Monthly Archives: જૂન 2022

દર્દની એવી નિશાની/યામિની વ્યાસ

દર્દની એવી નિશાની હોય છે

જીવતી જાણે કહાની હોય છે

એ હ્રદય સોંસરવી ઉતરી જાય છે

શબ્દની એવી રવાની હોય છે

રાહ જોતા આંખ થાકી જાય પણ

એ વ્યથા કેવી મજાની હોય છે !

આપણે ઈતિહાસ લખવો કઈ રીતે?

એક સરખી જિંદગાની હોય છે

વ્યર્થ ધરતી પર નહીં શોધ્યા કરો

પ્રેમ એ તો આસમાની હોય છે

અશ્રુઓ પડઘા ભલે પાડ્યા કરે

લાગણી તો છાનીમાની હોય છે

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

‘નગરી નામે… !’પ્રતિભા ઠક્કર

· 

‘નગરી નામે… !’

એક સાથે જોયેલાં ખ્વાબની વાર્તા.😍

મારી વહાલી દીકરી મેઘાને જન્મદિવસની ભેટ …✍️🌹🌼🍁☘️🌺

એક મજાનીવાર્તા #સહિયર#ગુજરાતસમાચાર#સ્ત્રીઆર્થ

લેખક – પ્રતિભા ઠક્કર

વાચિકમ – યામિની વ્યાસ

નમી ટ્રેનની બારીમાંથી વૃક્ષો અને વાદળોની સંતાકુકડી ની રમત જોઈ રહી હતી. જીવનના સાતમા દાયકા માં પ્રવેશ થયો હતો. મહામારી પછીના બે વર્ષ પછી એ ઘર બહાર સોલો ટ્રીપ માં નીકળી હતી. નજર સામે દેખાતા પાછા ફરતા વૃક્ષોને જોઈ ને એ પણ પોતાના જીવનના પાછલા દિવસો તરફ સરી પડવાની તૈયારીમાં હતી ત્યાં દીકરી મુસ્કાન ના શબ્દો યાદ આવ્યા વર્તમાનમાં જીવવાનું વર્તમાનમાં જ મહાલવાનું.

હા ટુરની ટિકિટ અને ટુરનો પ્લાન જ્યારે હાથમાં આપી ને તૈયારીઓ શરૂ કરાવી ત્યારે નમી માં પણ એક જોશ ફરી વળ્યો. રેગ્યુલર મેડિસિન, ડાયરી, બુક્સ, નાસ્તોવગેરે પણ ચીવટ પૂર્વક મુકાવ્યું.

બે કલાક પછી જમવાનો સમય હોય ટિફિન ભૂલી ન જાય એની ખાત્રી કરી. બધા ઉત્સાહ સાથે ટ્રેન પર મૂકવા આવ્યા હતાં.

ધીરે ધીરે બહાર અંધકાર પોતાનું સામ્રાજ્ય જમાવતો હતો. સાથે લાવેલું ટિફિન ખોલી અને જમવાનું પતાવવું જોઈએ એવું વિચારી ટિફિન ખોલ્યું. સામે ની સીટ પર મા અને નાનકડી દીકરી હતાં. નમીએ એમની જોડે થોડી ઔપચારિક વાતોની આપલે કરી. પરસ્પર જમવાનું આદાન પ્રદાન કર્યું. એ લોકો થોડી વારમાં સૂઈ ગયા.નમી પણ સાથે લાવેલી બુક વાચતા વાચતા થોડી વાર પછી સૂઈ ગઈ.

ટ્રેનની સવાર થોડી વહેલી પડી. ફ્રેશ થઈ ત્યાં ચા લઈ ફરતાં છોકરાનો અવાજ સાથે કપ રકબીનો તાલબદ્ધ ખખડાટ અને બહાર ઉષાનું આગમન એને એક સુંદર પ્રસ્તુતિ લાગી. એણે ચા પીધી.

એક નવાજ વાતાવરણની અનુભૂતી સાથે એણે બારી બહાર નજર દોડાવી. રસ્તાઓ જાણે ચિર પરિચિત લાગતા હતાં. ક્યારેક અહીં થી પસાર થઈ હોય એવો અહેસાસ થવા લાગ્યો. પર્સ ખોલી ટ્રાવેલ પ્લાન જોયો. હા, આ તો એજ સ્થળ હવે નજીકમાં હતું જ્યાં બાળપણ નાં વેકેશનો ગાળ્યા હતાં. મા અને ભાઈ બહેન સાથે નાની ને ત્યાં મૌજ થી રજાનો સમય પસાર કર્યો હતો.

હવે આટલા વરસે આ ગામ કેવું હશે એ વિચારવા લાગી. એની આ ગામની સલૂણી યાદો દીકરી સાથે વહેંચી હતી એટલે આ રીતનો પ્લાન બન્યો હશે એવું એ સમજી ગઈ અને મનમાં ને મનમાં દીકરીને આનંદ સાથે વહાલ થી જાણે ચૂમી લીધી.

બસ હવે થોડી મિનિટોમાં જ એની બાળ નગરી મા એ પહોંચવાની હતી. સ્ટેશન આવી ગયું.એ એક બાળસહજ થનગનાટ સાથે ઉતરી. જાણે સીતેર માં થી એ સાત વર્ષની બની ગઈ હોય. આજુબાજુ નજર દોડાવી. અહીં હવે કોઈ પરિચિત તો હતું નહિ. એને તો માત્ર ને માત્ર એ રસ્તાઓ પર ચાલવું હતું જ્યાં એની નાની નાની પગલીઓ પડી હતી, એ અદ્રશ્ય છાપને જોવી હતી, એ ધૂળ ને ચહેરા પર ઝીલવી હતી, એ હવા શ્વાસમાં ભરવી હતી.હા એ મૌજ એ માણવા લાગી.

નાનકડા ગામ માં થી શહેરમાં રૂપાંતર પામી ચૂકેલા ગામમાં એ મૌજથી પગપાળા ફરી બધુજ બદલાઈ ગયું હતું, રસ્તે ચાલતાં એક પ્લે હાઉસની બોર્ડ વાચ્યું. એને નાનીનું બાલમંદિર યાદ આવી ગયું, એક ખુમારીથી ભરપૂર જિંદાદિલ ચહેરો જાણે એની સામે વહાલ ભરી નજરે બાળગીત ગવડાવતા નજરે ચડ્યો. બહુ નાની ઉંમરે વિધવા થયેલા નાની કેવા સ્વમાન થી જીવ્યા હતા, અને બા ને ઉછેર્યા હતા.

એણે ઓર્ડર કરેલું પેક લંચ વાવી ગયું હતું. એ વિચારી રહી કે નાની પણ કેવું જમવાનું બનાવતા.

ભૂતકાળની આ આનંદ સભર યાદો સાથે એ સ્ટેશને આવી, વિઝીટર રૂમમાં ફ્રેશ થઈ બેસીને આગળનો ટ્રાવેલ પ્લાન જોયો. એક અચંબા સાથે એણે પોતાના પ્રવાસના મુખ્ય સ્થળનું નામ વાંચ્યું આંખમાં એક ચમક સાથે એ નામ પર નજર થંભી ગઈ.

નગરી નામે સ્ત્રીઆર્થ… ઓહો! આ શબ્દ કેટલું બધું કહી જાય છે. થોડો આછેરો પરિચય હતો અને

એકોમોડેશનની માહિતી હતી. હવે એ મન થી ઉતાવળી થઈ હતી ત્યાં પહોંચવા. એ વિચારવા લાગી કે જીવનમાં આ પહેલા તબ્બકાની નિર્દોષ નમણી સફર અને જીવન ની આ સલૂણી સાંજની સફર… જિંદગીનાં શોરબકોરના બદલે કેવા સરસ લય છેડે છે.

ટ્રેન આવવાનો સમય થતાં એ પોતાની સીટ કનફર્મ કરી બેસી ગઈ.

બરાબર ચાર કલાક પછી એ સ્ટેશને ઉતરી, આહા! સ્ટેશન પર સ્ત્રી શક્તિને ઉજાગર કરતાં પોસ્ટરસ નજરે ચડ્યા. બધુજ નવી નજરે જ આકારાયું હતું. સ્વાતંત્ર્ય વખતના નેતાઓના સ્ત્રી વિષયક સૂત્રો, બંધારણના અધિકારો સમજાવતા પોસ્ટર ઉપરાંત વિવિધ સ્ત્રી વિષયક કવોટેશન્સ ના પોસ્ટર…. ક્યાંય ખોટી ઝંઝટ નહિ બસ વિચારોનું વહેતું વહેણ.

કોઈ પૌરાણિક કલ્પના ચિત્રો નહીં પણ વાસ્તવિકતા સભર સ્ત્રી શક્તિને ઉજાગર કરતા ચિત્રો થી સ્ટેશનની દીવાલો શોભતી હતી એ આ અદભૂત નગરી ની નજાકત જોઈ રહી.અહીં આ નગર વિશે બધીજ માહિતીઓ પણ જોવા મળી. આખે આખો મેપ હતો. એણે ફટાફટ મોબાઈલમાં બધું ક્લિક કર્યું.

હવે તે પોતાને રોકાવાનું હતું એ ઘર પાસે આવવાનું હતું, રિક્ષા જેવું એક વાહન લઈ એક સ્ત્રી આવી અને એમાં બેસવાનું કહ્યું. હા આવું વાહન એણે એક આઇલેન્ડ ની સફરમાં જોયું હતું. એમાં બેસી એએક વિશાળ પટાંગણમાં નાના નાના સુવિધા યુક્ત ટેન્ટ હતાં ત્યાં આવી. આપવામાં આવેલા ટેન્ટ માં પોતાનો સામાન મૂક્યો. ત્યાં એ લોકોએ મુકેલી પ્રાથમિક વસ્તુઓ સાથે અહીંના સ્થળોની માહિતી પણ હતી.એ બધું જોઈ રહી.ત્યાં બેલ વાગ્યો, હવે એને ભોજનશાળા તરફ જવાનું હતું.

અહીં સ્ત્રી પુરુષો સાથે મળી બધીજ વ્યવસ્થા સંભાળતા હતાં. સાદું છતાં સ્વાદિષ્ટ ભોજન હતું.

જમ્યા પછી એ પટાંગણ માં બહાર બેઠી, ધીમું સંગીત વાગતું હતું. પણ મુસાફરીનો થાક તો હતોજ.હવે એને ઊંઘ આવતાં પોતાનાં ટેન્ટ તરફ ગઈ અને મીઠી ઊંઘમાં સરી પડી.

બીજા દિવસથી એને એક ગાઈડ મળી. એક સુંદર મીઠડી છોકરી હતી.એનું નામ મૌસમી હતું. સ્કૂલ થી શરૂ કરી અને બધીજ જગ્યાઓની મુલાકાત લેવાની હતી. મૌસમીની જગ્યાઓનો પરિચય આપવાની શૈલી રોચક હતી.

પહેલાં એ લોકો સ્કૂલમાં ગયા.સ્કૂલમાં વિજ્ઞાન, સાહિત્ય સાથે બુનિયાદી કેળવણી પર ધ્યાન અપાતું હતું. એને તો મજા પડી ગઈ આ બધું જોઈ ને.

ત્યાર પછી એ લોકો લાઇબ્રેરી પાસે આવ્યા.

*લાઈબ્રેરી ડોર પર એક મોટું ચિત્ર હતું લખેલા શબ્દો પર રંગીન ચોકડી મારેલી હતી, શબ્દો હતાં સેકન્ડ સેકસ.*

અહીં એને આ સ્ત્રીઆર્થ નગરીનું હાર્દ સમજાયું. સ્ત્રી સેકન્ડ સેકસ નથી એવી સખત વિચારસરણી સાથે જીવનારાઓનું આ નગર હતું,એ તો આ શહેરના પ્રેમમાં પડી ગઈ હતી.

અહીં ન્યાયાલય પણ હતું. ઉચ્ચ આસને સ્ત્રીઓ જ હતી પણ ત્યાં વિવાદ કરતાં સંવાદ થી પ્રશ્નો નીપટાવવા માં આવતા હતાં. એક નગર આયોજન અને વહીવટ માટે નું કાર્યાલય પણ હતું.અને હોસ્પિટલ પણ હતી. અહીં પણ આ વિશેષતા છતી થતી હતી. સ્ત્રી પ્રધાન વધુ જોવા મળ્યું.અલબત્ત પુરુષો પણ પોતાની યોગ્યતા સાથે કામ કરતાં હતાં પણ સરખી હિસ્સેદારીથી.

ત્યાર પછી એણે કલાકારી નામનું એક સંકુલ જોયું ત્યાં ચિત્રો થી માંડી લેખન રૂમ, સંગીત સદન, નૃત્ય શાળા, નાટ્ય મંચ… અદભુત અદભુત . એના મોં માં થી શબ્દો સરી પડ્યાં.

અહીં રાત્રિ બજાર પણ હતી, ખાવા પીવાની અઢળક વેરાયટી… કોઈ ભેદ નહિ, મોટા ભાગના રેસ્ટોરાં સ્ત્રીઓ જ ચલાવતી હતી.નમીએ એ મજા પણ માણી.એને મન થયું કે ઘરે ફોન કરી કહી દઉં કે હવે હું અહીંજ રહીશ.આમ નમી તો એક નવા જ પ્રવાહમાં તણાઈ રહી હતી.

એણે મૌસમી ને લગ્ન પ્રથા વિશે પૂછ્યું તો બહુ સુંદર અને આદર્શ જવાબ મળ્યો. અહીં લગ્ન કરી ને સ્ત્રી કોઈના ઘરે જતી નથી.યુવક યુવતી પોતાનું અલગ ઘર વસાવે છે, જરૂરતના આધારે કે આનંદથી બંનેના મા બાપ ત્યાં થોડા દિવસોરહેવા જાય છે. બાકી વડીલ સ્ત્રી પુરુષો યુવા જિંદગી માં દખલ નથી કરતા તો યુવા વર્ગ પણ એ લોકો સાથે પ્રેમ અને માન થી વહેવાર કરે છે.

એક પ્રકૃતિ પૂરમ નામનું સંકુલ હતું

જ્યાં ફૂલોની નગરી હતી, કલાત્મક ઝરણાં અને ટેકરીઓ બનાવવામાં આવી હતી.

એકાએક નમી એ પૂછ્યું કે અહીં કોઈ મંદિર જેવું કશું??? મૌસમી એ પોતાની મોટી મોટી આંખો પટપટાવી પૂછ્યું, તમને એવી કોઈ જરૂર લાગે છે? આ તો પ્રકૃતિનું….નમી એ એને અધવચ્ચે જ રોકતાં કહ્યું, ના માત્ર જાણકારી ખાતર જ પૂછ્યું. હું તો માનવ વાદી છું. મૌસમી આ જવાબ સાંભળી ખૂશ થઈ ગઈ એણે નમીને હગ કર્યું.અને બોલી કાશ! સારું વિશ્વ આ બાબતે સમજે તો કેટલાયે પ્રશ્નો હલ થઇ જાય!

બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. વિવિધ મુદ્દે દલીલો થતી પણ મૂળ વિચાર બંનેના મળતા આવતા હતાં. નમીને આ માહોલ ખૂબ જ ગમી ગયો.

પોતાના ટેન્ટ માં આવી પહેલું કામ એણે પોતાના રોકાણ ના દિવસો વધારવાની એપ્લિકેશન કરી. એણે મૌસમી ની વાત પર થી જાણ્યું હતું કે જો ઈચ્છે તો એને અહીં લાયબ્રેરી માં જોબ મળી જાય. એને દીકરી સાથે આ ખુશી પણ વહેંચવી હતી. એણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. પણ મોબાઈલમાં એલાર્મની રીંગ વાગી. ઘરમા હસવા બોલવાના કલશોર સાથે એ જાગી ગઈ.

હવે નમી આનંદ છતાં દ્વિધામાં મૂકાઇ ગઇ સામે ખિલખિલાટ હસતી દીકરી ઊભી હતી. નમી ને અહેસાસ થયો કે પોતે જે ટ્રીપ કરી એ તો એનાં સપનાની નગરી હતી જે આજે સ્વપ્નમાં અનુભવી. એક અતિ સુખદ અનુભૂતિ સાથે એ દીકરીને ભેટી પડી આજે તેનો જન્મદિવસ હતો. આમ તો દીકરી એ મોટી થઇને પોતાનામાં પણ એક નવી સ્ત્રી પ્રગટાવી હતી એટલે પોતાનો પણ. અને ખૂબ હોંશ થી ની વાતો આજે આખો દિવસ નગરી સ્ત્રીઆર્થની વાતો ચાલી…❤️

Leave a comment

Filed under Uncategorized

કાવ્યસંગ્રહ ‘તરસ ટકોટક’

આદરણીય સાહિત્યકાર કવયિત્રી દક્ષાબહેન વ્યાસના ઘરે એમનો ખૂબ સુંદર કાવ્યસંગ્રહ ‘તરસ ટકોટક’ પ્રાપ્ત થયો. આભાર દક્ષા બહેન

Leave a comment

Filed under Uncategorized

કવિ યોગેશભાઈ ઉપાધ્યાયના કાવ્યસંગ્રહના વિમોચન પ્રસંગે વ્યારામાં

Leave a comment

by | જૂન 26, 2022 · 7:14 એ એમ (am)

‘નારી તું નારાયણી એવોર્ડ’

‘નારી તું નારાયણી એવોર્ડ’
પેજ થ્રી
શ્રી નિખિલભાઈ મદ્રાસી

Leave a comment

Filed under Uncategorized

વિનર-ટેઇક-ઓલ/પરેશ વ્યાસ

વિનર-ટેઇક-ઓલ: જે જીતે એ સઘળું લઈ જાય

ધ વિનર ટેઇક્સ ઈટ ઓલ, ધ લૂઝર્સ સ્ટેન્ડિંગ સ્મોલ, – સ્વીડિશ પોપ મ્યુઝિક ગૃપ આબા (૧૯૮૦)

આમ તો આ બ્રેક-અપ સોંગ છે. સંબંધ તૂટવાની વાત છે. પ્રેમની રમત પૂરી થઈ જાય છે. હવે બાજીમાં હૂકમનો એક્કો નથી. હારે છે એ નાસીપાસ થઈ જાય છે. અને જે જીતે છે એ સઘળું લઈ જાય છે. પ્રેમસંબંધમાં આવું જ તો હોય છે. રાજકારણમાં અને વેપારધંધામાં પણ આવું જ છે. જે જીતે છે એને બધું મળે છે. હારે છે એનો ભોગ લેવાય છે. એનું જે કાંઈ પણ છે (અથવા હતું) એ બધું જીતનારને ભાગે જાય છે. ચાલો પહેલાં રાજકારણની વાત કરીએ.

યસ, ચૂંટણી પરિણામ આવી ગયા. પંજાબમાં ઝાડુ ફર્યું, બાકી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં કમળ ખીલી ગયા. પંજાનાં ફનાફાતિયા થૈ ગ્યા. આપણી ચૂંટણી પદ્ધતિ સાદી છે. ઇંગ્લિશમાં એને ‘પ્લુરાલિટી વોટિંગ’ કહે છે. અન્ય કરતા વધારે મત મેળવી જાય એ ઉમેદવાર જીતે. ચૂંટણી પદ્ધતિનો માટે એક અન્ય શબ્દ પણ છે. એ છે ‘મેજોરિટેરિયન વોટિંગ’. જો બીજા તમામ ઉમેદવારનાં તમામ મત ભેગા કરીએ અને એનાથી વધારે મત જેને મળે એ જ જીતી ગયા, એવું કહેવાય. સિમ્પલ મેજોરિટી (સાદી બહુમતી) અને એબ્સોલ્યુટ મેજોરિટી (સંપૂર્ણ બહુમતી). પણ તો પછી કોણ જીત્યું? હવે કોણ ખાધું-પીધું-ને-(તા)રાજ-કીધું કરશે?- એ નક્કી જ ન થાય. આજનો મુહાવરો વિનર-ટેઇક-ઓલ (Winner-take-all) કહે છે કે જે જીતે છે એ બધું જ લઈ જાય છે. હારે છે એની પાસે કાંઈ બચતું નથી. એનું કોઈ સાંભળતું નથી. એનું કાંઈ પણ હવે ચાલતું નથી. એવું ન થઈ શકે કે હારનાર પાસે ય કશુંક બચે? એવું ન થઈ શકે કમળ જીત્યું હોય તો ય પક્ષપલટો કર્યા વિના સાયકલનો એકાદો ધારાસભ્ય પ્રધાન બની જાય કે ઝાડૂ જીત્યું હોય તો પંજાનાં એક ધારાસભ્યને પ્રધાનપદું મળી જાય. જા, તૂ ભી ક્યા યાદ કરેગા! પણ એવું કાંઈ થાય નહીં. જીતે એને બધું જ મળે. હારનારનાં ભોગે જીતનાર જીતે છે. આજનો આ મુહાવરો સંસ્કૃતિની સ્વીકાર્ય સ્થિતિ દર્શાવે છે. હારનારો ભલે બોલ બોલ કર્યા કરે, પોતાનો ભવ્ય હતો એ ઇતિહાસનાં ગાણાં ગાતો ફરે, પૂર્વજોનાં બલિદાનની દુહાઈ દીધાં કરે પણ… એનું કાંઈ આવે નહીં.

પ્રેમનું પણ એવું જ છે. વિનર-ટેઇક-ઓલ મૂળ તો પ્રેમભગ્ન દિલનો ઉદ્ગાર છે. પ્રેમ હોય પણ પછી એ ન પણ હોય. અથવા એકને માટે ભરતી હોય અને બીજા માટે ઓટ આવી ગઈ હોય. પેલાને બીજે ગમવા માંડ્યું હોય. પેલી હજી આશામાં બેઠી હોય કે પેલો આવશે. ભ્રમર વૃત્તિ ઈનબિલ્ટ હોય તો શું થાય? પછી સંબંધનું અચ્યુતમ કેશવમ થઈ જાય. અમેરિકન લેખક ચક ક્લોસ્ટરમેન અનુસાર આપસી સહમતિથી છૂટા પડ્યા હોઈએ ત્યારે એકને લાગે છે કે આ ઠીક છે પણ બીજી વ્યક્તિ સાવ ભાંગી પડે છે. કોઈ મનદુ:ખ નથી, કોઈ મનભેદ નથી- એવો દાવો ખોટો છે. કારણ કે જીતનારો બધું જ લઈ જાય છે.

વિનર-ટેઇક-ઓલનાં સમાનાર્થી શબ્દો પણ છે. વિન ઓર લૂઝ (જીત યા હાર), ઓલ ઓર નથિંગ (બધું અથવા કશું ય નહીં), ઝીરો સમ (શૂન્ય સંચય), હાઇ સ્ટેક (ઉચ્ચ દાવ) વગેરે. કેમ્બ્રિજ ડિક્સનરીનાં મતે વિનર-ટેઇક-ઓલ એ ધંધાની વ્યૂહરચના છે જેમાં અન્ય પ્રતિસ્પર્ધીઓને એટલાં નબળાં પાડી દેવા કે પછી એ કશું કરી જ ન શકે. ઇન્વેસ્પીટોડિયા અનુસાર ધંધામાં હરીફાઈ તો હોય જ. જે શ્રેષ્ઠ પરફોર્મ કરે એ ઉચ્ચ સ્થાને પહોંચે. કોઈક એને ‘ડાર્વિન ઈકોનોમી’ પણ કહે છે. નાના અને મધ્યમ માણસો કપાઈ જાય. જે સૌથી વધારે ફિટ હોય એ ટકે. આપણે ચીનનો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો-નું ગાણું ગાતા રહી જઈએ અને આ મોટા માણસો આણી કંપની પોતાને સસ્તું પડે એટલે ચીન સાથે ધંધો કરી આવે. લો બોલો! ‘વોકલ ફોર લોકલ’ એટલે સ્થાનિક માટે બોલવું અથવા આત્મનિર્ભર બનવું, એ ખૂબ સારી વાત છે. પણ જીતી જતા મોટા માણસોને એવો કોઈ બાધ નથી. એ તો ગમે ત્યાં ધંધો કરી આવે. અને પછી તેઓ દેશનાં સૌથી અમીર આદમી બની જાય છે. તેઓની પાસે અઢકળ પૈસો આવી જાય. નાના અને મધ્યમ વર્ગનાં માણસોનાં સૂપડાં સાફ થઈ જાય છે. કારણ કે વિનર-ટેઇક-ઓલ. જો જીતા વો સિકંદર, બાકી બધા કલંદર. કલંદર એટલે ફકીર, નિસ્પૃહ માણસ. હારેલો હોય એ પછી કાંઈ નહીં થઈ જાય. એનું પછી કાંઈ ન આવે. ધમાધમ મસ્ત કલંદર!

ન્યૂયોર્ક ટાઈમ્સનાં પૂર્વ કોલમિસ્ટ આનંદ ગિરિધરદાસનું એક પુસ્તક છે: વિનર્સ ટેઇક ઓલ: ધ ઇલિટ શારેડ ઓફ ચેન્જિંગ વર્લ્ડ. બદલાતા વિશ્વનો કોયડો બની ગયેલો ભદ્ર વર્ગ- એવો અર્થ થાય. તેઓ કે જેઓ બધું જ ભેગું કરીને બેઠા છે. અને હવે તેઓ દાન પુણ્ય અને સખાવતો કરતા ફરે છે. ગરીબોનાં બેલી થઈને ફરે છે. પણ સવાલ એ છે કે ગરીબોનું ભલું કરવાનું હોય, સૌને તક આપવાની વાત હોય તો એક કામ સરકારનું છે. પણ અહીં એવું કામ પણ આ કોર્પોરેટ કરે છે. ધનવાન લોકો આવું બધું કરશે પણ પોતાને ફાયદો થાય એવી નીતિમાં જો કોઈ ફેરફાર કરવાની કોશિશ કરે તો એ નહીં થવા દેશે. ટેક્સમાં બચત થાય એવું કાયમ કરતા રહેશે. વચેટિયાઓ, લોબિંગ કરનારાઓ હોય જ છે. બહુ પહોંચેલી માયા હોય છે આ બધા. લેખક દલીલ કરે છે કે આ ધનવાન લોકોનાં હાથ મજબૂત કરવા કરતા એવી સંસ્થાઓ તૈયાર કરો, જે બધાને સાથે લઈને વિકાસ સાધે.

મધ્યમ વર્ગ જો કે તો પણ સંતોષી જીવ છે. આમ સાવ ભૂખ્યો ય નથી કે એનો જઠરાગ્નિ જાગે અને ખંડેરની ભસ્મકણી ન લાદે- એવું થાય. પણ હા, એ ચર્ચા કરી શકે. લોકશાહીમાં એ જ તો છે. કહી શકાય. બોલી શકાય. જે જીતે છે એ અલબત્ત બધું લઈ જાય પણ પછી એ આમ ગાંધીજીનો બીજો વાંદરો યઈ જાય, કાન બંધ કરી દેય, સાંભળે જ નહીં. તો તો સાલું અઘરું.. માટે હે જીતનારાઓ ધ્યાન રાખજો, નહીં તો અમે તમને ધ્યાનમાં રાખીશું..

શબ્દશેષ:

‘મધ્યમ વર્ગને મર્યાદિત પ્રવેશ મળે એવું વિનર-ટેઇક-ઓલ અર્થતંત્ર અસ્વસ્થ અને અકર્તવ્યનિષ્ઠ લોકશાહીનું દ્યોતક છે.’ –વર્લ્ડ ઈકોનોમિક ફોરમનાં સ્થાપક ચેરમેન ક્લૉસ સ્કેબ

———————————————————-

મારે વાત કરવી નથી
અમે જેમાંથી પસાર થયા છીએ તેના વિશે
જો કે તે મને દુઃખી કરે છે
હવે તે ઇતિહાસ છે
મેં મારા બધા કાર્ડ રમ્યા છે
અને તે તમે પણ કર્યું છે
વધુ કંઈ કહેવાનું નથી
રમવા માટે વધુ પાસાનો પો નથી
વિજેતા તે બધું લે છે
હારનાર નાનો છે
વિજયની બાજુમાં
તે તેણીની નિયતિ છે
હું તમારી બાહોમાં હતો
વિચારીને હું ત્યાંનો છું
મને લાગ્યું કે તે અર્થપૂર્ણ છે
મને વાડ બનાવી રહ્યા છે
મને ઘર બનાવી રહ્યા છે
વિચારીને હું ત્યાં મજબૂત બનીશ
પણ હું મૂર્ખ હતો
નિયમો દ્વારા રમવું
દેવતાઓ ડાઇસ ફેંકી શકે છે
તેમના મન બરફ જેવા ઠંડા છે
અને અહીંથી નીચે કોઈ
કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવે છે
વિજેતા તે બધું લે છે (તે બધું લે છે)
ગુમાવનારને પડવું પડશે (પડવું પડશે)
તે સરળ છે અને તે સાદા છે (તે ખૂબ સાદા છે)
મારે શા માટે ફરિયાદ કરવી જોઈએ? (ફરિયાદ શા માટે?)
પરંતુ મને કહો, શું તેણી ચુંબન કરે છે
જેમ હું તમને ચુંબન કરતો હતો?
શું એવું જ લાગે છે
જ્યારે તેણી તમારું નામ બોલાવે છે?
ક્યાંક ઊંડે અંદર
તમને ખબર હોવી જોઈએ કે હું તમને યાદ કરું છું
પણ હું શું કહું?
નિયમોનું પાલન કરવું જોઈએ
ન્યાયાધીશો નિર્ણય કરશે (નિર્ણય કરશે)
મારી પસંદ રહે છે (મને વળગી રહે છે)
શોના દર્શકો (શોના)
હંમેશા નીચા રહેવું (નીચા રહેવું)
રમત ફરી ચાલુ છે (ફરીથી ચાલુ)
પ્રેમી અથવા મિત્ર (અથવા મિત્ર)
મોટી વસ્તુ અથવા નાની (મોટી અથવા નાની)
વિજેતા તે બધું લે છે (તે બધું લે છે)
મારે વાત કરવી નથી
જો તે તમને ઉદાસી અનુભવે છે
અને હું સમજું છું
તમે મારો હાથ મિલાવવા આવ્યા છો
હું માફી માંગુ છું
જો તે તમને ખરાબ લાગે છે
મને જોઈને ખૂબ જ ટેન્શન થઈ ગયું
આત્મવિશ્વાસ નથી
પણ તમે જુઓ
વિજેતા તે બધું લે છે
વિજેતા તે બધું લે છે
તેથી વિજેતા તે બધું લે છે
અને હારનારને પડવું પડે છે
ડાઇસ ફેંકી દો, બરફની જેમ ઠંડા
અહીંથી નીચે જાઓ, કોઈ પ્રિય
બધું લે છે, પડવું પડે છે
અને તે સાદા છે, શા માટે ફરિયાદ કરવી?
સ્ત્રોત: Musixmatch
ગીતકાર: એન્ડરસન બેની ગોરાન બ્રોર / ઉલ્વેઅસ બજોર્ન કે
ધ વિનર ટેકસ ઇટ ઓલ ગીતો © યુનિવર્સલ/યુનિયન ગીતો મ્યુઝિકફોર્લાગ એબ

Leave a comment

Filed under Uncategorized

સાર્કાઝમ/ શ્રી પરેશ વ્યાસ

સાર્કાઝમ: શબ્દનો તમાચો અને રમૂજ

મૌન બોલે છે તે સમજાતું નથી વક્ર ઉક્તિઓ છે હાજર સ્ટોકમાં -યામિની વ્યાસ

સાંપ્રત સમાચાર છે કે દક્ષિણ આફ્રિકામાં કામ કરવાની જગ્યાઓમાં સાર્કાઝમ ઉપર પ્રતિબંધ આવી ગયો છે. સાર્કાઝમ એટલે મર્મવચન, મહેણું, કટાક્ષ, વક્રોકિત, વાંકો બોલ, કરડું કે કટુવચન. તો તો સરકારી ઓફિસમાં એનો વાંધો નથી. કારણ કે સરકારી ઓફિસ એ કામ કરવાની જગ્યા છે જ ક્યાં?! બસ, આ જ અર્થ આજનાં શબ્દનો. વાંકું બોલવું. કોઈ વિષે. અમે બોલ્યાં. અહીં અમે સરકારી ઓફિસ અને ‘બાબુડમ’ વિષે બોલ્યા. સાર્કાઝમ એટલે વ્યંગપૂર્ણ ટિપ્પણી જેનો અભિપ્રેત અર્થ સામાન્ય શબ્દાર્થથી વિપરીત હોય અને બીજાની નિંદા કે અપમાન માટે ઉપયોગ થાય તે. સરકારી ઓફિસમાં કામ થતું નથી-ની નિંદા કરવા અમે લખ્યું એ કટાક્ષ ઉર્ફે સાર્કાઝમ.

‘ધ સાઉથ આફ્રિકન’ અનુસાર હવે પછીથી કામની જગ્યાઓ ઉપર ‘ગોસિપ’ (Gossip) ‘સાર્કાઝમ (Sarcasm) અને આઈ-રોલિંગ (Eye-rolling) ગુનો ગણાશે અને જે એવું કરશે એની ઉપર શિસ્તભંગનાં પગલાં લેવાશે. ‘ગોસિપ’ એટલે કુથલી કરવી, નકામી વાતો કરવી. અને ‘આઈ-રોલિંગ’ એટલે આંખો ગોળ ફેરવવી એવું બતાવવા કે સામેવાળાએ જે કહ્યું એ બકવાસ છે, વાહિયાત છે, નકરી સ્ટુપિડીટી છે. હા, બોલ્યાં વિના ય અપમાન થઈ શકે. પણ આજે સાર્કાઝમની વાત.

એક એવો જ બીજો શબ્દ છે આયરની (Irony). અર્થ થાય ઊલટું બોલવું, વક્રોક્તિ કે કટાક્ષવચન. પણ એ યાદ રહે કે દક્ષિણ આફ્રિકાએ આયરની ઉપર પ્રતિબંધ મૂક્યો નથી. સાર્કાઝમ આમ તો આયરની જ છે. બે વચ્ચે ફરક બસ એટલો કે સાર્કાઝમમાં અપમાન હોય છે, સામેવાળાને નીચે દેખાડવાની વૃત્તિ હોય છે, ટીકા હોય છે, લાગણીને ઠેસ પહોંચાડવાની ઈચ્છા હોય છે. કોઈએ કશું ન કરવાનું કામ કર્યું હોય, ‘ભૂલ થઈ ગઈ’ એમ પણ કહે પણ ત્યારે તમે પ્રતિક્રિયા આપો કે ‘બહુ સરસ!’ તો પેલાને ખરાબ લાગે કે ‘તમે આમ વાંકું વાંકું કેમ બોલો છો?’ બસ આ સાર્કાઝમ છે. કોઈ પાર્ટીમાં બહુ મોડા આવે તો તમે કહો કે ‘તમે તો બહુ વહેલાં આવી ગયા, ભાઈ!’ આમાં આયરની પણ છે અને સાર્કાઝમ પણ છે પણ આયરની વિનાનું સાર્કાઝમ પણ હોઈ શકે. જેમ કે એક અસુંદર મહિલાએ એક વાર વિન્સ્ટન ચર્ચિલને કહ્યું કે ‘તમે પીને ટલ્લી થઈ ગયા છો’ તો ચર્ચિલે જવાબ આપ્યો હતો: ‘મારો નશો તો કાલે ઉતરી જશે.’ અહીં કોઈ વક્રોક્તિ નથી પણ છતાં ટીકા તો છે જ. એમ કે એ મહિલા બદસૂરત છે તે રહેશે જ, કાલે પણ. ટૂંકમાં, વક્રોક્તિ એ રમૂજનાં વેશમાં છૂપાયેલો વિરોધ છે, દ્વેષભાવ છે. કહે છે કે વક્રોક્તિ રમૂજનું સૌથી નીચ સ્તર છે પણ એ છે જબરું મઝાનું. અને બેહદ બૌદ્ધિક પણ છે. ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ટીવી સીરીયલનો ઇન્દ્રવદન વક્રોક્તિનો બેતાજ બાદશાહ છે. એ વક્રોક્તિથી રમૂજ નિષ્પન્ન કરે છે. દા. ત. માયાને કહે છે કે ‘કમ ઓન માયા! પ્લીઝ ડોન્ટ ક્રાય. તુમ તો જાનતી હો કે રોતે હુએ તો તુમ ઓર ભી અચ્છી નહીં લગતી!’

મૂળ ગ્રીક શબ્દ સાર્કાસમોસ-માં સાર્કા એટલે માંસ કે માંસનો ટૂકડો. સાર્કાસમોસ એટલે કૂતરો ચીરે એમ માંસને ચીરી નાખવું તે. સાર્કાઝમમાં શાબ્દિક હિંસા છે. સાર્કાઝમ શબ્દ ઇંગ્લિશ ભાષામાં સને ૧૬૧૦થી શામેલ છે. એક શબ્દ સટાયર (Satire) પણ છે. સટાયર એટલે અન્યનાં દુર્ગુણ, અવગુણ કે અપલક્ષણનો ઉપહાસ કરનારું લખાણ. એક જાતની વક્રોક્તિ જ થઈ. સટાયર જો કે સાર્કાઝમની સરખામણીમાં લાંબુ હોય છે અને જરૂરી નથી કે સટાયર કડવું જ હોય. સાર્કાઝમ ઉર્ફે અપમાનજનક વક્રોક્તિ ઘણી વાર વધારે અસરકારક હોય છે. ધીમે ધીમે કહીએ તો કાંઈ સુધારો ન થાય પણ વાંકું કહીએ તો એને લાગી આવે. નારાજ થાય પણ સુધારો ય થાય! ‘મેં તાળી એટલે નથી પાડી કે તમારી કવિતા અમને ગમી. મેં તાળી એટલે પાડી કે એ પૂરી થઈ!’ કવિને ખ્યાલ આવે કે એની કવિતા રોશેષિસ છે. અને પછી સુધારો થાય. આમ જુઓ તો સાર્કાઝમ મઝાની આદત છે. સામાવાળાનું જે થવાનું હોય તે થાય! કોઈને તમાચો મારવો પણ આ તો ભાઈ, શબ્દોનો તમાચો છે. એવું ય કહેવાય છે કે મૂર્ખાઓનું અપમાન કરવું હોય તો વક્રોક્તિ કહેવી. અપમાન ય થાય અને એને એમ કે મારા સમૂળગાનાં વખાણ કર્યા!

‘કાશ્મીર ફાઇલ્સ’નાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મધ્યપ્રદેશનાં એક આઈએએસ અધિકારી નિયાઝ ખાને કહ્યું કે ‘તમારી ફિલ્મની આવક કાશ્મીરી પંડિતનાં બાળકોનાં શિક્ષણમાં તમારે દાન કરી દેવી જોઈએ’. અમને લાગે છે આ સાર્કાસ્ટિક ટ્વીટ હતો. વિવેક્ભાઈએ પણ વિવેકથી કહી દીધું કે ‘હા, તમે પણ તમારા લખાયેલા પુસ્તકોની રોયલ્ટી રકમ દાન કરી દો’. સાર્કાઝમ વિ. સાર્કાઝમ!

વક્રોક્તિ જો આદત બની જાય તો સંબંધ તૂટે. એટલે એમ કરવું ટાળવું. તમે વ્યગ્ર હો અને કોઈ પૂછે કે ‘તમે કેમ છો?’ તો ‘ખૂબ સારું!’-એવું બોલવું ટાળવું. જો એ તમારો પોતીકો હોય તો સીધી વાત કરો. અરે, પોતાની સાથે વાત કરો તો પણ વક્રોક્તિ ટાળવી. મેં કાંઈ ભૂલ કરી, ‘બહુ સરસ મિસ્ટર પરેશ વ્યાસ, સારું કર્યું!’ આવી જાત વક્રોક્તિ પણ શું કામ? એની જગ્યાએ ‘ભૂલ તો બ્રહ્માની ય થાય, હવેથી હું કાળજી લઇશ’, એવું હું મારી જાતને કહું તો સારું. અને એ પણ વિચારી લેવું કે તમે અવળું બોલો, ટોણો મારો તો સામેવાળાની પ્રતિક્રિયા પણ સાર્કાસ્ટિક હોઈ શકે. પછી તો મહાભારત થઈ જાય! વાંકું બોલવું, કરડું બોલવું, એનાં કરતાં ભલું બોલવું સારું. છોરો કે’દાડાનો કરડું કરડું કરતો’તો પણ કટુવચન જો વ્યસન બની જાય તો ખોટું. વક્રોક્તિ માત્ર ઉક્તિ (બોલ, કથન,વચન) છે એવું નથી. ઇશારામાં પણ થાય. અથવા શબ્દમાં પણ લખાય. અહીં સંભાળવું. વધારે પડતી ગેરસમજ ન થાય તે જોવું. સાર્કાઝમથી સામી વ્યક્તિમાં સુધારો થાય એવી અપેક્ષા રાખો તો તમારી એમ કહી/લખી દીધા પછીની વાત અને હાવભાવ સારા હોવા જોઈએ. શબ્દોનાં ઘા થાય તો રૂઝ આવતા વાર લાગતી હોય છે, સાહેબ! અને લખો ત્યારે તેને ‘સેન્ડ’ કરતાં પહેલાં ‘રી-રીડ’ કરવું. સાર્કાઝમ આમ તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિની નિશાની છે. જે સાર્કાઝમ કહી/લખી શકે, એ વ્યક્તિ બેલાશક હોંશિયાર છે. પણ એનાથી સંબંધ તૂટે છે. એના કરતા સબ કુછ શીખા હમને, ન શીખી હોંશિયારી-નું ગીત ગાવું હિતાવહ છે.

શબ્દ શેષ:

“તમે પહેલેથી જ આટલા મૂર્ખ છો કે પછી આજે કોઈ ખાસ પ્રસંગ છે?” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized

સી.એલ. સેલિબ્રેશન/ યામિની વ્યાસ

સી.એલ. સેલિબ્રેશન

“મેં કહ્યું જ હતું, હું સાચી છું. આ બાબતમાં મારી ગણતરી ખોટી હોય જ નહીં.”

“હા, માની ગયા. સાચી વાત, કૃતિબેન. વર્ષને અંતે બચેલી સી.એલ. અને વર્ષને અંતે લાગતા સાડી/ડ્રેસ સેલની આપ બહેનોને પાક્કી જ ખબર હોય. સૉરી, મારી જ ગણવામાં ભૂલ હતી.” ક્લાર્કે સી.એલ. કાર્ડમાં સુધારીને હસતાં હસતાં હાથ જોડ્યા.

“એમ નહીં રાકેશભાઈ, પણ અમે તો એક એક રજા બચાવી બચાવીને સોનાના સિક્કાની જેમ વાપરીએ. ઘરે ભાભીને પૂછી જોજો. થેન્ક યુ” કૃતિ હરખાઈ અને બચેલી સી.એલ. ક્યારે લેવી એ વિચારવા લાગી.

“છેલ્લું જ અઠવાડિયું હતું ને નહીં લે તો લેપ્સ જાય એમ હતી. એ તો જવા ન જ દેવાયને! ભલે પેલી સ્મૃતિ વટમાં કહે, ‘નારે હું તો નોકરીને વફાદાર રહું, આજ તો રોજી છે. એકબે રજા જાય તો હાય હાય નહીં કરવાની.’ અ,રે એને શું? ચાલુ નોકરીએ તો સાહેબને મસ્કા મારી મારીને બહાર ભટકતી હોય છે. ઓફિસનું કામ તો બહાનું. શાક લાવવું ફોલવું પણ મીઠું મીઠું બોલી પેલી સ્વિપર પાસે કરાવી લેતી હોય છે. ના, બાબા ના, આપણને કોઈની પગચંપી ન ફાવે. આપણે ભલા ને આપણું કામ ભલું.”

નોકરીનો સમય પૂરો થયો પણ એ નક્કી ન કરી શકી. વિચારતી વિચારતી ઍક્ટિવા પર બેઠી ને મનમાં કૅલેન્ડર સેટ કર્યું.” સોમથી શનિ છ દિવસ ને વળી પચીસમીએ તો નાતાલ લાલ તારીખ એટલે સોમવાર તો ગયો. બચ્યા માંડ પાંચ દિવસ ને એમાંયે શનિવાર તો હાફ ડે. એમાં શું કામ આખી સી.એલ. બગાડું? હવે રહ્યા ચાર દિવસ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એય જલદી નક્કી કરવું પડશે. વળી સ્ટાફમાં બીજા કોઈ રજા પર હશે તો ઍડજસ્ટ કરવું પડશે. મારી જેમ ઘણાની બચી હશે.” એટલામાં ઍક્ટિવા વિચિત્ર અવાજ કરવા લાગ્યું. “આને પણ સર્વિસમાં આપી દઈશ એ જ દિવસે. ભલે આખો દિવસ લગાડે પણ સ્વીચ અડકતાની સાથે સ્ટાર્ટ થવું જોઈએ. અરે ઉડનખટોલા છે મારો સાથીદાર.” રજાના મૂડમાં તો એણે ઍક્ટિવા પર પણ વ્હાલ વરસાવ્યું. પ્રતિભાવમાં ઍક્ટિવાએ પણ એને ઝડપથી ઘરે પહોંચાડી. ઘરે પહોંચતાં જ એણે એની એક રજાનું એલાન કર્યું. “લે તારી તો રજા પતી ગઈ હતીને? ક્યાંથી વીયાઈ?” પતિએ પતી ગયેલી રજા પર ભાર મૂક્યો.

“અરે, મેં એને સત્તર વાર કહ્યું પણ સાંભળે જ નહીં. અમારો કલાર્ક…”

“બધા પતિ ન હોય કે પહેલી જ વખતે સાંભળે.” બિમલે ચાનો ખાલી કપ આપતા બચેલી ચા જોતા થોડી બીજી માંગી. ખુશીભર્યા મિજાજમાં કૃતિએ ચા સાથે મસલાવાળી પૂરી પણ આપી ને ડબ્બો મૂકતા બબડી, “આ નાસ્તાનું ખાનું તો ટીનુંપિંકુ બહુ અસ્તવ્યસ્ત કરી દે છે. ચાલ રજામાં ગોઠવીશ.” ટીનુંપિંકુ બહારથી રમીને આવ્યા ને મોટેથી ગર્જ્યા. “મમ્મી, અમને તો આ વખતે આખું વીક ક્રિસમસ હૉલિડે છે.”

“હાશ, એ દિવસે છોકરાઓ સાથે મસ્તી કરીશ ને ખાસ તો મોડી નવદસ વાગે ઊઠીશ. રોજ જેવી કોઈ હાયવોય નહીં!” રાત પડી પણ કૃતિને જંપ નહોતો. બિમલને વળગી લટકો કર્યો, “તું પણ તે દિવસે રજા મૂકી દેને.”

“અરે, તારા જેવું નથી. અમારે તો ડિસેમ્બરમાં પણ યર ઍન્ડિંગનું બહુ કામ હોય. તું બાળકો જોડે ઍન્જોય કર.” પણ એ મનાવીને જ રહી. બિમલે માંડ શુક્રવાર ફાળવ્યો.

બીજે દિવસે ઓફિસે કેટલીય કચકચને અંતે એને રજા લેવા શુક્રવાર મળ્યો.

હાશના નગારા વગાડતી શુક્રવારની રાહ જોવા માંડી. બસ ગુરુવારની નોકરી તો એણે દોડતાં પૂરી કરી. ત્યારથી જ જાણે શુક્રવારની સી.એલ. શરૂ થઈ ગયેલી. ઘરે પહોંચી તો હાથમાં ચાનો કપ લઈ બિમલે એનું ભાવભીનું સ્વાગત કર્યું. કૃતિ તો ફૂલી ના સમાય. જમી પરવારી ટીવી પર મોડે સુધી ફિલ્મ જોઈ. હજુય એને જાગવું હતું પણ બાળકોને ઊંઘ આવતી હતી એમને સુવડાવી વહાલ વરસાવતાં બંને સૂતાં. સવારે કોઈ ઉતાવળ નહોતી તોય એની આંખ પાંચ વાગે ખૂલી ગઈ. પછી રજાનું યાદ આવતા મલકીને પડખું ફેરવ્યું. બે કલાક તો જાગતી જ સૂતી. બિમલને ઊઠેલો જોઈ બેઠી થઈ.

“યાર, આજે નોકરીના કામે જવું પડે એવું જ છે. આપણે સન્ડે રજા ઊજવવાનો પ્લાન કરીશું. સૉરી યાર, પણ તું કાલે મોડી ઊઠજે. લંચ હું કૅન્ટીનમાં કરી લઈશ. રિલેક્સ… ઓકે?” કૃતિ કંઈ બોલી શકે એમ નહોતી પણ એટલું જરૂર બબડી, “સન્ડે તો કાયમ આવે જ છે.” એનો જીવ ન રહ્યો. બિમલ ન્હાવા ગયો ને એણે ટિફિન બનાવી દીધું ને બેલ વાગ્યો. “આજે મોટર બગડી ગઈ હોવાથી ટાંકીમાં પાણી છે એટલું જ આવશે. ઉપયોગ કરી લેજો નહીં તો નીચેથી પાણી ભરવું પડશે.” વોચમેન ગયો.

ત્યાં નીચેવાળી મારવાડી પૂજા ભજનનું આમંત્રણ આપી ગઈ. “ભાભીજી, આજ આપકી છુટ્ટી હૈના, ટીનુંને બતાયા થા. આજ હમારે ઘરપે કિર્તન રખ્ખા હૈ, જરૂર આના.”

“બેન,મારી સાથે આવશો મારા ઘર પાસેની બેંકમાં ખાતું ખોલાવવા? આજે રજા છે તો. રવિવારે તો બેંક બંધ હોય.” કામવાળીને તો કેમ ના પડાય?

ત્યાં તો લાડકી નાની બેનનો ફોન, “મોટી, આજે તને રજા છેને? બેન, તને મમ્મીએ ચઢાવેલો તે સોનાનો સેટ લૉકરમાંથી લેતી આવશે? મારા દિયરના લગ્નમાં પહેરવા વિચારું છું. વટ પડી જાયને?”

હવે ફોન કે ડોરબેલ પર ધ્યાન ન આપવાનો નિર્ણય કરે એ પહેલાં તો બિમલનો ફોન આવી ગયો. “ડિયર, કેવું ચાલે છે સી.એલ. સેલિબ્રેશન? તે કહેલુંને તે છેક આજે માણસ મળ્યો. બોલ મોકલું? બાલ્કનીની જાળી બતાવી દેજે. ઉપરથી તૂટી ગઈ છે, આમ તો કંઈ નહીં પણ છોકરાંઓ ત્યાં રમે તો બીક લાગે.”

“બેન, ત્રણ વાર ફોન કર્યો, ઍકવાગાર્ડ સર્વિસમાંથી બોલું છું, આ વર્ષની છેલ્લી સર્વિસ. ફિલ્ટર બદલવાના ડ્યૂ છે. આવી જઈએ? આગળ કોન્ટ્રાકટ રિન્યૂ કરવાનો હોય તો કહેજો.”

ચીસ પાડીને બધાને ઘસીને “ના” કહેવાનું મન થઈ ગયું. સોફા પર મોબાઈલ બંધ કરી ફંગોળ્યો ને ડોરબેલની સ્વીચ બંધ કરવા ગઈ ત્યાં જ એ રણક્યો, પિંકુએ દોડીને દરવાજો ખોલ્યો, તો નણંદબા એમના બાળકો સાથે પધાર્યા. “ભાભી, ચાલોને આપણા દરજીને ત્યાં બ્લાઉઝ સિવડાવવાના છે. હાશ! આજે તમને રજા છે તો સારું છે, ચીકુના પપ્પા ઓફિસેથી સીધા અહીં જ આવશે. બિમલભાઈ આવતાજ હશેને? ફિકર નહીં કરતા. અમે જમીને જ જઈશું. મેં પણ આજે સી.એલ. લીધી છે. આખો દિવસ પડી રહી હતી. એટલું સારું લાગ્યું. સાચું કહું, મારી તો બાર સી.એલ. પતી ગયેલી પણ અમારો ક્લાર્ક તો સાવ બાઘ્ઘા જેવો છે.”

== યામિની વ્યાસ

1 ટીકા

Filed under Uncategorized

Happy Father’s Day

  • Happy FATHER’S DAY

Leave a comment

Filed under Uncategorized

એક લીટીની કવિતા/યામિની વ્યાસ


એક લીટીની કવિતા

‘અરે બાપ રે! એને ઘરે આટલા બધા માણસો? મને ન બોલાવ્યો?’ પરમદત્તને નવાઈ લાગી. આગલી રાત્રે ઊંઘતા મોડું થયું હતું. વળી, મળસ્કે તો તાજા વઘારમાં રાઈ તતડતી હોય એવો અવાજ આવવા લાગ્યો એટલે ઊંઘ ઊડી ગઈ. તેણે ઊઠીને જોયું તો રસોડું તો ઘોર નીંદર માણી રહ્યું હતું. આમેય એકલા રહેતા વૃદ્ધનું રસોડું તો આળસુ જ બની જાય, પણ આ તતડતી રાઈ કઈ બાજુ છે? પહેલી નજર સામે રહેતાં લતીકાજીની રસોડાની બારી પર ગઈ. ઘડીભર તો ખાંડવી પર પાથરવા મૂકેલા વઘારની મનગમતી સોડમેય પ્રસરી ગઈ. પણ આંખ ચોળી જોયું તો એ બારીય અંધારમાં મસ્તીથી રાતરાણી પાછળ આરામ ફરમાવતી હતી. તો અવાજ તરફ કાન વધુ સરવા કર્યા ત્યારે દૂર દેખાયું. વહેલી સવારે દૂર દેખાતા રોડ પર યુવાનોની મેરેથોન ચાલતી હતી. વાહ! કેવા તડતડ તડતડ દોડી રહ્યા છે! પરમદત્ત ખુશ થઈ ગયા. ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો હતો એટલે આવતો હતો ફક્ત સ્પોર્ટશૂઝના પગલાંનો અવાજ. પરમદત્તને સ્કૂલ યાદ આવી ગઈ. સો મીટર દોડમાં હંમેશ પ્રથમ. પછી તો કૉલેજ, યુનિવર્સિટી, એન.સી.સી. વગેરેની દોડમાં મોખરે જ હોય. નેશનલ લેવલે ભાગ લેવા પણ કહેવામાં આવ્યું. જોકે, ભણવામાં પણ એટલા જ હોશિયાર. રિસર્ચ વર્કમાં કરિયર બનાવવી હતી એટલે સ્પોર્ટ્સમાં ન જોડાયા. બાકી દેશને મેડલ અપાવી શકવાની ક્ષમતા હતી. રોજની કસરત ને જિમને કારણે શરીર એકદમ ફિટ હતું. સરસ ઊંચાઈ, માપસર બાંધો ને સારો દેખાવ કોઈ યુવાનને પણ શરમાવે. કોઈ કહે નહીં સીત્તોતેરમું બેઠું.

એકાદ મહિના પહેલાં જ અહીં રહેવા આવવાનું થયું. મિલનસાર પરમદત્ત તો પહેલે જ દિવસે સામે રહેતાં લતીકાજીને ઘરે પહોંચી ગયા. ખરેખર તો ઘરકામ કરવા માટે કોઈ જોઈતું હતું એ બાબતે પૂછવા. “ગુડમોર્નિંગ લતીકાજી, બહાર નેઇમ પ્લેટ પર તમારું નામ વાંચ્યું. હું સામે જ રહેવા આવ્યો છું. હાલ તો એકલો જ છું. મારે કોઈ કામ કરી શકે એ માટે..”

મલકાતા લતીકાજીએ ઇશારાથી એમની હેલ્પરને ઈશારો કરી ચા આપવા કહ્યું. પણ પરમદત્ત તો ઝડપથી બોલવાના મૂડમાં હતા. એક ઘૂંટડે ચા પી ગયા અને ધડાધડ ગોળી ફૂટે એમ અટક્યા વગર એમની આખી કથા સંભળાવી.

“અમારો એકનો એક દીકરો એની સુશીલ સુંદર પત્ની અને મીઠડાં બાળકો સહિત ભર્યોભર્યો આનંદિત પરિવાર. અમારે ઘરઆંગણે હંમેશ રૂમઝૂમતી ખુશીની લહેરખી વાતી. બધાં જ એકબીજાનો આદર અને કાળજી કરતાં, પણ કુદરતને કદાચ એ મંજૂર નહોતું. અચાનક મારી પત્નીને ગળાનું કેન્સર થયું. અદ્યતન સારવાર છતાં ન બચી શકી. એના કંઠે ગવાયેલ કેટલાંય મીઠાં ગીતો આ મોબાઇલમાં સચવાયેલાં છે. કદી આપને સંભળાવીશ. હા, તમને થશે કે દીકરો ને એનો પરિવાર ક્યાં? એ જ કહેવા જઈ રહ્યો છું. દીકરો જોબ પ્રોજેકટ માટે ત્રણ વર્ષ માટે યુરોપ ગયો છે. ઑફકોર્ષ, ફેમિલી સાથે જ. મને બહુ આગ્રહ કર્યો પણ મેં ના પાડી. કંપનીનું ઘર ખાલી કર્યું. આ તો વરસો પહેલાં અહીં લઈ રાખેલું, થયું કે ચાલો અહીં રહી જોઈએ.”

“એક મિનીટ સર, હું મારે ઘરે કામ માટે આવે છે એમને પૂછી જોઉં. આપને માટે કોઈ માણસની વ્યવસ્થા કરું છું. થોડી વાતો બાકી રાખો તો પાછા અવાશે. મારી માલિશવાળી બહેન મારી રાહ જૂએ છે, સૉરી.”

લતીકાજી બોલી રહ્યાં ને તરત જ પરમદત્તની નજર એમના તરફ ગઈ. એમને ધારીને જોયા. એમને વ્હિલચેરમાં જોઈ અફસોસ અનુભવ્યો. “સો સૉરી મેડમ, મેં જોયું જ નહીં. પગની શું તકલીફ?”

“અકસ્માતને ઘણો સમય થયો. હવે તો ટેવાઈ ગઈ છું. પછી લાંબી વાતો કરીશું. ઓકે.”

“ઓહ સ્યોર, અગેઈન સૉરી તમારો ટાઈમ બગાડ્યો. મારી પત્ની હંમેશા ટોકતી, ‘આટલી બધી વાતો ન કરો, સામેવાળાના સમયસંજોગો પણ જોવાના.”

“લતીકાજીજી…” પેલા માલિશવાળા બહેનથી ન રહેવાયું. પરમદત્તે ફરી અપરાધભાવ અનુભવ્યો. સૉરી કહી રજા લીધી.

આમ અવારનવાર મુલાકાતો વધવા માંડી. પરમદત્ત જ લતીકાજીને ત્યાં આવતા. લતીકાજી ઓછું બોલતાં એમ નહીં, પરમદત્ત સામે બોલવાનો ચાન્સ ઓછો રહેતો. છતાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “છેને… મારો પણ બહોળો પરિવાર છે, ત્રણ દીકરાઓ છે. એમનો પરિવાર છે. આજ શહેરમાં રહે છે. બધાં સારું કમાય છે. સંપ છે ને પોતપોતાની રીતે મોજથી રહે છે પણ રજામાં જોજો બધાં ભેગાં. મને આગ્રહ કરે છે પણ હુંય સ્વતંત્ર- મારી રીતે રહું છું. અકસ્માતે પતિ અને પગ સાથે જ ગુમાવ્યા. બધાંએ મારી સરસ કાળજી કરીને મન અને તનને ટેકો આપ્યો. પતિ પૈસા મૂકી ગયા છે. બધાં કામ માટે માણસો આવે છે. મને પણ કારમાં તેઓ ફરવા કે દીકરાના ઘરે લઈ જાય છે.”

“કેવું સરસ! મને પણ કંપની મળી ગઈ. કાલે ઘરે તમારી દીકરી આવી હતી?”

“નારે, એ તો સારસી. નાનાની વહુ. કંઈ તુંતુંમેંમેં થઈ હશે, એટલે વાટ પકડી અહીંની. કોઈ પિયર નહીં જાય. રિસાઈને સીધા અહીં જ મારી પાસે. મનાવવાવાળા પણ અહીં જ આવે.”

પરમદત્ત અને લતીકાજીને એકબીજાની કંપની ગમતી. લતીકાજીનો પરિવાર પણ આ જાણીને ખુશ થતો. પૌત્રો તો એમને દાદીના બોયફ્રેન્ડ જ કહેતા. પરમદત્તના પરિવારનાં બાળકો પણ લતીકાજીને ઓળખતાં. વિડીઓકૉલ કરી દાદાનાં ગર્લફ્રેન્ડ લતીકાજીને ખાસ મળતાં.

એકદિવસ તો પરમદત્ત બેલ માર્યા વગર જ હાથમાં અખબાર લઈ દોડી આવ્યા. “આ કોર્નરમાં છપાયેલી કવિતા આપે લખી? નામ તમારું છે.”

“હું અને કવિતા? હા, ગમે ખરી.”

“તો આ પણ કોઈ લતીકા જ છે. નામ જ કવિતા જેવું છે.”

લતીકાજીને આ શબ્દો ગમી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં પણ પરમદત્તના ગયાં પછી એક ચબરખીમાં નોંધ્યું, ‘વરસો પહેલા તમે અમારી કૉલેજમાં યુવાવક્તા તરીકે આવ્યા હતા ત્યારે પેપર પર પ્રશ્નો મોકલવાને બદલે મેં હિંમત કરી આ મોકલી હતી. ત્યારે તમે માત્ર આજ કૉમેન્ટ કરી સ્મિત આપ્યું હતું. તમને તો યાદ પણ ન હોય. જે વર્ષો પછી આજે વેલન્ટાઈન ડે નિમિત્તે એક લીટીની કવિતા વિભાગમાં મેં મોકલી.’

લખી લીધું પણ પરમદત્તને આ હકીકત ન કહી શકાઈ. પોતે ભણતી ત્યારે જ સામેની કૉલેજમાં બે વર્ષ આગળ ભણતો ખૂબ સ્કોલર અને હેન્ડસમ પરમદત્તની એ દીવાની હતી.

એ તો પહેલી વારમાં ઓળખી ગઈ હતી પણ પરમદત્તને તો આવો કોઈ ખ્યાલ પણ નહોતો. લતીકાજી ય પછીતો લગ્ન-પરિવાર સાથેની જિંદગીમાં આ ભૂલી જ ચૂક્યાં હતાં, પણ પરમદત્તને જોતાં જ સ્મૃતિપટની સિતાર રણઝણી ઊઠી હતી. હવે પોતાની વિકલાંગતાને કારણે એ છતું કરવા નહોતાં માંગતાં.

ઘણીવાર પરમદત્ત એમને પોતાને ઘરે આવવા આગ્રહ કરતા, “લતીકાજી, હું જ તમારે ઘરે આવું છું. હવે તમે એકવાર તો આવો. તમે દીકરાના ઘર સુધી તો જાઓ છો.”

“હાજી, પણ એ તો કારમાં. વ્હિલચેર અંદર મૂકી દઈએ. હવે સામેને સામે તમારે ઘરે તો કેમ જવું? આપ ઊંચકીને લઈ જાઓ તો…” મલકાતાં લતાજીથી બોલાઈ ગયું.

“અરે, કેમ નહીં, લતીકાજી? આપ તો વેલ જેવા સાવ નાજુક છો આસાનીથી ઊંચકાઈ જાઓ.”

“વળી, પગનુંયે વજન નહીં.” લતીકાના મોં પર હાથ મૂકી પરમદત્તે અટકાવી. બંનેની આંખોમાં વાદળ ઘેરાયાં. બંને મૂંગા થઈ ગયાં. થોડી વારે સ્વસ્થ થઈ બંનેએ ટીવી પર સાથે ફિલ્મ જોઈ. ફિલ્મ તો બહાનું પણ એકબીજાની સતત નિકટતા અનુભવી. અંતે પરમદત્ત માંડ બોલી શક્યા, “હમણાં જાઉં છું. બધાંની હાજરીમાં આપને ઊંચકીને લઈ જઈશ.”

બે દિવસ પછી લતીકાજીની પચ્ચોતેરમી બર્થડે હતી. એ ઊજવવાની ધમાલ ચાલી. તૈયારીમાં પરમદત્ત પણ જોડાયા. મોડા સૂતાને સવારે જોયું તો સામે માણસો જ માણસો. બર્થડે તો સાંજે ઊજવવાની હતી! તેઓ તરત જ લતીકાજીને ઘરે પહોંચી ગયા. જોઈને ઊંડો આઘાત લાગ્યો. લતીકાજી ઊંઘમાં જ મૃત્યુ પામ્યાં હતાં. સહુ બહાવરા બની ગયા હતા. પરમદત્ત પણ મુંગા થઈ ગયા. એમને લઈ જવાની તૈયારી થઈ ત્યારે તેઓ આવ્યા અને પરિવારજનો સામે વિનંતી કરી, “મને ઊંચકીને લઈ જવા દો. બે મિનિટ મારા ઘરે.”

કોઈ કંઈ બોલ્યું નહીં, ઘરે ઊંચકીને લઈ જઈ એટલું જ બોલ્યા, “પ્રિય લતીકાજી, પહેલાં તો નહીં પણ અખબારમાં કવિતા વાંચી તમને ઓળખી ગયો હતો. આ એક લીટીની કવિતા તમારી જ છે.”

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized