિધિ છે. મૂળ લેટિન શબ્દ ‘વિકિસ’ જેનો અર્થ થાય બદલાવ, વિનિમય, અદલબદલ, અનુગમન, વારાફરતી થવું તે, અવેજીમાં કે કોઇની બદલે મૂકવું કે નીમવું તે. તેની પરથી વિકેરિઅસ એટલે પ્રતિનિધિ દ્વારા કોઈનાં વતી કાર્ય કરવું તે. ‘વાઇસ-પ્રિન્સિપાલ’ કે ‘વાઇસ-કેપ્ટન’ શબ્દનો વાઇસ (Vice) પણ એનાં પરથી આવ્યો છે. વિકેરિઅસલી એટલે સીધું નહીં પણ આડકતરું, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ. સવાલ એ છે કે આઝમ ખાને જે નિવેદન આપ્યું એની જવાબદારી વિકેરિઅસલી જોઈએ તો સરકારની ય ખરી કે નઈં?
વિકેરિઅસલી શબ્દ મઝાનો છે. આમ એક અર્થ- બીજા માટે કે બીજા વતી કામ કરવું તે. આ ઉપરાંત એક અર્થ એવો પણ થાય કે કલ્પનાનાં જોરે મનોમન અન્યનું જીવન જીવી અપ્રત્યક્ષ આનંદ લેવો. આમીર ખાનની ‘દંગલ’ ફિલ્મમાં એ પોતે કુસ્તીમાં ગોલ્ડમેડલ લાવી શક્યો નહોતો પણ એની દીકરીને એણે કુસ્તીબાજીમાં તૈયાર કરી. દીકરી થકી એ બાપ ગોલ્ડમેડલ જીતવાની ક્ષણનો વિકેરિઅસલી આનંદ મેળવવાની કોશિશ કરે છે. માબાપ જો કે કોઈ વાર અતિરેક કરી નાંખે છે. બાળકને પૂછતાં જ નથી કે તારે શું કરવું છે? વિકેરિઅસલી જીવતા માબાપ પોતાના બાળકોનું જીવન ધૂળધાણી કરી નાંખે છે.
વિકેરિઅસલી જીવવું એટલે? મારી કલ્પનામાં હું કોઇ અન્યનું જીવન જીવું છું તે. એ નોર્મલ છે. એવું જીવવું સારું ય છે અને ખરાબ પણ. જેમ કે સઘળું મારી ઈચ્છા મુજબ થતું નથી. મારી કાર્યક્ષમતા મર્યાદિત છે અને મારી ઈચ્છાઓ અનંત અંબાણી છે! કોઈમાં પરકાયા પ્રવેશ કરીને એ આનંદ હું મેળવું તો… એ નોર્મલ છે. એ જ રીતે સહભાવ, તાદાત્મ્ય ત્યારે આવે જ્યારે હું મારી જગ્યાએ કોઈને મૂકીને વિચાર કરું. કોઈ ગરીબ પ્રત્યે મને સહાનુભૂતિ ત્યારે જાગે જ્યારે હું એની પીડા મારી જાતે અનુભવું. આ તો સારી વાત થઈ. પણ વિકેરિઅસલી જીવવું ક્યારેક ખરાબ પણ છે. જાતે કાંઈ નહીં કરવાનું, યૂ સી.. મને પછી એની ટેવ પડી જાય. હું કાંઈ ન કરું. તમ તમારે કર્યા કરો, મારે તો એનો કાલ્પનિક આનંદ જ લેવો રહ્યો. આ નકરો પલાયનવાદ છે. મારું તો આમાં પછી કશું છે જ નહીં. ફિલ્મમાં હીરોનાં પાત્રમાં આપણે સૌ વિકેરિઅસલી જીવીએ છે. ઝૂકેગા નહીં, સાલા.. પણ વાસ્તવિકતા એ છે કે હર પળ મારે ઝૂકી ઝૂકીને જીવવું પડે છે. મારું જીવન પણ પછી મારું નથી. મારા સ્વપ્ન મારા નથી. મારો પછી શું ધૂળ વિકાસ થાય?
તો હું શું કરું? બેલન્સ કરું, હેં ને? તો જ તો કોઈ બાત બને. કોઈનાં વખાણ કરવા એ ખોટું નથી. ભક્તો વિચાર્યા વિના ય એમ કરે, એમાં પણ હું ભક્તનો દોષ જોતો નથી. પણ હું જો અન્યની સાથે મારી સતત સરખામણી કર્યા કરું તો મારી અસલ જિંદગી રહે જ નહીં. હું પ્રેરણા લઉં પણ મારો લક્ષ્યવેધ તો મારે જાતે જ કરવાનો છે. અસલ મત્સ્યવેધ અર્જુને કર્યો હતો. યુધિષ્ઠિર, ભીમ, નકુળ અને સહદેવનો મત્સ્યવેધ વિકેરિઅસ હતો. બધા જ ભાઈઓ અલબત્ત પોતાની રીતે અન્ય અનેક બાબતોમાં પરાક્રમી હતા જ. તેઓ એક બાબતે ભલે વિકેરિઅસલી જીવ્યા પણ પોતાની વૈયક્તિકતા, વિશેષતા તો તેઓ પાસે ચોક્કસ હતી જ.
મારી વાત કરું તો મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે? એવી સિદ્ધિ જે મારે માટે શક્ય છે અને મને ગમે તેવી છે. હું મારી મર્યાદા જાણું છું. મર્યાદાપુરુષોત્તમ તો હું નથી પણ હા, મર્યાદાપુરુષ હું જરૂર છું. એકસામટું બધું થઈ ન શકે, એ મને ખબર છે. મેં મારી સમયમર્યાદા પણ નક્કી કરી લીધી છે. વિકેરિઅસલી હું ક્યાં સુધી જીવ્યા કરીશ? જાતે જ કરીશ. સ્વયંકાયાપ્રવેશ કરીને નિજાનંદ પ્રાપ્તિનો વ્યવસાય મને આવડે છે.
શબ્દશેષ:
“ક્યારેય પણ જીવન વિકેરિઅસલી જીવવું નહીં. આ તમારી પોતાની લાઈફ છે. જીવી લો.” –અમેરિકન લેખિકા લેવિનિયા સ્પાલ્ડિંગ