Daily Archives: નવેમ્બર 6, 2022

મૂનલાઇટિંગ:પરેશ વ્યાસ

– એક કર્મચારી પોતાનાં કૌશલ્યથી એકથી વધારે જગ્યાએ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે તો બોલો એમાં ખોટું શું છે?

‘મૂ નલાઇટિંગ’ કરવા બદલ વિપ્રો કંપનીએ એના ૩૦૦ આઇટી ઈજનેર કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું, જેના પરિણામે વિપ્રો ચીફ રિષદ પ્રેમજીને હવે પ્રેેમપત્રો નહીં પણ નફરતપત્રો મળી રહ્યા છે.મૂનલાઇટિંગ એટલે એક નોકરી ઉપરાંત બીજી નોકરી કરવી તે. અને આ બીજી નોકરી સામાન્ય રીતે પહેલી નોકરીનાં માલિકની જાણ બહાર ચોરીછૂપી કરવામાં આવતી હોય. એટલે એમ કે આ આઇટી ઇજનેરો દિવસે વિપ્રો પણ રાતે અન્યત્ર નોકરી કરતા હતા. પ્રેમજીનાં મતે આ ઠગાઇ છે, ચોખ્ખી અને સ્પષ્ટ ઠગાઇ.ધારો કે હું આઇટી ઇજનેર છું. મૂળ નોકરી હું દિવસે કરું પણ રાતે જ્યારે ચંદ્રમાની લાલિમા પથરાતી હોય ત્યારે હું એક પર બીજી કરું. આઈ મીન બીજી નોકરી! એ બીજી પાછી મારી મૂળ કંપનીની હરીફાઈમાં હોય. મારી કહેવાતી વફાદારીનાં પછી ઊભા ફાડિયાં થઈ જાય. મારા મૂળ નોકરીદાતા, મારા માલિકને શંકા પડે, મારી ઉપર જાસૂસી થાય, મારું મૂનલાઇટિંગ પકડાઈ જાય અને….. મારી નોકરી જાય. આ તો સાલું પ્રણય ત્રિકોણની ફિલ્મી વાર્તા જેવું થયું, નહીં? માઈક્રોસોફ્ટવાળા સત્ય નાદેલા જો કે કર્મચારીની જાસૂસી કરવા સામે નારાજગીનો નાદ કરે છે. કહે છે કે આ ‘પ્રોડક્ટિવિટી પેરાનોઈઆ’ છે. વળી નવો શબ્દ. અર્થ થાય ઉત્પાદકતાનું ગાંડપણ. એટલે એમ કે માલિકને લાગે કે નોકરિયાત પૂરતું કામ કરતો નથી પણ નોકરિયાતને લાગે છે કે એ ઘણું કરે છે, તૂટી મરે છે પણ માલિકને એની કદર નથી. પ્રેમજી સત્ય કહે છે? કે સત્યજી પ્રેમની વાત કહે છે?-ખબર નથી. પણ હા, કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર મૂનલાઇટિંગની તરફેણ કરે છે. કહે છે એક કર્મચારી પોતાનાં કૌશલ્યથી એકથી વધારે જગ્યાએ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે તો બોલો એમાં ખોટું શું છે? મૂનલાઇટિંગ એક એવો વિચાર છે, જેનો સમય હવે પાકી ગયો છે. સ્વાભાવિક છે કે મંત્રીશ્રીનાં નામમાં જ ચંદ્ર છે એટલે તેઓ ચંદ્રનો શેખર (મુગટ, તાજ) તો પહેરવાનાં જ! તો એની સામે આઇટી ઉદ્યોગમાં મૂનલાઇટિંગથી ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાને કોઈ હર્ષ થતો નથી. કવિ કાન્તનાં શબ્દોમાં કહું તો આજ મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો, આ આપણાં હર્ષભાઈનાં હૃદયમાં કોઈ હર્ષ જામતો નથી. હર્ષભાઈ માને છે કે વિશ્વની ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓ પૈકીની કંપની વિપ્રોની ક્લાયન્ટ છે એટલે એનાં ડેટાની ગુપ્તતા અગત્યની છે. આ કાંઈ ફૂડ ડીલિવરી કરતી સ્વિગી નથી, જે મૂનલાઇટિંગને આવકારે છે. સ્વિગીમાં તો ‘એમ્પલોયી ફર્સ્ટ’ની પોલિસી છે. એનો કર્મચારી ગમે તે કરે તેની છૂટ છે. બસ, ફૂડની ડીલીવરી સમયસર થવી જોઈએ…. તો આઓ તુમ્હે ચાંદ પે લે જાએ ઔર.. મૂનલાઇટિંગ શબ્દ સમજાયે.. અને એ રીતે સત્ય અને પ્રેમની વાતો, ચંદ્ર અને હર્ષની વાતોસમજવાની કોશિશ કરીએ. 

મૂનલાઇટનો શબ્દાર્થ ચંદ્રપ્રકાશ. આમ ખાસ ઉજાસ ન હોય. પણ એમાં પ્રેમ થઈ શકે. ચોરી પણ થઈ શકે. (બેઉમાં ઝાઝો ફેર નથી!) આમ શબ્દનો મૂળ અર્થ રાતનાં થતી ચોરી બાબતનો જ હતો. સને ૧૮૮૨માં આ શબ્દ રાતે ગુનાઓ કરવાની પ્રવૃત્તિ વિષે વપરાતો હતો. મૂનલાઇટર એટલે એવી ગેંગનો સદસ્ય જે આયર્લેન્ડ દેશમાં ખેતરો પર લૂંટફાટનાં ઇરાદે રાતે હૂમલો કરતા, અત્યાચાર ગુજારતા. પણ પછી મૂનલાઇટર શબ્દ અમેરિકા જઈને સુધરી ગયો. સને ૧૮૮૭થી ‘મૂનલાઇટર’ એટલે રાતે સેરિનેડ (Serenade) કરતો માણસ. સેરિનેડ એટલે સ્તુતિગાન. ગુજરાતી લેક્સિકન અનુસાર સેરિનેડ એટલેમા શૂકની બારી નીચે (પ્રેમીએ) કરેલું ગાયન કે વાદ્યવાદન. પછી સને ૧૯૫૪થી મૂનલાઇટર એટલે રાતે ચંદ્રપ્રકાશનાં ઉજાસમાં નોકરી કરતો માણસ અને એમ કરવું એ મૂનલાઇટિંગ. અમથું ય પ્રેમિકા માટે કરો કે માલિક માટે કરો, આખરે નોકરી એ સ્તુતિગાન જ તો છે. હેં ને? 

કાયદો છે કે એક પર બીજી નોકરી ન થાય પણ એ તો કામદાર માટે છે. આઇટી ઇજનેર માટે દેશમાં કોઈ કાયદો નથી. હા, તેઓ નોકરીમાં જોડાય ત્યારે કોન્ટ્રાક્ટની કલમમાં મૂનલાઇટિંગની મનાઈ લખી હોય અને જો હું કરું તો હું ચીટર થયો. હું હોંશિયાર છું પણ વફાદાર નથી. મને ખુદને લાગે કે આ થોડી સી બેવફાઇ છે પણ માલિક માટે આ વધારે પડતી બેવફાઇ હોઈ શકે. અન્યને પણ ચેપ લાગે. આ વાઇરસને જડમૂળથી જ નાબૂદ કરવો જરૂરી, એવું માલિકને લાગે. મને લાગે કે હું કામ તો કરું છું. આઠ કલાક કંપનીને આપુ છું. આઠ કલાક સૂઈ જાઉં છું. તો ય મારી પાસે આઠ કલાક છે. એમાં હું કાંઈ પણ કરું. પણ સાહેબ, ચીટિંગ તો ન જ થઈ શકે. તો શું કરવું? છૂટક કામ કરો. કોઈ મજબૂરી નહીં. રોજનું રોજ. રોજમદાર. એક શબ્દ છે દહાડી કામદાર. એટલે દિવસે કામ મળે તો તે દિવસનું મહેનતાણું મળી જાય. મૂનલાઇટનાં સંદર્ભે એ રાતડી કામદાર. કોઈ ખટખટ નહીં. કોઈ ઝંઝટ નહીં. પણ એક પ્રોબ્લેમ. દરેક કંપની એક બીજાની હરીફાઈમાં હોય છે. આવા રાતડી કર્મચારી પર ભરોસો કોણ રાખે? 

મૂનલાઇટિંગ નવું નથી. દિવસનાં સામાન્ય નોકરી અને રાતે પોતાનું મનગમતું કામ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન, કવિ ટી. એસ. ઇલિયટ અને રાજકર્તા અબ્રાહમ લિંકને પણ કર્યું હતું. અત્યારે એની ચર્ચા શા માટે?  કોવિડ મહામારી, ઘરથી કામની મજબૂરી, ગમે ત્યારે નોકરીમાંથી છૂટા કરી દેવાની શક્યતા અને ત્યારે બીજી હોય તો હિંમત રહે. આર્થિક સ્વતંત્રતા પણ રહે. એકનાં એક કામમાં આવતો કંટાળોટાળી શકાય. હું ખૂબ કામ કરું પણ કદર જાને ના, મોરા માલિક બેદર્દી એટલે બીજી… જેમાં હું કશુંક ક્રીએટિવ કરી શકું. મારી જોબ પ્રોફાઇલમાં એક નવું પરિમાણ ઉમેરી શકું. મૂનલાઇટિંગ ફૂલ ટાઈમ હોય એ જરૂરી નથી. ક્વાર્ટર કે હાફ પણ હોઈ શકે. જો નિષ્ફળ જાઓ તો એ બ્લ્યૂ મૂનલાઇટિંગ કહેવાય. 

આખરે તો આ સમયનાં સદુપયોગની વાત. કામનું કામ અને કમાણીની કમાણી. પણ જો મૂળ નોકરીની શરતમાં પૂર્ણ કાલીન વફાદારી હોય તો મૂનલાઇટર બનવું નહીં. દરેક નાનો માણસ બે ત્રણ અન્ય કામ કરતો હોય છે. મજબૂરી છે. પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે મોટા નોકરિયાતની બેવડી નોકરીની વાત આવે. પણ મોકો મળે તો મૂનલાઇટિંગ કરવું. પ્રેમથી કરવું. ઘડીની નવરાશ નહીં પણ જો પાંઈની પેદાશ હોય તો… વાંધો નથી.

શબ્દ શેષ: 

‘કાંઈ પણ થશે નહીં જ્યાં સુધી તમે કરો નહીં.’ – અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized