સલામિ ટૅક્ટિક્સ: કટકે કટકે ચીરી નાંખવા તે…./ પરેશ પ્ર વ્યાસ

 
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.                                                                                                                                                                                                  – મુકુલ ચોકસી
પાડોશીએ સમજૂતી તોડી છે. આપણે ખામોશી તોડી છે. સુષમા સ્વરાજ કહે છે કે ભારતનાં મુબારકબાદ સામે પાકિસ્તાને આતંકવાદ આપ્યો છે. પોતે કાચનાં ઘરમાં રહે છે અને બીજાનાં ઘર ઉપર એકે-47 ચલાવે છે. સ્વાતંત્ર સેનાનીઓએ લોહી પાણી એક કર્યાં ત્યારે બન્ને દેશને અડધી રાતે આઝાદી મળી’તી. પણ હવે સરહદે લોહી રેલાય છે તો એવા પાડોશીને પાણી ય શા માટે દેવું? લોહી અને પાણી એકસાથે વહેતા નથી. સિંધુ નદીનાં સમજૌતાની સમીક્ષા થઇ. આજે નહીં તો કાલે હવે નદીઓનાં વહેણ પણ બદલાશે. અને અમે તમને તરસ્યા મારીશું. નરેન્દ્ર મોદી કહે છે કે નવાઝ શરીફ આતંકીઓએ લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે. પણ હવે સમય પાકી ગયો છે. હવે બલોચિસ્તાનનાં બલોચ, પાકિસ્તાન કબજા હેઠળનાં કાશ્મીરીઓ, સિંધ પ્રાંતનાં સિંધીઓ પાકિસ્તાની જુલમ સામે બળવો પોકારશે. ભારતે ડિપ્લોમેટિક સ્તરે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પાકિસ્તાનને અલગ ઢલક પાડવામાં ભારત સફળ થયું છે. પાકિસ્તાન પ્રેરિત ઉરી આંતકી હુમલા પછી ભારતે ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ કરવાની જરૂર હતી એવી લાગણી સ્વાભાવિક રીતે થાય. એક ઘા ‘ને બે કટકાં કરવાની જરૂર છે. શિવસેના જેવા એનડીએનાં સાથી પક્ષો પણ એવો જ ટોણો મારી રહ્યા છે. છપ્પનની છાતીની દુહાઇ દઇ રહ્યા છે. વાતો, વાતો અને વાતો. પણ ખરેખર સ્થિતિ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પરંપરાગત યુદ્ધની વ્યૂહરચના ખાસી બદલાઇ ગઇ છે. હવે એક ઘા ‘ને બે કટકાંની જગ્યાએ હળવા હાથે કટકે કટકે ચીરી નાંખવાની વ્યૂહરચના અપનાવાય છે. આ સલામિ ટૅક્ટિક્સનો જમાનો છે. શું છે આ સલામિ ટૅક્ટિક્સ(Salami Tactics)?
સલામિ ટૅક્ટિક્સનું બીજું નામ છે સલામી-સ્લાઇસ સ્ટ્રેટેજી.  મૂળ લેટિન શબ્દ ‘સલુમેન’ પરથી ઇટાલિયન શબ્દ ‘સલામે’ અને એનું બહુવચન સલામિ થયું.  ડુક્કરનાં માંસનો ખીમો કરીને, એમાં મસાલા ભેળવી, એને હવામાં સૂકવીને જે પિંડ બને એને સલામિ કહે છે. બ્રેડ સાથે સેંડવિચનાં પૂરણ તરીકે આ સલામિ-ની સ્લાઇસ વપરાય છે. યુરોપની ઘણી ભાષાઓમાં સલામિ શબ્દ છે જે ઇટાલિયન સ્ટાઇલથી પ્રીઝર્વ કરેલા માંસનાં પિંડ માટે વપરાય છે.
                                           
ટૅક્ટિક્સનો અર્થ તો આપ જાણો છો. ટૅક્ટિક્સ એટલે યુક્તિઓ. પ્રયુક્તિઓ. આ સલામિ ટૅક્ટિક્સ એટલે મોટે પાયે પરંપરાગત યુદ્ધનાં સ્થાને સલામિ-ની સ્લાઇસની જેમ દુશ્મનને કટકે કટકે વેંતરવાનાં, પછી બ્રેડની સ્લાઇસમાં એ ભરવાનાં અને પછી ઓહિયા કરી જવાના.
‘સલામિ ટૅક્ટિક્સ’ શબ્દો હંગેરી દેશની દેન છે. હંગેરી મૂળ સામ્યવાદી દેશ. 1940નાં દાયકામાં રૂઢિચૂસ્ત સામ્યવાદી નેતા માત્યાસ રાકોસીએ આ શબ્દો સર્જ્યા હતા. એનો દાવો હતો કે એણે એનાં વિરોધીઓને વારાફરતી કચડ્યા હતા. પહેલાં એણે એની જ પાર્ટીનાં રૂઢિચૂસ્તોને ફાસીવાદી કહ્યા. એટલે મધ્યમમાર્ગીઓ આ વલણ બરાબર લાગ્યું અને તેઓ એની સાથે રહ્યા. પછી એણે મધ્યમમાર્ગીઓને તરછોડ્યા. અને છેલ્લે ઉદ્દામવાદીનો વારો કાઢ્યો. એને કહ્યું કે તમારામાંથી જે મારી સાથે, મારી વિચારધારા સાથે રહે તે રહે, બાકી ચાલતા થાય. અને એ રીતે સલામિ-નાં પિંડની કે ગચ્ચાની જેમ ચાકૂથી સ્લાઇસ કરવામાં આવે એમ માત્યાસ રાકોસીએ કટકે કટકે સૌને વારાફરતી કાપ્યા. આ રીતે, ટૅક્ટિક્સથી એટલે કે યુક્તિથી, સલામિ-ની સ્લાઇસ કરી ચીરી નાંખવાની વિધિ એટલે સલામિ ટૅક્ટિક્સ. સલામિ ટૅક્ટિક્સ એવા ટાણે ઉપયોગમાં લેવાય છે, જ્યારે સમસ્યા એટલી મોટી હોય કે એનો ઉકેલ એકી વખતે આવી ન શકે. એટલે વારાફરતી ઉકેલ લાવવાની કોશિશ કરવી પડે. સલામી ટૅકટિક્સનો એક વણલખ્યો નિયમ એ છે કે અમે સારા છીએ એવો દેખાવ સતત કરતા રહેવાનું છે. ફૂંક મારીને પછી ગોળી મારવાની આ વાત છે.
સલામિ ટૅક્ટિક્સ એટલે વિરોધીઓમાં ભાગલાં પડાવવાની યુક્તિ. તમે કહેશો કે આમાં શું નવું છે? ભાગલા પડાવો ને રાજ કરો તો બ્રિટિશ રાજની શિરમોર ખાસિયત અને આપણી ગોરા ગુલામીનું કારણ હતુ.  પણ અહીં થોડો ફેરફાર છે. ભાગલા પડાવીને અહીં રાજ કરવાનું નથી. ભાગલા પડાવીને અહીં જંગ જીતવાનો છે. પાકિસ્તાનમાં ચૂંટાયેલાનું રાજ ચાલે છે કે લશ્કરી અફસરોનું?- એ નક્કી નથી. ભાગલા તો પડ્યા જ છે. બલોચ પ્રજાને બોલકી કરવાની આપણી સોગઠી બરાબર પડી છે. પાછું આ બધું કરવાનું છે એ રીતે કે અમે તો તમને સહકાર દઇએ છીએ. મદદગારી કરવા આતુર છઇએ. આ જુઓને તમને શપથ વિધિમાં બોલાવ્યા. તમારી હેપ્પી બર્થડેનાં દિવસે તમને તમારા ઘરે લાહોર આવીને હગી કરી આવ્યા. તમને પ્રેમથી મનાવવાની અમારી કોશિશ કાયમ રહે એવા આવરણ સાથે, અમે તમને હળવે હાથે કટકે કટકે ખતમ કરીશું.
બીબીસીની 1980નાં દાયકાની રાજકીય વ્યંગ ટીવી સીરિયલ ‘યસ પ્રાઇમ મિનિસ્ટર’માં સલામિ ટૅક્ટિક્સની વાત કરવામાં આવે છે. રશિયા જો ગ્રેટ બ્રિટન સામે સલામિ ટૅક્ટિક્સથી યુદ્ધ આદરે તો ન્યુક્લિઅર શસ્ત્રોનો ઉપયોગ વ્યાજબી શી રીતે ગણાય? સલામિ ટૅક્ટિક્સ એ કાંઇ પૂર્ણ યુદ્ધ નથી. એમાં ન્યુક્લિઅર શસ્ત્રોનો ઉપયોગ ઉભય પક્ષે ન જ થાય. અમે સલામિ ટૅક્ટિક્સ કરીશું. તમે અમારા સ્લિપર સેલનાં ગદ્દારોનો ઉપયોગ કરો તો અમે તમારી પ્રજાનાં વેક-અપ સેલને એક્ટિવ કરીશું. તમે આતંકવાદનાં સમર્થક છો, એવું છાપરે ચઢીને પોકારીશું. તમને એકલવાયું કરી નાંખીશું. અને સમય આવ્યે અમારી નદીઓને પાછી વાળીશું. આમ વારાફરતી, એક પછી એક, એમ દરેક મોરચે અમે તમને પરાસ્ત કરીશું, નવાઝ બદમાશ…  

પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓ અને આતંકવાદીઓનાં લોન્ચિંગ પેડ જેવા કેમ્પસનો સફાયો કરવાનું સર્જીકલ ઓપરેશન પણ ચોક્ક્સ આપણી સલામિ ટેકટિક્સનો જ ભાગ છે. આ માટે ભારતીય સેનાના કમાન્ડોને સો સો સલામીના હકદાર છે. અને હવે થશે પાકિસ્તાની આતંકી ભૂંડનાં માંસની સલામિનાં અનેક સર્જીકલ કટકા.. આહિસ્તા આહિસ્તા..જય હો..

શબ્દ શેષ:  આગળ વધવા માટે ક્યાંકથી તો શરૂઆત કરવી પડે. અને શરૂઆત કરવા માટે તમારે જટિલ અને વિરાટ સમસ્યાને નાના નાના, હલ શોધી શકાય એવા હિસ્સામાં વહેંચી નાખવી પડે.  અને પછી પહેલું કામ એ કરાય કે એને પહેલાં હિસ્સાથી શરૂ કરાય. 
            –અમેરિકન હ્યુમરિસ્ટ માર્ક ટ્વેઇન(1835-1910)

Salami Tactics – Central and Eastern Europe 1945-8 – YouTube

Oct 7, 2011 – Uploaded by International School History

Salami Tactics – Central and Eastern Europe 1945-8. International School History …

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “સલામિ ટૅક્ટિક્સ: કટકે કટકે ચીરી નાંખવા તે…./ પરેશ પ્ર વ્યાસ

  1. આ મનોવૃત્તિ બધે જ વ્યાપક છે.

  2. pragnaju

    mahendra thaker
    5:05 AM (7 hours ago)
    to me
    very powerful technique..thx for defining in detail
    mhthaker
    https://sites.google.com/site/mhthaker/

  3. pragnaju

    himatlal joshi
    8:37 AM (4 hours ago)

    to me
    સલામી ટેકટિક્સ વિષે જાણવા મળ્યું . તમારો આભાર આતા

    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

  4. pragnaju

    Navin Banker
    To Niravrave Blog Niravrave Blog Today at 9:41 AM
    સલામ ‘સલામી ટેક્ટિક્સ’ને.

Leave a reply to pragnaju જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.