નીઓ+ટ્રાઈબલ+ઇઝમ./Paresh vyas

નીઓટ્રાઈબલિઝમ: નવો આદિજાતિવાદ

નૂપુર શર્માની તરફેણ કરતી ફેસબૂક પોસ્ટને કારણે ઉદેપુરમાં દુકાનમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા ગોસ મોહમ્મદ અને રિયાઝ અખ્તારી નામક બે શખ્સોએ ધોળે દહાડે કનૈયા લાલ નામનાં દરજીની ઘાતકી હત્યા કરી. બે પૈકી એક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન દાવત-એ-ઇસ્લામી સાથે જોડાયેલો હતો. હત્યારાઓએ હત્યા તો કરી પણ ઉપરથી એનો વિડીયો પણ ઉતાર્યો. સોશિયલ મીડિયા પર જે વાઇરલ થયો. તોફાનો થયા. રાબેતા મુજબ દરેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું. રાબેતા મુજબ કરફ્યૂ ડિકલેર થયો. સચેત પોલિસે બંને હત્યારાઓને કલાકોમાં જ ઝડપી લીધા. રાબેતા મુજબ એની ઉપર રાજનીતિ પણ થવા લાગી. રાબેતા મુજબ અમે પણ શબ્દ શોધ્યો અને આ લેખ લખ્યો. રાબેતા મુજબ અમે માત્ર શબ્દને વફાદાર રહ્યા.

નીઓટ્રાઈબલિઝમ (Neotribalism) એટલે નીઓ+ટ્રાઈબલ+ઇઝમ. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘નીઓ’ એટલે નવું, નવ; ‘ટ્રાઈબલ’ એટલે એક સરદાર કે નાયકના તાબાનું અને બહુધા એક પૂર્વજમાંથી ઊતરી આવ્યાનો દાવો કરનારા (પ્રાથમિક અવસ્થાવાળા) કુટુંબોનું આદિજાતિ જૂથ, કોઈ ટોળકી કે સમૂહ, આદિજાતિ લોક કે સમૂહ અને ‘ઇઝમ’ એટલે હરકોઈ વિશિષ્ટ સિદ્ધાંત કે વાદ. તમે કહેશો કે આ શબ્દ અને ઉદેપુરની ઘટનાને શો સંબંધ છે? વાત જાણે એમ છે કે આપણાં પૂર્વજો આદિજાતિ જૂથમાં રહેતા. જૂથ હતા એટલે લડતા ય ખરા. શૂરવીર હતા એ ટકી જતા. પણ સમય વીતતો ગયો તેમ આદિજાતિ જૂથ મટી ગયા. લોકો સમાજમાં રહેવા માંડ્યા. આધુનિક વિશ્વમાં લોકો મોટે ભાગે સમાજમાં રહે છે. કાયદો છે. વ્યવસ્થા છે. પણ હવે એક નવા આદિજાતિ ટોળાં કે સમૂહ બનતા જાય છે. આમ જુઓ તો ઇન્ટરનેટનું સર્જન થયું છે વિશ્વને જોડાવા માટે પણ વિશ્વ હવે એનાથી જ તૂટી રહ્યું છે. ફરીથી લોકો આદિજાતિનાં સમૂહમાં વહેંચાતા જાય છે.

નીઓટ્રાઈબલિઝમ ‘મોડર્ન કે ન્યૂ ટ્રાઇબલિઝમ’ તરીકે પણ ઓળખાય છે. ફ્રેંચ સમાજશાસ્ત્રી માઇકલ મેફસોલીએ સને ૧૯૮૮ માં લખેલા પોતાના પુસ્તક ‘ધ ટાઈમ્સ ઓફ ધ ટ્રાઈબ’માં આ શબ્દ લખ્યો હતો. આધુનિક યુગમાં સમાજશાસ્ત્રની આ પરિકલ્પના એવી છે કે ભલે ગામ, નગર કે મહાનગરમાં જાત જાતનાં લોકો એકસાથે રહેતા હોય છે પણ દરેકને પોતાનો ચોકો અલગ છે, પોતાના ફિરકા જુદા છે. અહીં જરૂરી નથી કે આ ટ્રાઈબ જન્મ કે જાતિ આધારિત હોય. સાહિત્યની જનજાતિ જુદી, સંગીતની વળી અલગ જનજાતિ, ખેડૂતોની ભિન્ન જનજાતિ, ધંધાદારીઓ કહે કે અમે અન્યથી જુદા અને રાજકારણીઓની વળી તદ્દન અલગ જનજાતિ અને…. ધર્મનાં નૂમાયંદાઓ? એ તો વાત ન પૂછો. હવે અલગ અલગ હોય એનો વાંધો નથી. પણ પોતે એવું માને કે અમે જ શ્રેષ્ઠ. એમાં કેટલીય પેટા ટ્રાઈબ્સ. અલબત્ત આધુનિક યુગમાં સાવ પુરાતન જનજાતિ જેવું જીવન તો નથી. પણ સોશિયલ મીડિયા લોકોને જનજાતિમાં વહેંચી દે છે. ગૃપ્સ બને છે, ફોલોઅર્સ વધે છે. વર્ચ્યુઅલ ટોળાં છે આ બધા. પોતાની ટ્રાઈબ પ્રત્યે આંધળી ભક્તિ છે. અન્ય ટ્રાઈબ પ્રત્યે હાડોહાડ વેર છે, ઝેર છે. કોઈ વિવાદાસ્પદ વાતનો વિરોધ પછી કટ્ટર થતો જાય છે. અમે જ સાચા, તમે નહીં. સત્યાસત્યનો કોઈ વિવેક નથી. જેની ટ્રાઈબ સ્ટ્રોંગ એનો દબદબો ભારે. સામાવાળો ક્યારે હારે? સોશિયલ મીડિયામાં વાડાબંધી પારાવાર છે. જે વાડા ઉપર બેઠાં છે, ન્યૂટ્રલ રહેવા માંગે છે તેઓને લલકારવામાં આવે છે. ધર્મ હવે નિરપેક્ષ નથી. કર્મ પણ ક્યાં નિરપેક્ષ હોય છે? રાજકારણીઓને આ ગમે છે. ટ્રાઈબમાં વહેંચાઈ ગયેલા લોકોને ઉત્તેજિત કરવા સહેલાં છે. આ નીઓ ટ્રાઈબ્સ ઉર્ફે નવજનજાતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા વર્ચ્યુઅલ ઝઘડે છે. ઓનલાઈન શારીરિક રીતે અહિંસક ગાળાગાળી ક્યારેક ઓફલાઇન ખૂનામરકીમાં ફેરવાઇ જાય છે. વળી એની ઉપર બહસ ચાલે છે. રાજકારણીઓ કે ધર્મકારણીઓ માટે આ ચેલેન્જ છે. વાઘની સવારી સારી પણ એક વાર એની પરથી ઉતર્યા એટલે….

થોડા દિવસો પહેલાં શબ્દસંહિતામાં ‘ફ્રિન્જ’ શબ્દ વિષેનાં લેખને જ્યારે એક વોટ્સએપ ગૃપમાં અમે અપલોડ કર્યો કે એક સભ્યએ ટીકા કરી. ટીકા અમને ગમે કારણ કે ટીકા દરેક વાંચકનો વાંચનસિદ્ધ અધિકાર છે. પણ પછી તેમણે સરેગૃપ જાહેર સલાહ લલકારી…. કે ખમીર હોય તો નૂપુર શર્મા નહીં, ___ખાન વિષે લખો. સલાહ અમને મુદ્દલ ગમતી નથી. લેખ આમ પણ શબ્દ વિષે હતો. શબ્દ વિષે જ હોય છે. વાત જો કે ત્યાંથી અટકી. અન્ય કોઈ સભ્યોએ વાતને વધારી નહીં કારણ કે એકાદ બે અપવાદ સિવાય ગૃપનાં બધા સભ્યો સાલસ, શિષ્ટ અને બુદ્ધિજીવી છે. પણ બધા ગૃપ્સમાં એવું થતું નથી. અને ભાઈ, પ્રોબ્લેમ છે તો સરકાર પણ તો છે જ. આપણે ચૂંટેલી સરકાર છે. કામ એણે કરવાનું છે. અને સરકારને ઠીક લાગ્યું તે કર્યું. ન વધારે કર્યું, ન ઓછું કર્યું. સવાલ એ છે કે કોઈ પણ વિવાદ બાબતે આપણે છાશવારે સોશિયલ મીડિયા ઉપર શા માટે રણે ચઢીએ છીએ? ખાસ કરીને ધર્મની બાબતમાં. અને ધર્મ વિષેની વાત તો સંવેદનશીલ રહેવાની જ.

લેખક અને ફ્યૂચરિસ્ટ પેટ્રિક ડિક્સનનાં મતે ટ્રાઈબલિઝમ હવે વિશ્વનો સૌથી પાવરફુલ ફોર્સ છે. ‘ફ્યૂચરિસ્ટ’ એટલે આગમનાં એંધાણ પારખવાની અભિરુચિ ધરાવનાર શખ્સ. આ નીઓટ્રાઈબલિઝમ હવે આવી ચૂક્યું છે. આ વૈશ્વિક ઘટના છે. હજી તો એ વધારે ઘટ્ટ બનશે. હવે મારે વિચારવાનું છે. હું કમળમાં વિશ્વાસ રાખું છું, પંજાને ચાહું છું કે ઝાડુ એક જ મને ગમે છે કે પછી.. અન્ય કોઈની રાજનીતિ મારે મન વધારે સારી છે. ‘વધારે સારી’ની જગ્યાએ ‘ઓછી ખરાબ’. રાઇટ?! પણ અત્યારે કોઈ એક ઘટનાને લક્ષ્યમાં લઈને કોઇ અન્યની માન્યતા ઉપર, કોઈ અન્યનાં વાદે ચઢીને, શા માટે મારે મારો મત સોશિયલ મીડિયા ઉપર આપવો? મત તો હું ચૂંટણીમાં જ આપીશ. હું મતવાલો છું. ભગવદ્ગોમંડલ અનુસાર ‘મતવાલા’ એટલે મસ્ત, મજબૂત, મદમસ્ત. અને ચૂંટણી આવશે ત્યારે દરેક રાજકીય પક્ષ ગાઈ ઊઠશે, કોઈ મતવાલા આયા મેરે દ્વારે..!

શબ્દશેષ:

“સામુહિક ચેતના એ મનનો ફાંસો છે, સાવધ રહેજો. તમારા વિચારો તમારા નહીં પણ ટ્રાઈબલિઝમ ટોળાંની અસર તળે ઘડાયા હોય ત્યારે તો ખાસ. તમારી પડખે કોઈ છે- એવી લાગણી સારી પણ જ્યારે તમે અન્યને નીચા દેખાડવાની કોશિશ કરો ત્યારે એ વિનાશક બની જાય.” – રોબર્ટ રિકિઆર્ડેલી

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.