Daily Archives: ડિસેમ્બર 10, 2016

આંતરરાષ્ટ્રીય કલાકાર ઓમ પુરી/ Naresh Kapadia

11111

આંતરરાષ્ટ્રીય કલાકાર ઓમ પુરી

માત્ર હિન્દી જ નહીં પાકિસ્તાની, બ્રિટીશ અને હોલીવૂડની ફિલ્મોમાં પણ અભિનય કરનાર ઓમ પૂરીનો આજે ૬૬મો જન્મ દિન. ૧૮ ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ અંબાલામાં તેમનો જન્મ. નાટક, ટીવી અને ફિલ્મોમાં તેમનું બહોળું પ્રદાન છે. તેમને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા છે.

અંબાલામાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલા ઓમના પિતા રેલવેમાં અને સેનામાં કાર્યરત હતા. ઓમે પુણેની ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટયૂટમાંથી કોર્સ કર્યો હતો અને તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ૧૯૭૩ના વિદ્યાર્થી પણ છે. નસીરુદ્દીન શાહ તેમના સહપાઠી હતા. નંદિતા પુરી સાથે ૧૯૯૩માં તેમણે લગ્ન કર્યા હતા, જે ૨૦૧૩ સુધી ટક્યા હતા. તેમને ઇશાન નામનો દીકરો છે.

૧૯૭૬ની વિજય તેંદુલકરના નાટક પરથી બનેલી મરાઠી ફિલ્મ ‘ઘાસીરામ કોટવાલ’થી તેમણે પડદા પર આગમન કર્યું હતું. ઇન્સ્ટિટયૂટના ૧૬ વિદ્યાર્થીઓના સહકારથી બનેલી એ ફિલ્મનું નિર્દેશન કે. હરિહરણ અને મણી કૌલે કર્યું હતું. તેઓ કહે છે કે તેમના સૌથી સારા કામ માટે તેમને ચણા-મમરા જેટલાં પૈસા મળ્યાં હતાં. એ સમયે જેને આર્ટ  ફિલ્મ કહેતા તેમાં અમરીશ પુરી, નસીર, શબાના અને સ્મિતા પાટીલ સાથે તેમણે અનેક મહત્વની ભૂમિકા ‘ભવની ભવાઈ’, ‘સદગતિ’, ‘અર્ધ સત્ય’, ‘મિર્ચ મસાલા’ કે ‘ધારાવી’ જેવી ફિલ્મો કરી હતી.

તેમની વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ યાદ કરીએ તો શોષિત ગ્રામ્યજન રૂપે ‘આક્રોશ’માં તેમનું પાત્ર એવું હતું જેમાં તેઓ માત્ર ફ્લેશ-બેકના દ્રશ્યોમાં જ બોલતા હતાં. ‘ડિસ્કો ડાન્સર’માં તેઓ મેનેજર હતા તો ‘અર્ધ સત્ય’માં તેઓ પોલીસ અધિકારી હતા. એ ફિલ્મમાં તેઓ સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય રીતે થતાં શોષણ સામે અવાજ ઉઠાવતા હતા. આ ભૂમિકા માટે ઓમ પુરીને બેસ્ટ એક્ટર રૂપે નેશનલ એવોર્ડ મળ્યો હતો. ગુલઝારની ‘માચીસ’માં તેઓ શીખ ઉગ્રવાદીઓના નેતા હતા, તો ‘ગુપ્ત’ જેવી વ્યાવસાયિક ફિલ્મમાં સખત પોલીસ અધિકારી રૂપે તેમણે અભિનય કર્યો હતો. ‘ધૂપ’ (૨૦૦૩)માં તેઓ શહીદ સૈનિકના હિંમતવાન પિતા બન્યા હતા.

૧૯૯૯માં ઓમ પુરીએ કન્નડ ફિલ્મ ‘એ કે ૪૭’માં ફરીવાર સખત પોલીસ અધિકારીની ભૂમિકા કરી હતી, જેઓ અન્ડર વર્લ્ડ સામે શહેરને સલામત રાખવા મથે છે. એ એમનો યાદગાર અભિનય હતો. તો પોતાના અવાજમાં કન્નડ સંવાદો બોલ્યા હતા. એ જ વર્ષે તેમણે સફળ બ્રિટીશ કોમેડી ફિલ્મ ‘ઈસ્ટ ઇઝ ઈસ્ટ’ કરી હતી, જેમાં તેઓ ઇંગ્લેન્ડમાં પહેલી પેઢીના પાકિસ્તાની વસાહતી બન્યા હતા, જેઓ વધુ પડતાં પાશ્ચાત્ય બનેલા સંતાનો સાથે ભળવાનો પ્રયાસ કરે છે. એટનબરોની ‘ગાંધી’માં પણ તેમનું એક યાદગાર દ્રશ્ય હતું. પછી તેઓ ચરિત્ર અભિનેતા બની ગયા. તેમની ‘માય સન ધ ફેનાટીક’, ‘ઈસ્ટ ઇઝ ઈસ્ટ’ કે ‘ધ પેરોલ ઓફિસર’ જેવી ફિલ્મોથી તેઓ વિદેશમાં લોકપ્રિય બન્યા. હોલીવૂડની ‘સીટી ઓફ જોય’, ‘વુલ્ફ’ કે ‘ધ ઘોસ્ટ એન્ડ ધ ડાર્કનેસ’ થી તેઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર બન્યા. ૨૦૦૭માં તેમણે ‘ચાર્લી વિલ્સન્સ વોર’માં જનરલ ઝીયા-ઉલ-હક રૂપે ટોમ હન્સ્ક અને જુલિયા રોબર્ટ્સ સાથે અભિનય કર્યો હતો.

ટીવી શ્રેણી ‘કક્કાજી કહીન’ (૧૯૮૮) માં ઓમ પુરી પાન ચાવતા કાકાજી બનેલા; એ રાજકારણ પર કટાક્ષ કરતી શ્રેણી હતી. ‘મિ. યોગી’ માં તેઓ કમાલના મજાકિયા સુત્રધાર હતા. આ બંને શ્રેણીને કારણે તેઓ કોમેડિયન રૂપે પણ ખુબ લોકપ્રિય થયા હતા. ગોવિંદ નિહાલાનીની ટીવી ફિલ્મ ‘તમસ’ (૧૯૮૭)માં પણ તેઓ યાદગાર હતા. શ્રેણી ‘આહત’ના કેટલાંક એપિસોડમાં પણ તેઓ હતા. તેમની યાદગાર ભૂમિકાઓ ‘ભારત એક ખોજ’, ‘યાત્રા’, ‘મિ. યોગી’, ‘કક્કાજી કહીન’, ‘સી હોક્સ’ કે ‘અંતરાલ’માં ટીવી પર જોવા મળી હતી.

તો ‘જાને ભી દો યારોં’, ‘ચાચી ૪૨૦’, ‘હેરા ફેરી’, ‘ચોર મચાયે શોર’ કે ‘માલામાલ વીકલી’માં તેઓ કોમિક રોલ કરતા હતા. ‘સિંઘ ઇઝ કિંગ’, ‘મેરે બાપ પહલે આપ’ કે ‘બિલ્લુ’માં પણ તેમની કોમિક ભૂમિકા હતી. ‘રોડ ટુ સંગમ’ (૨૦૦૯) કે ‘ડોન ૨’માં પણ તેઓ દેખાતા હતા.

આમ ઓમ પુરીની અભિનય યાત્રા ખુબ વૈવિધ્ય ધરાવે છે.

1 ટીકા

Filed under Uncategorized