Daily Archives: મે 21, 2022

કોઈ નહીં બસ તારી તોલે/યામિની વ્યાસ

કોઈ નહીં બસ તારી તોલે

“નભ પ્લીઝ, આ સેફ્ટીપિન લગાવી આપને. કાલે પેલું કબાટ ખસેડેલું તે ખભો દુઃખે છે.”

“તું કંઈ ને કંઈ કારભાર કરતી જ રહે છે. શું જરૂર હતી એ ખસેડવાની?”

“અરે મારું પેઈન્ટિંગ બ્રશ ખોવાયેલું. શોધીશોધીને મરી ગઈ ને ભાઈ તો છુપાયા હતા છેક કબાટની પાછળ.”

“તને કેટલી વાર કહ્યું, બધું ઠેકાણે મૂક પણ સાંભળે તોને?”

“ઓ પરફેક્ટ પતિ! લે પિન, જલદી કર.”

“નદ્યા, સાડી શું કામ પહેરી? જિન્સ પહેરી લે. આરામ રહેશે. યાર, રવિવાર છે, ફિલ્મ જોઈને વિવેકના ફાર્મ પર જમવા જઈશું ને સાંજ સુધી ત્યાં જ હોઈશું. બધાં એ રીતે જ આવશે.”

“ઓકે બાબા, પણ પહેરાઈ ગઈ, હવે ન બદલાય. ઈસ્ત્રીવાળી હતી. ફરી આવી ગડી નહીં વળે. ને પછી મારું સાડીનું ખાનું અસ્તવ્યસ્ત લાગે તો કહેતો નહીં. બાય ધ વે, કેવી લાગે છે સાડી?”

“સાડી તો સારી જ છેને! લાવ પિન. આ લટકતા છેડા પરને?”

“હા, સિંગલ પલ્લું છે, પાછો વગાડી ન દેતો.”

નદ્યાને ખબર હતી કે નભને ખભા પર એકસરખી ચપોચપ પાટલી ગોઠવેલી એરહોસ્ટેસ પહેરે એવી સ્ટાઇલ ગમતી એટલે કંઈ કહેશે તો ખરો પરંતુ મોડું થઈ જાય એટલે એ વિશેષ ટિપ્પણીમાં પડ્યો નહીં. નદ્યાને સાડીનો ખુલ્લો લહેરાતો છેડો ગમતો.

આજે તો એ ખરેખર ખળખળ વહેતી નદી જેવી જ સુંદર લાગતી હતી. આસમાની સ્લીવલેસ બ્લાઉઝ સાથે પહેરેલી એ જ રંગની સાડી, એમાં નાની નાની નૌકાઓ એણે જાતે પેઇન્ટ કરી હતી. ગળામાં નાજુક મોતીની માળા ને કાનમાં મોતીના કર્ણફૂલ. સીધા લાંબા વાળ પીઠ પર લહેરાતા હતા. એની પાસે પર્સને બદલે ગૂંથેલો આકર્ષક બટવો રહેતો. અરે, આ બટવાએ જ બંનેને મેળવેલા.

એક જ બસમાં એક જ સીટ પર બંને સહપ્રવાસી હતાં. બોલકી નદ્યા વર્ષોથી દોસ્તી હોય એમ ઊછળતી કૂદતી કંઈકેટલુંય બોલી ગઈ પણ નભ તો વરસવું જ ન હોય એમ માંડ મોઢું ખોલે. ઊતરવાનું સ્થળ આવતા નદ્યા તો થનગનતા જળપ્રવાહ માફક ઊતરીને દોડી ગઈ સહેલીના લગ્નપ્રસંગમાં.

“લે, તારા માટે મનગમતી ગિફ્ટ લાવી છું.” બોલતા જ બટવો નથીનું ભાન થયું. હાંફળીફાફળી થઈ બસસ્ટેન્ડ તરફ દોડવા પગ ઉપાડે ત્યાંજ બટવો ઝુલાવતો નભ સામે મળ્યો. એને અને સહુને હાશ થઈ. નભ સહેલીનો સગો હતો એ પછી જાણ થઈ.

કોઈના લગ્નમાં જ કોઈના લગ્ન નક્કી થવાના એંધાણ શરૂ થઈ જતા હોય એમ જ થયું. સાવ વિરોધી સ્વાભાવ, શોખ, વર્તન, સમજણ, આદત ધરાવતાં નદ્યા અને નભ બે વિરુદ્ધ ધ્રુવની જેમ અદ્ભુત રીતે આકર્ષાયાં. વડીલોને વાંધો નહોતો પણ ઉતાવળ ન કરવાની સલાહ આપી. થોડો સમય ચેટિંગ-ડેટિંગ કર્યું. પછી એકબીજા સાથે તો ઠીક પણ એકબીજા વગર નહીં રહી શકે એવી પાક્કી ખાતરી થતાં બંનેએ વડીલોને જણાવ્યું. હવે વડીલો જન્માક્ષર મેળવવા જતાં હતાં ત્યાં નભે નદ્યાને પૂછ્યું “ન મળ્યા તો?”

“મનાક્ષર મળી ગયા પછી જન્માક્ષરનું શું કામ? “નદ્યાનો પ્રશ્ન જ જવાબ બની ગયો. આખરે બંનેએ સાથે રહેવાનું છે. થયું પણ એવું જ બીજા શહેરમાં નભને ખૂબ સરસ નોકરી મળી. નદ્યા ઘરે જ પેઈન્ટિંગ કરતી. એમાંથી પણ સારી કમાણી થતી. ખુશખુશાલ લગ્નજીવનમાં સમય જતાં થોડી તુંતુંમેંમેં શરૂ થઈ. નદ્યાને સૂર્યોદય વખતે ચાલવા જવાનું ગમે, નભને સૂર્યાસ્ત સમયે રખડવું ગમે. સ્વાદમાં પણ નદ્યાને તીખું તમતમતું ભાવે જ્યારે નભને ગળ્યું ભાવે. નદ્યાને રોકેટની જેમ ગાડી ચલાવવી ગમે જ્યારે નભને ધીમી ગતિએ. પુસ્તકો કે સંગીતની પસંદગી પણ બંનેની અલગ અલગ. ઘરે પણ ફિલ્મ જોવી હોય તો એકને બીજી ભાષાનું તો બીજાને વળી બીજીનું જોવું હોય. આ લડાઈને અંતે બંનેની સુલેહથી સબટાઈટલવાળી ફિલ્મ પસંદ થતી. પછી તો બંનેએ ફરિયાદ કે લડાઈ માટેનો એક કલાક નક્કી કર્યો. અને બાકીના કલાકો પ્રેમના. સારું એ થતું કે, એમાં તેઓ મુંગા થઈ જતાં અને બંનેના હૃદય બોલતાં. એ રીતે સરસ ફાવી ગયું હતું પણ નદ્યાને નડતી નભની અતિ ચોકસાઈ અને નભને નડતી નદ્યાની મૂડ મુજબની અસ્તવ્યસ્તતા. નભ સવારે એનું વોલેટ, પેન, ચાવી, ચશ્માં, રૂમાલ વગેરે તૈયાર કરે એ ચોક્કસ ક્રોનોલોજીમાં હોય. એનો વોર્ડરોબ એકદમ વ્યવસ્થિત હોય. પુસ્તકો કે કપડાં ચોક્કસ રીતે જ મૂક્યા હોય. એણે પાર્ક કરેલી ગાડી અમુક એંગલમાં જ હોય અને બધું કામ સમયસર હોય. જ્યારે નદ્યાને કોઈ કલ્પના આવે, મૂડ આવે તો સત્તર કામ મૂકી ખાધાપીધા વગર ચિત્રમાં ખોવાઈ જાય, મચી પડે. કોઈવાર ગાલ પર, કપડાં પર, વાળ પર લાગેલા રંગો સાંજ સુધી એમ જ રહે. જોકે, સંતોષપૂર્ણ ચિત્ર પૂરું થયાં પછી બધું સરસ રીતે સાફ પણ કરે. નભ ઘણું નભાવતો અને નદ્યાને બધું ગોઠવામાં મદદ પણ કરતો.

એકવાર કપડાં ગોઠવવા નદ્યાના કબાટનું ખાનું ખોલ્યું તો કપડાના ડૂચા સાથે ઠેરઠેર બંગડીઓ વેરાઈ, ઝૂમખાં ઊછળી પડ્યાં ને કૂદી પડેલા નેકપિસ કે ઊડી પડેલા બટરફલાયમાં એ જ અટવાઈ ગયો. સહજ બૂમ પડાઈ ગઈ. “નદ્યા, પ્લીઝ રોજનું અને ઓછું વપરાતું હોય એ જુદું જુદું ગોઠવને. જોઈએ તો બીજું નાનું કબાટ લઈ આવીશું.”

નદ્યાને ખરેખર ગ્લાનિ થઈ. નભને બીજે દિવસે વહેલી સવારે પ્રેઝન્ટેશન હતું. બધું તૈયાર કરી વહેલો સૂઈ ગયો. પછી આખી રાત જાગી નદ્યાએ પોતાની ચીજવસ્તુઓ છૂટી પાડી અલગ અલગ જગ્યા શોધી એકદમ વ્યવસ્થિત ગોઠવી અને આવું કાયમ રાખશે એવું મનોમન નક્કી કર્યું. સવારે નભને સરપ્રાઇઝ આપવા એની આગળપાછળ રહી પણ નભની ઉતાવળ જોઈ સાંજે જણાવવાનું નક્કી રાખ્યું અને શુભેચ્છાઓ પાઠવી.

નભ એની આદત મુજબ થોડો વહેલો પહોંચ્યો.તૈયાર થઈ મહામહેનતે તૈયાર કરેલું પ્રેઝન્ટેશન એકવાર ફરી જોઈ જવા ટેબલ પર ગયો. બેગ ખોલતાં જ આભો બની ગયો. બેગમાં એકદમ વ્યવસ્થિત રીતે લેબલ કરીને અલગ અલગ પ્લાસ્ટિક કવરમાં રૂમાલ, ઘરેણાઓ, મેકઅપ કીટ, હેર પિન, ટિશૂપેક, હેરબેન્ડ, બટરફ્લાય વગેરે બધું ખૂબ જ સરસ રીતે ગોઠવાયેલું હતું. ફટ બેગ બંધ કરી પોતાના પ્રેઝન્ટેશનનો વારો પાછળ કરવાની વિનંતી કરી ગાડી ભગાવી.

“હે ભગવાન! પ્રેઝન્ટેશનના ઉત્સાહમાં લેપટોપની જૂની બેગ બદલી નવીમાં તૈયાર કર્યું ને હું જ ભૂલી ગયો?”

— યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized