Monthly Archives: એપ્રિલ 2022

હર ક્ષણ બની સુહાગી/યામિની વ્યાસ

હર ક્ષણ બની સુહાગી

“મે આઈ કમ ઇન, સર?”
લેપટોપમાં ડૂબી ગયેલા પાર્થને પૂર્વાનો મધુર સ્વર સંભળાયો. તેણે આંખોથી હા પાડી. પૂર્વા અંદર પ્રવેશી અને નમ્રતાથી કહ્યું, “સર, આ રસીદ.”
“શેની?”
“આપે અનાથાશ્રમમાં દાન કર્યું હતું તેની.”
“ઓહ!”
“આપ અનાથાશ્રમ સાથે જોડાયેલા છો?”
“ના સર, મારી દીદી ત્યાં કામ કરે છે. આ તો હું યુનિવર્સિટીમાં કામ હોવાથી જાઉં છું અને તમારી ઓફિસ રસ્તામાં આવે છે એટલે દીદીએ મને આ રસીદ આપવાં કહ્યું હતું.”
“ઓકે ફાઈન. સ્ટડી કરો છો?”
“હા, બાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું.”
“વાહ સરસ! ભણવામાં ઘણો રસ લાગે છે નહીં?”
“હા, ગ્રેજ્યુએશન કર્યા પછી બે વર્ષ છૂટી ગયાં હતાં, પણ હવે ફરીથી શરૂ કર્યું છે.”
“વેરી ગુડ! બેસો.”
“ના સર, મારે મોડું થાય છે. હું જાઉં છું.”
પૂર્વા ગઈ પણ પાર્થની આંખોમાંથી હજુ ગઈ ન હતી. તેણે પૂર્વાની છબી યાદ રહી ગઈ હતી. કેવો સૌમ્ય નમણાશભર્યો ચહેરો અને આંખોમાં ભેજ! પાર્થ પૂર્વા વિશે વિચારતો રહ્યો. પૂર્વા તેને પહેલી જ નજરમાં ગમી ગઈ હતી. ખૂબ નાની ઉંમરમાં પાર્થ સફળ બિઝનેસમેન બની ગયો હતો. પાર્થ માટે તો ઘણી છોકરીઓનાં માગા આવતાં હતાં, પરંતુ તે ‘હજુ વાર છે’ કહીને ના પાડી લેતો હતો.
એકાદ મહિનો નીકળી ગયો પરંતુ પાર્થના મનમાંથી પૂર્વાની છબી નીકળતી ન હતી. હવે પૂર્વાને ફરીથી જોવી હોય તો ક્યાં જુએ? યુનિવર્સિટી? ના, એવી રીતે નહીં. તે ફરીથી અનાથાશ્રમ ગયો અને ફરી દાન આપ્યું. અને તેણે ધાર્યું હતું તેવું જ થયું. પૂર્વા જ રસીદ આપવા તેની ઓફિસે આવી. બંનેની ફરી મુલાકાત થઈ પરંતુ તે વધુ પૂછી ન શક્યો. એવી રીતે ત્રણ-ચાર વખત થયું. પૂર્વા પણ પાર્થની સાથે વાત કરવામાં થોડી સહજ બની ગઈ. પછી તો થોડીવાર બેસીને કોફી પણ પી લેતી. થોડી વાતો થતી. પાર્થને પણ લાગ્યું કે પૂર્વાને પણ કદાચ પોતે ગમી રહ્યો છે. તેને બીજી કોઈ રીતે વાત કરવાં કરતાં તે સીધો અનાથાશ્રમ ગયો. અને તેની દીદીને મળ્યો અને કહ્યું કે, પૂર્વા તેને ગમે છે. તેની દીદી ખૂબ ખુશ થઈ અને પૂર્વાને અનાથાશ્રમમાં જ બોલાવી. દીદીએ પૂર્વાને વાત કરી પરંતુ પૂર્વાએ ‘પછી વાત’ એમ કહીને સંમતિ દર્શાવી નહીં.
પાર્થ દાન આપીને જવાબની અપેક્ષાએ ચાલ્યો ગયો હતો. ફરી એ જ રીતે રસીદ આપવા પૂર્વા જ ગઈ અને પૂર્વાએ વાત કરી કે, હા તમે પણ મને ગમો છો, પરંતુ મારે લગ્ન નથી કરવાં.
“તો આ રીતે જીવન પસાર કરશો?”
“ના, હું અનાથાશ્રમમાંથી જ એક બાળક દત્તક લેવા ઇચ્છું છું.”
“એમ? હિરોઈનની માફક? સુસ્મિતા સેને લીધી એવી રીતે??
“ના, હિરોઈન તો શું! આ તો અનાથાશ્રમના એક અનાથ બાળકને ઘર મળે એ હેતુ છે.”
“ઓહો! એટલી જ વાત છે? એ બાબતે હું સહમત થાઉં તો?”
“હા, આપ ખૂબ ઉદાર છો. ખૂબ સારા છો, પરંતુ મને એમ થાય છે કે, જ્યારે લગ્ન થાય અને પોતાનું બાળક થાય તો દત્તક બાળક તરફ ઉપેક્ષા સેવાય તો?”
“ઓહો… આટલો જ સવાલ છે? મારા પર વિશ્વાસ નથી?”
“ના સર, એવી વાત નથી…”
“મને કશો જ વાંધો નથી.”
“સારું, વિચારીને જવાબ આપીશ.”
પૂર્વાએ ઘરે જઈને વાત કરી. તેના મમ્મીપપ્પા ખુશ થયાં. દીદીને પણ બોલાવી અને કહયું. દીદીએ કહ્યું કે પાર્થ ખૂબ સારી વ્યક્તિ છે. ઘણા વખતથી અનાથાશ્રમમાં દાન આપવા આવે છે એટલે હું એમને ઓળખું છું. તેમની સમાજમાં પણ ખૂબ સારી પ્રતિષ્ઠા છે. એ બહુ પૈસાદાર છે છતાં જમીન પર છે. પૂર્વાના માબાપ પણ રાજી હતાં પણ પૂર્વા કંઈક રીતે ગૂંચવાતી હતી. માએ અને દીદીએ તેની સામે બેસાડીને સમજાવી કે, ‘જો બેટા,જીવન ક્યાંય અટકવું ન જોઈએ. સારીમાઠી ઘટનાઓ બનતી રહે છે અને બનતી રહેશે. એ ભૂલી જવાની. પાછળ મૂકીને આગળ વધવાનું હોય છે.’ પરંતુ પૂર્વાએ કહ્યું કે, ‘હું પાર્થ સાથે લગ્ન કરીશ તો હું તેને મારો સાચો ભૂતકાળ કહીશ.’ પરંતુ મા અને દીદીએ ના પાડી કે, ‘ પુરુષ આગળ બધી વાત ન કરવી.’ જે વાત આપણે પણ ભૂલી ગયાં છીએ તેને ભૂલાયેલી જ રાખવી જોઈએ. એ બધું ભૂલીને આપણી ગતિ આગળ વધારવાની. પપ્પાએ પણ સંમતિ દર્શાવી અને તેણે હા પાડી.
ધામધૂમથી પાર્થ અને પૂર્વાનાં લગ્ન થઈ ગયાં. પાર્થનાં માતાપિતા આ જ વ્યવસાયને લઈને બીજા શહેરમાં રહેતાં હતાં. તેઓ પણ આવી સુંદર અને ગુણવાન વહુ મેળવીને ખુશ થયાં. પરંતુ પૂર્વાની આંખોનો ભેજ કદી પણ સૂકાયો ન હતો. ઘણીવાર પાર્થ તેની લાલ આંખો જોતો અને પૂછતો ત્યારે પૂર્વા ડોકું હલાવીને કહેતી, “અરે, હમણાં જ સ્વિમિંગ પૂલમાંથી આવી. ક્લોરિન વધારે નંખાઈ ગયું હશે. તમે તો વહેલાં ઊઠતા નથી પણ મને તો સ્વિમિંગ કરવું ગમે છે. તેને કારણે આંખ લાલ છે. પાર્થ તેને વળગી પડતો. ‘ચાલ, કાલથી હું વહેલો ઊઠીને આવીશ.આપણે સાથે સ્વિમિંગ કરીશું.’ પાર્થ કહેતો પણ ખરો કે, તારી ‘ભેજવાળી આંખ સ્વિમિંગ કર્યા પછી વધુ ભેજવાળી થાય છે એ મને ખૂબ ગમે છે.’ પાર્થ અને પૂર્વા એકબીજાને ખૂબ ચાહતાં.પરંતુ ક્યારેક પૂર્વા અચાનક શાંત થઈ જતી ત્યારે પાર્થ અનુભવતો કે કોઈ વાત એને ખટકી રહી છે, એ પ્રેમથી પૂછતો પણ સ્મિત આપી એ ટાળી દેતી.
પાર્થે લગ્ન પહેલાં જ તેને પૂછ્યું હતું કે, તારી કોઈપણ વાત હોય તો તું મને જણાવજે. મને કંઈ જ વાંધો નથી. પાર્થે પણ પોતાનો ભૂતકાળ કહ્યો હતો કે, એક-બે યુવતીઓ મારા પ્રેમમાં પડી હતી. પછી મને ખ્યાલ આવવા લાગ્યો કે એ તો મારા પૈસા અને પ્રતિષ્ઠાથી આકર્ષાઈને આવી હતી. એથી, મેં સંબંધો કાપી નાંખ્યા. પછી તો મને લગ્ન કરવાની ઈચ્છા જ ન થઈ. તને જોઈ ત્યારથી મને થયું કે તું સાફદિલ અને સંસ્કારી છે. તું કદીય મને નહીં છોડે. પૂર્વા સહેજ ચમકી તો ગઈ પરંતુ તેને વહાલથી વળગી પડી.
લગ્નને દિવસે પણ પાર્થે ફરી પૂર્વાને પૂછ્યું, “તારી કોઈ વાત હોય તો તું મને કહી શકે છે એક મિત્ર તરીકે. મને કંઈ જ વાંધો નથી. આપણું નવું જીવન આજથી જ શરૂ થશે.” પૂર્વાને કશું કહેવું હતું પરંતુ મા અને દીદીનાં વાક્યો યાદ આવ્યાં અને તે ચૂપ રહી.
લગ્નજીવન સરસ ચાલતું હતું. બંને અનાથાશ્રમમાં શક્ય તેટલી મદદ કરતાં હતાં. હવે તો ત્યાં બાળકો પણ પાર્થને ઓળખતાં થઈ ગયાં હતાં. મોકો જોઈને પૂર્વાએ એક બાળક દત્તક લેવાની માંગણી કરી. પાર્થ તૈયાર થયો. એણે કહ્યું કે, હું બીઝનેસ ટૂર પરથી પરત આવું પછી આપણે અનાથાશ્રમ ચોક્કસ જઈશું.
તે ટૂર પરથી પરત આવ્યો ત્યારે તો તેને નવી જ સરપ્રાઈઝ મળી. પૂર્વાએ કહ્યું કે, તે પ્રેગનેન્ટ છે. પાર્થની ખુશીનો પાર ન રહ્યો પણ પૂર્વાની આંખનો ભેજ વધી ગયો. પાર્થે એને પૂછ્યું, “આટલી ખુશીમાં તારી આંખમાં કેમ આંસુ આવે છે?” એ અટકી અને કહ્યું, “ખુશીના માર્યા.” પાર્થે હસીને વહાલ કર્યું. પાર્થને અંદરઅંદર થયાં કરતુ કે કશીક એવી બાબત છે જે પૂર્વાને મન ખોલીને જીવવા દેતી નથી. પણ એ શું હશે? એ એની મૂંઝવણ દૂર કરવા તૈયાર હતો.
થોડા દિવસ પછી ફરી પૂર્વાએ દત્તક લેવાની વાત યાદ અપાવી, ત્યારે પાર્થે કહ્યું, “બસ આ બાળક આવી જાય પછી લઈશું. અત્યારે તારી આવી હાલતમાં કેવી રીતે સાચવી શકે? જે દિવસે આપણું બાળક જન્મે તે દિવસે આપણે બાળક દત્તક લઈશું. ઘરમાં એક સાથે બે બાળકોનો જન્મ થયો છે એમ સમજી લેવાનું. પૂર્વાનાં મમ્મીપપ્પા અને દીદીએ પણ એ જ જણાવ્યું કે, પાર્થની વાત બરાબર છે. પૂર્વા લગભગ રોજ અનાથાશ્રમ જતી અને બાળકોની કાળજી લેતી. દીદી તેને રોજ મળતી. કોઈ બહારથી બાળકોને દત્તક લેવાં આવતું તેમને પણ તે સમજાવતી કે થોડો વખત થોભી જાઓ.
પાર્થ ખૂબ ખુશ રહેતો અને પૂર્વાની ખૂબ કાળજી રાખતો. નવ માસને અંતે જાણે પાર્થના શબ્દો સાચા પડ્યા હોય તેમ જોડિયાં બાળકોનો જન્મ થયો. પાર્થે હસતા હસતા કહ્યું, “મેં નહોતું કહ્યું? બે બાળકો સાથે લાવીશું!” પરંતુ તરત જ કાન પકડીને કહ્યું કે, આજે જ હું અનાથાશ્રમ જઈને એક બાળકને દત્તક લઈ આવીશ.
પૂર્વા ચીસ પાડી ઊઠી, “ના, ના, મારા વગર તમારે એકલા નથી જવાનું. હું ઘરે આવું અને પછી આપણે સાથે જઈશું.”
પૂર્વા ઘરે આવી. હરતીફરતી થઈ પછી તેઓ બાળક દત્તક લેવા માટે ગયાં. ત્યાં પાર્થ પણ નિયમિત જતો હતો તેથી લગભગ બધાં બાળકો તેને પણ ઓળખતાં હતાં. સૌથી પહેલાં જ્યાં બાળક પસંદ કરવાનું હતું. ત્યાં ગયા પછી તેમાંથી એક નાની દીકરીએ પાર્થ તરફ હાથ લંબાવ્યો. પૂર્વાએ કહ્યું, “ના, એ નહીં, મને આ દીકરો ગમે છે. પાર્થે કહ્યું, “આપણને ટ્વિન્સમાં એક દીકરો અને દીકરી છે, તો દીકરો લઈએ કે દીકરી -શું ફરક પડે છે? પરંતુ પૂર્વાએ કહ્યું મને આ છોકરો બહુ ગમે છે. પાર્થ સહમત થયો અને બધી જ વિધી પૂર્ણ કરીને તેઓ ઘરે આવ્યાં. ઘરે બે સાથે સહેજ મોટું ત્રીજુ બાળક આવવાથી ઘર આનંદ કિલ્લોલથી ભરાઈ ગયું હતું.
પાર્થ કંઈક ગૂંચવણમાં હતો. પણ તેઓએ ઘરમાં મોટી પાર્ટી રાખી. ત્રણ દીકરા-દીકરીનો ઉત્સવ મનાવ્યો. સમાજ માટે એક ઉદાહરણ રૂપ બન્યાં કે, આ રીતે દરેક ઘર જો એક બાળક દત્તક લે તો એક અનાથને ઘર મળી જાય.
પૂર્વા ત્રણેય બાળકોને ઉછેરવામાં ખૂબ વ્યસ્ત હતી. પાર્થને ક્યારેક ફરિયાદ પણ રહેતી હતી કે, હવે મારું ધ્યાન ઓછું રખાય છે. ત્યારે નમણી પૂર્વા આંખમાં વધુ ભેજ સાથે કહેતી કે, “ના, હવે તો તમારું પણ ખૂબ ધ્યાન રાખીશ. ખૂબ ખુશ છું.” પૂર્વામાં થયેલો બદલાવ પાર્થની નજરમાં છાનો ન રહ્યો.
એક દિવસ પાર્થ ઘરે આવ્યો ત્યારે થોડો ગુસ્સામાં હતો. પૂર્વાએ તેનું આવું રૂપ ક્યારેય જોયું ન હતું. પાર્થે કહ્યું, “આટલું બધું કહેવા છતાં પણ તે મને ન કહ્યું. શું તને મારા પર વિશ્વાસ ન હતો? અત્યારે હું તારા ઘરેથી આવું છું. મેં તારી દીદીને પણ ત્યાં બોલાવી હતી અને મમ્મીપપ્પા પાસે ખુલાસો માંગ્યો હતો. તને છોડી દેવાની ધમકી આપી અને ડી.એન.એ તપાસ કરાવવા પણ માંગણી કરીશ એવું કહ્યું ત્યારે તેઓએ હાથ જોડીને કહ્યું કે, “હા, પૂર્વા અગાઉ છેતરાઈ ચૂકી હતી અને એક ભૂલને કારણે એક બાળક થયું હતું. આ એ જ બાળક છે.”
પૂર્વાની આંખોમાંથી કદી ન વરસેલો ભેજ વરસી પડયો અને પાર્થ કંઈપણ બોલ્યા વગર તેને વળગી પડ્યો. તેણે કહ્યું, “મને મનમાં હતું તો ખરું જ કે કંઈ તકલીફ છે. તું મનમાં મુંઝાય છે પણ તું મને કહેતી નથી. મને દુઃખ તો એ વાતનું છે કે, તું મને ઓળખી ન શકી. કયા પુરૂષનો તને ખરાબ અનુભવ થયો છે કે તારી શું મજબૂરી હશે એ મારે જાણવું પણ નથી. મને મમ્મીપપ્પાએ કહ્યું કે, અમે લોકોએ જ ભૂતકાળ ભૂલી જવા અને કશું ન કહેવા માટે કહ્યું હતું. એમાં તારો કોઈ વાંક નથી. તું તો મને બધું કહેવા તૈયાર હતી.”
પૂર્વા માંડમાંડ બોલી શકી, “હા, મારી ભૂલ છે. હવે તમારે જે કરવું હોય તે કરો. મને સાથે રાખો કે છોડી દો પરંતુ આ ત્રણેય બાળકોથી મને અળગી ન કરશો.”
પાર્થે કહ્યું, “ આ તો મારી ધારણા હતી અને ધારણા સાચી પડી. હવે તું કદાચ મારી સાથે ખૂલીને જીવી શકશે. જો બહાર વરસાદ પડે છે.”
બંનેની આંખમાં આંસુ હતાં. વરસાદની ઝરમરમાં બંને ઊભાં રહી ગયાં. વરસાદ આભમાંથી અને આંખમાંથી વરસી રહ્યો હતો. તેમાં સંભળાતાં હતાં ઝરમરનાં ઝીણાં ઝાંઝર. જે બનાવતી હતી હર ક્ષણ સુહાગી!

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

બ્રાઉનનોઝિંગ:પરેશ વ્યાસ

બ્રાઉનનોઝિંગ: ખુશામતનો રંગ બદામી

इस लज्जित और पराजित युग में, कहीं से ले आओ वह दिमाग़, जो खुशामद आदतन नहीं करता -रघुवीर सहाय

શશી થરૂર ટ્વીટયા. સંસદમાં મિનિસ્ટર્સ આવું કરે છે, વારંવાર કરે છે. એમ કે તેઓનું કોઈ પણ ભાષણ મોદીસાહેબનાં ગુણગાન વિના પૂર્ણ થતું નથી. મિનિસ્ટર્સ સંસદમાં બ્રાઉનનોઝિંગ (Brownnosing) કરે છે. આ બ્રાઉનનોઝિંગ નોર્થ કોરિયાની ભારતીય આવૃતિ છે વગેરે. તેઓ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ તો કરે જ. તેઓ સત્તામાં હોત તો તેઓ પણ રાહુલજીનાં ગુણગાન ગાતા હોત? ગાવા જ પડે. નહીં તો ફેંકાઇ જવાય.

અમે માનીએ છીએ કે આપણાં પ્રધાનમંત્રીમાં અનેક ગુણ છે. અમે માનીએ છીએ કે તેઓ દેશ માટે પૂર્ણકાળ સમર્પિત છે. અમે માનીએ છીએ કે સત્તા માટે કોઈ અંગત લાભ તેઓએ મેળવ્યો નથી. અમે માનીએ છીએ કે તેઓ હીરો છે. સંસદમાં આવે છે ત્યારે કે પછી લોકો વચ્ચે જાય છે ત્યારે, મોદી.. મોદી-નાં નારા લાગે છે. અમને પણ થાય છે કે આવો નેતા અજોડ છે. પણ મોદીસાહેબ માટે અમારા વખાણ અને મોદી સાહેબ માટે સાંસદોનાં વખાણ વચ્ચે ફેર છે. અમારે કોઈ અંગત લાભની ખેવના નથી. અમે વખાણ કરીએ છીએ એ બ્રાઉનનોઝિંગ નથી. પણ સાંસદો કરે છે એ બ્રાઉનનોઝિંગ છે. તેઓ પોતાનાં અંગત લાભ માટે આવું કહે છે-એવું શશી થરૂર કહે છે. શશી થરૂરની ટીકા અલબત્ત મોદી સાહેબ માટે નથી. એમની ટીકા એમનાં મિનિસ્ટર્સ માટે છે. કોઈ પણ મિનિસ્ટર જ્યારે કોઈ પણ વિષયનો ઉત્તર આપે છે કે રજૂઆત કરે છે ત્યારે ગમે તે રીતે મોદી સાહેબને વચ્ચે લઈ આવે છે અને તેઓનાં ભરપૂર વખાણ કરે છે. શશીભાઈને આ વધારે પડતું લાગે છે. ગુજરાતી લેક્સિકોનમાં બ્રાઉનનોઝ શબ્દ અમે ગોત્યો ગોત્યો ને તો ય ના જડ્યો.. પણ દુનિયાની ૨૧ ઇંગ્લિશ ડિક્સનરીઝ બ્રાઉનનોઝ શબ્દનો અર્થ કહે છે. આ શબ્દ બ્રાઉન-નોઝ પણ લખાય છે. બંને જોડણી સાચી છે. આજે આપણી ગરવી ગુજરાતી ભાષામાં આ શબ્દની વાત કરવી છે.

‘બ્રાઉન’ એટલે બદામી કે તપખીરિયા રંગનું અને ‘નોઝ’ એટલે નાક. આ શાબ્દિક અર્થ છે. એક મુહાવરા તરીકે એનો અર્થ થાય છે: કશુંક મેળવવા માટે, લાભ ખાટવા માટે કરવામાં આવતી ખુશામતખોરી. તમે એને ભક્તિ પણ કહી શકો. ઓ નેતા ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, પણ શા માટે? થાય અમારા કામ! એટલે એમ કે આળપંપાળ, વારંવાર, લગાતાર….. ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ છે ઑબ્સિક્વિઅસનેસ (Obsequiousness). એનો અર્થ થાય ચાટુકારિતા, અતિદીનતા, અધમ તાબેદારી, ગુલામવેડા. કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ! અહીં લોકો પોતાનું સ્વમાન ખોઈ બેસે છે. તારીફ પે તારીફ, તારીફ પે તારીફ.. તારીફનો રંગ તપખીરિયો! માત્ર લાભ માટે જ નહીં પણ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે, પોતે જે કરે છે એનાં વખાણ થાય એ માટે પણ સાહેબની પગચંપી થાય એ બ્રાઉનનોઝિંગ છે.

અમે અલબત્ત શબ્દનાં મૂળ સુધી જઈએ છીએ. આ શબ્દનું મૂળ જો કે અશ્લીલ છે, અભદ્ર છે. વીસમી સદીની શરૂઆતમાં એવું કહેવાતું કે જેની પાસેથી લાભ લેવાનો હોય એની ખુશામત કરવી જોઈએ. એટલે એનું પોતાનું નાક એ શક્તિશાળી નેતાનાં મળદ્વાર પર રગડવું. આ ફિગર ઓફ સ્પીચ છે. ગુજરાતીમાં કહીએ તો શબ્દાલંકાર અથવા ચિત્ર કે આકૃતિ દ્વારા નિરૂપણ કરવું. હવે એવી ચોક્કસ જગ્યાએ નાક રગડો તો નાકનો રંગ પણ પછી બદલાઈને બ્રાઉન થઈ જાય. વાસ પણ આવે અને સ્વાભાવિક રીતે એ સુવાસ તો ન જ હોય. ખુશામત કરવી એટલે આવું કર્યું હોય એવી કલ્પના. આવું આંગિકમ કરવું પડે એવો અર્થ અહીં નથી આ શબ્દ અમેરિકન આર્મી દ્વારા ૧૯૩૦નાં દસકામાં બોલચાલમાં આવ્યો હોય એવું અનુમાન છે. નાક સ્વાભિમાનનું રૂપ છે. નાકને એવી જગ્યાએ લઈને રગડવું સ્વાભાવિક રીતે સ્વાભિમાન ત્યજી દેવા જેવું ગણાય. આમ નાક બ્રાઉન થાય અને આખી પ્રક્રિયા બ્રાઉનનોઝિંગ કહેવાય. આ શબ્દનું મૂળ ભલે અશ્લીલ છે પણ આવો શબ્દપ્રયોગ કરવો અશ્લીલ નથી. એટલે એમ કે શશી થરૂર તેઓનાં સાથી સાંસદો માટે આવો શબ્દ પ્રયોજે એનો અર્થ અભદ્ર નથી. બ્રાઉનનોઝિંગ એ ટીકા છે, ગાળ નથી. સાદી સીધી ભાષામાં આનો અર્થ ‘ચમચાગીરી’થી વધારે નથી. ઘણી વાર અશ્લીલ મૂળ છે એટલે પ્રસ્તુત શબ્દને વધારે રોચક અને અસરકારક બની જાય છે.

બ્રાઉનનોઝ આમ તો ઓફિસનો શબ્દ છે. પ્રમોશન મેળવવા બોસની ગુદા-ચાટૂતા પ્રવૃત્તિ એટલે બ્રાઉનનોઝિંગ. એવા ય કર્મચારી હોય છે જે સાહેબની સેવા કરવામાં તદ્રુપ થઈ જાય છે. વાતે વાતે વખાણ બ્રાઉનનોઝિંગનાં લક્ષણો છે. બીજા કર્મચારી કેવા બેકાર છે પણ હું અને માત્ર હું જ છું જે એકમેવ આપને વફાદાર છું. હું તો સાહેબનો જોડો પૉલિશ કરી આપું. સાહેબનાં છોકરા રમાડું, સાહેબની બાયડીને શોપિંગ કરાવું, સાહેબનાં કૂતરાંને ફરવા લઈ જાઉં. કોર્પોરેટ સીડીમાં ઉપર ચઢવા માટે નાકનો રંગ બદામી હોવો જરૂરી છે. જો કે હું સક્ષમ હોઉં, અસરકારક અને ઉદ્યમશીલ હોઉં, અને નૈતિકતા મારો સ્વભાવ હોય તો મારે બ્રાઉનનોઝર બનવાની જરૂર નથી. પણ.. પણ અહીં મુશ્કેલી એ છે કે મારા સહકર્મી બ્રાઉનનોઝર અમારા સાહેબની કોઈ એક ચોક્કસ જગ્યાએ ચાટૂતા કરીને આગળ વધી જાય છે અને હું રહી જાઉં છું. સ્વાભાવિક છે કે હું પછી દિલ લગાવીને કામ ન જ કરું. સમગ્ર રીતે જોઈએ તો બ્રાઉનનોઝિંગ સંસ્થાની પ્રોડક્ટિવિટી ઘટાડે છે. રાજકારણની વાત જો કે અલગ છે અહીં આખો મામલો જ બ્રાઉનનોઝિંગ પર ચાલે છે. જો રાજકીય કાર્યકર પોતાનું નાક ઊંચું રાખવા જાય તો રવડી જાય. તેઓએ તો નમો નમો કે નમો રાગા કે નમો અકે કરતાં જ રહેવું પડે. ખુશામતનો રંગ બદામી છે. ઇતિ સિધ્ધમ્.

શબ્દ શેષ:

‘મને ખબર નથી કે કોણ પહેલો આવે, બ્રાઉનનોઝ વર્કર કે એરોગન્ટ બોસ? સીધી વાત છે કે હું બેઉને ધિક્કારું છું અને એનો હિસ્સો બનવા માંગતો નથી.’ – રોડોલ્ફો પેયોન

Leave a comment

Filed under Uncategorized

એક્વામેશન

Inline image

ઇકો ફ્રેન્ડલી અગ્નિસંસ્કારઃ 

એક્વામેશન અથવા આલ્કલાઇન હાઇડ્રોલિસિસ એ અગ્નિનો ઉપયોગ કરીને મૃત શરીરને બાળવાની પરંપરાગત પદ્ધતિથી તદ્દન અલગ છે. આ પ્રક્રિયામાં મૃતકના શરીરને પાણી અને આલ્કલાઇન તત્વ (પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ)ના દ્રાવણમાં ઉચ્ચ દબાણવાળા ધાતુના સિલિન્ડરમાં મૂકવામાં આવે છે અને સિલિન્ડરને લગભગ ત્રણથી ચાર કલાક માટે 150 °C તાપમાને ગરમ કરવામાં આવે છે  

મૃતદેહને ગરમ પાણી અને આલ્કલાઇન કેમિકલ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ (જેને લાઇ અથવા કોસ્ટિક સોડા તરીકે ઓળખવામાં આવે છે) અથવા તે બંનેના મિશ્રણના દ્રાવણ સાથે મોટી ચેમ્બરમાં મૂકવામાં આવે છે.

તાપમાન ૧૬૦ ડિગ્રી સુધી પહોંચે છે. પરંતુ ચેમ્બરનું દબાણ પાણીને ઉકળતા અટકાવે છે. પાણી, ગરમી અને રાસાયણિક સંયોજનોના આ મિશ્રણથી શરીરના પેશીઓ અને ચરબી ત્રણથી ચાર કલાકમાં ઓગળી જાય છે.

માત્ર હાડકાં જ બાકી રહે છે, જેનો પાઉડર કરીને કળશમાં પરિવારજનોને પરત કરી શકાય છે. તે અગાઉ તબીબી સંશોધન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓના શરીર અને માનવ શરીરની પ્રક્રિયા માટે તેનો ઉપયોગ થતો હતો.

 NAFDએ જણાવ્યું યુકેમાં આ પ્રક્રિયા અપનાવવાનો આધાર પ્રક્રિયાના અંતે જે કંઈપણ પાણીમાં પ્રવેશે છે તે “યોગ્ય” છે કે નહીં તે સુનિશ્ચિત કરવા પર રહે છે.

NAFD જણાવ્યું હતું કે જ્યારે કાયદામાં સુધારો કરવામાં આવે ત્યારે તે તાજેતરના વર્ષોમાં અંતિમ સંસ્કારના સંદર્ભમાં થયેલા મોટા ફેરફારોને માન્યતા આપે અને નિકાલના વધારાના પ્રકારોને અમલી બનાવવા માટે વાજબી જોગવાઈ કરે તે મહત્વનું છે.                                                                            પર્યાવરણ માટે આ પ્રક્રિયાને વધુ સારી માનવામાં આવે છે કારણ કે જ્યોતના અગ્નિસંસ્કાર કરતાં આ પ્રક્રિયામાં ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. તેમાં પરંપરાગત અગ્નિસંસ્કાર કરતાં ૯૦ ટકા જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ થતો હોવાનું જણાયું છે. આ પ્રક્રિયામાં શબપેટીને બાળવાની જરૂર હોતી નથી અને અસ્થિના ૩૦ ટકાથી વધુ સુધીના અવશેષો પરિવારને પરત કરવામાં આવે છે.

Leave a comment

Filed under Uncategorized

સાચા ગાર્ડનર


એક સુંદર વાર્તા જે તમારું હૃદય પીગળી જશે 💖
જ્યારે મેં આ વાંચ્યું ત્યારે આંસુ વહેતા હતા?
તે ઈન્ટરનેશનલ સ્કૂલના પોશ ગાર્ડનમાં છોડને પાણી પીવડાવી રહ્યો હતો, ગરમી અને ધૂળની તેને અસર થતી ન હતી.”ગંગા દાસ, પ્રિન્સિપાલ મેડમ તમને મળવા માંગે છે — અત્યારે”…
પટાવાળાના છેલ્લા બે શબ્દોમાં ઘણો ભાર હતો, તેને તાકીદની જેમ સંભળાવવાનો પ્રયાસ કર્યો.
તે ઝડપથી ઊભો થયો, હાથ ધોયો અને લૂછ્યો અને પ્રિન્સિપાલની ચેમ્બર તરફ ગયો.
ગાર્ડનથી ઑફિસ સુધીની વૉક ક્યારેય સમાપ્ત થતી નથી, તેનું હૃદય તેની છાતીમાંથી લગભગ કૂદી રહ્યું હતું.
તે બધા ક્રમચય અને સંયોજનનો પ્રયાસ કરી રહ્યો હતો, તે શોધી રહ્યો હતો કે શું ખોટું થયું છે કે તેણી તેને તાત્કાલિક જોવા માંગે છે.તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર હતા અને તેમની ફરજોથી કદી ડર્યા ન હતા…
ઠક ઠક…
“મેડમ, તમે મને બોલાવ્યો?”
“અંદર આવો…” એક અધિકૃત અવાજે તેને વધુ ગભરાવ્યો…
મીઠું અને મરીના વાળ, ફ્રેન્ચ ગાંઠમાં સરસ રીતે બાંધેલા, એક ડિઝાઇનર સાડી-સોબર અને ખૂબ જ ક્લાસિક, તેના નાકના પુલ પર ચશ્મા…
તેણે ટેબલ પર રાખેલા કાગળ તરફ ઈશારો કર્યો…
“આ વાંચો”…
“બી..પણ મેડમ હું એક અભણ વ્યક્તિ છું.
હું અંગ્રેજી વાંચી શકતો નથી.
મેડમ પ્લીઝ મને માફ કરજો મેં કંઈ ખોટું કર્યું હોય… મને બીજી તક આપો…
મારી દીકરીને વિનામૂલ્યે આ શાળામાં ભણવા દેવા બદલ હું તમારો હંમેશ માટે ઋણી છું… મારા બાળક માટે આવું જીવન મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું..”
અને તે લગભગ ધ્રૂજતો તૂટી પડ્યો:
“થોભો, તમે ઘણું ધાર્યું છે… અમે તમારી પુત્રીને મંજૂરી આપી કારણ કે તે ખૂબ તેજસ્વી છે અને તમે અમારા નિષ્ઠાવાન કાર્યકર છો.. મને એક શિક્ષકને બોલાવવા દો, તે તેને વાંચશે અને તમને તેનો અનુવાદ કરશે… આ… તમારી પુત્રી દ્વારા લખાયેલ છે અને હું ઈચ્છું છું કે તમે આ વાંચો.”
થોડી જ વારમાં શિક્ષિકાને બોલાવવામાં આવી અને તેણીએ તે વાંચવાનું શરૂ કર્યું, દરેક લાઇનનો હિન્દીમાં અનુવાદ કર્યો…તે વાંચે છે –
“આજે અમને મધર્સ ડે વિશે લખવાનું કહેવામાં આવે છે.
હું બિહારના એક ગામનો છું, એક નાનકડું ગામ જ્યાં તબીબી અને શિક્ષણ હજુ પણ દૂરના સ્વપ્ન જેવું લાગે છે. ઘણી સ્ત્રીઓ જન્મ આપતી વખતે સમયાંતરે મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાંથી એક હતી, તે પણ મને તેના હાથમાં પકડી શકતી ન હતી. મારા પિતા મને પકડી રાખનાર પ્રથમ વ્યક્તિ હતા.. અથવા કદાચ એકમાત્ર વ્યક્તિ.
દરેક જણ ઉદાસ હતા.. કારણ કે હું એક છોકરી હતી અને મેં મારી પોતાની માતાને “ખાઈ ગઈ” હતી.
મારા પિતાને તરત જ ફરીથી લગ્ન કરવાનું કહેવામાં આવ્યું પરંતુ તેમણે ના પાડી.
મારા દાદા-દાદીએ તમામ તાર્કિક, અતાર્કિક અને ભાવનાત્મક કારણો આપીને તેને મજબૂર કર્યા પરંતુ તે હટ્યો નહીં.મારા દાદા માતા-પિતાને પૌત્ર જોઈતો હતો, તેઓએ તેને ધમકી આપી હતી કે તે ફરીથી લગ્ન કરી લે, નહીં તો તેને નામંજૂર કરવામાં આવશે…
તેણે બે વાર વિચાર્યું નહીં… તેણે બધું જ છોડી દીધું, તેની એકર જમીન.. સારું રહેઠાણ, આરામદાયક ઘર, ઢોરઢાંખર અને ગામડામાં સારી જીવનશૈલી માટે ગણનાપાત્ર દરેક વસ્તુ.
તે આ વિશાળ શહેરમાં બિલકુલ કંઈપણ સાથે આવ્યો હતો – પરંતુ હું તેના હાથમાં હતો. જીવન અઘરું હતું, તેણે રાત-દિવસ સખત મહેનત કરી.. પ્રેમ અને ખૂબ કાળજીથી મને ઉછેર્યો.
હવે મને સમજાયું કે થાળીમાં માત્ર એક જ ટુકડો બચ્યો હતો ત્યારે તેને મને ખાવાનું ગમતું હોય તેવી વસ્તુઓ પ્રત્યે અચાનક અણગમો કેમ પેદા થયો…. તે કહેતો કે તેને ખાવાનું નફરત છે અને તેને ગમતું નથી તેમ માનીને હું તેને સમાપ્ત કરી દઈશ. તે…. પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ મને સમજાયું કે કારણ અને બલિદાન શું છે.તેણે મને તેની ક્ષમતા કરતાં શ્રેષ્ઠ શક્ય આરામ આપ્યો.
 આ શાળાએ તેને આશ્રય, સન્માન અને સૌથી મોટી ભેટ આપી – તેની પુત્રીને પ્રવેશ…
જો પ્રેમ અને કાળજી માતાને વ્યાખ્યાયિત કરે છે… તો મારા પિતા તેમાં બંધબેસે છે.
જો કરુણા માતાને વ્યાખ્યાયિત કરે છે, તો મારા પિતા પણ તે શ્રેણીમાં યોગ્ય રીતે ફિટ છે…
જો બલિદાન માતાને વ્યાખ્યાયિત કરે છે, તો મારા પિતા તે શ્રેણી પર પ્રભુત્વ ધરાવે છે.
તેથી નટ શેલમાં.. જો માતા પ્રેમ, સંભાળ બલિદાન અને કરુણાથી બનેલી હોય તો…
 ત્યારે મારા પિતા પૃથ્વી પર શ્રેષ્ઠ માતા છે.
મધર્સ ડે પર, હું મારા પિતાને પૃથ્વી પરના શ્રેષ્ઠ માતાપિતા બનવા માટે શુભેચ્છા પાઠવું છું… હું તેમને વંદન કરું છું અને ગર્વ સાથે કહું છું કે આ શાળામાં કામ કરતા મહેનતુ માળી મારા પિતા છે.
હું જાણું છું કે મારા શિક્ષકે આ વાંચ્યા પછી હું આ કસોટીમાં નાપાસ થઈ શકીશ — પરંતુ મારા પિતાના નિઃસ્વાર્થ પ્રેમ માટે આ એક ખૂબ જ નાની કિંમત હશે.
ઓરડામાં એક બહેરાશભરી મૌન હતી… કોઈ માત્ર ગંગાદાસના હળવા રડવાનો અવાજ સાંભળી શક્યો.
કઠોર તડકો તેના કપડાને પરસેવાથી ભીંજાવી શક્યો ન હતો પણ તેની પુત્રીના મૃદુ શબ્દોએ તેની છાતી આંસુઓથી ભીંજવી દીધી હતી…. તે ત્યાં હાથ જોડીને ઉભો હતો..
તેણે શિક્ષકના હાથમાંથી કાગળ લીધો… તેને તેના હૃદયની નજીક પકડીને રડ્યો.
પ્રિન્સિપાલ ઉભા થયા.. તેમને ખુરશી, પાણીનો ગ્લાસ ઓફર કર્યો અને કંઈક કહ્યું… પરંતુ, આશ્ચર્યજનક રીતે તેના અવાજની ચપળતા આશ્ચર્યજનક હૂંફ અને મધુરતા દ્વારા લેવામાં આવી હતી.
“ગંગા દાસ.. તમારી પુત્રીને આ નિબંધ માટે 10/10 માર્કસ આપવામાં આવ્યા છે… આ શાળાના ઇતિહાસમાં મધર્સ ડે વિશે લખાયેલો આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ નિબંધ છે. અમે આવતીકાલે મધર્સ ડે ગાલા ઇવેન્ટ રાખી રહ્યા છીએ અને સમગ્ર શાળા મેનેજમેન્ટ આ કાર્યક્રમ માટે મુખ્ય અતિથિ તરીકે તમને આમંત્રિત કરવાનું નક્કી કર્યું છે…
આ તે બધા પ્રેમ અને બલિદાનને માન આપવા માટે છે જે એક માણસ તેના બાળકોને ઉછેરવા માટે કરી શકે છે… એ બતાવવા માટે કે તમારે સંપૂર્ણ માતાપિતા બનવા માટે સ્ત્રી બનવાની જરૂર નથી…
અને સૌથી અગત્યની બાબત એ છે કે તમારી દીકરીની તમારામાં રહેલી મજબૂત માન્યતાને મજબૂત/પ્રશંસા/સ્વીકૃતિ આપવી, તેણીને ગર્વની અનુભૂતિ કરાવવી.. સમગ્ર શાળાને ગર્વની અનુભૂતિ કરાવવા માટે કે તમારી પુત્રીએ કહ્યું તેમ પૃથ્વી પર અમારી પાસે શ્રેષ્ઠ માતાપિતા છે.”
“તમે એક સાચા ગાર્ડનર છો, જે ફક્ત બગીચાઓની જ દેખભાળ જ નથી કરતા, પરંતુ તમારા જીવનના સૌથી કિંમતી ફૂલને પણ આટલી સુંદર રીતે ઉછેરતા હોય છે….”

1 ટીકા

Filed under Uncategorized

વિદાય વેળાએ

માણો

Leave a comment

Filed under Uncategorized

સી.એલ. સેલિબ્રેશન/ યામિની વ્યાસ

સી.એલ. સેલિબ્રેશન

“મેં કહ્યું જ હતું, હું સાચી છું. આ બાબતમાં મારી ગણતરી ખોટી હોય જ નહીં.”

“હા, માની ગયા. સાચી વાત, કૃતિબેન. વર્ષને અંતે બચેલી સી.એલ. અને વર્ષને અંતે લાગતા સાડી/ડ્રેસ સેલની આપ બહેનોને પાક્કી જ ખબર હોય. સૉરી, મારી જ ગણવામાં ભૂલ હતી.” ક્લાર્કે સી.એલ. કાર્ડમાં સુધારીને હસતાં હસતાં હાથ જોડ્યા.

“એમ નહીં રાકેશભાઈ, પણ અમે તો એક એક રજા બચાવી બચાવીને સોનાના સિક્કાની જેમ વાપરીએ. ઘરે ભાભીને પૂછી જોજો. થેન્ક યુ” કૃતિ હરખાઈ અને બચેલી સી.એલ. ક્યારે લેવી એ વિચારવા લાગી.

“છેલ્લું જ અઠવાડિયું હતું ને નહીં લે તો લેપ્સ જાય એમ હતી. એ તો જવા ન જ દેવાયને! ભલે પેલી સ્મૃતિ વટમાં કહે, ‘નારે હું તો નોકરીને વફાદાર રહું, આજ તો રોજી છે. એકબે રજા જાય તો હાય હાય નહીં કરવાની.’ અ,રે એને શું? ચાલુ નોકરીએ તો સાહેબને મસ્કા મારી મારીને બહાર ભટકતી હોય છે. ઓફિસનું કામ તો બહાનું. શાક લાવવું ફોલવું પણ મીઠું મીઠું બોલી પેલી સ્વિપર પાસે કરાવી લેતી હોય છે. ના, બાબા ના, આપણને કોઈની પગચંપી ન ફાવે. આપણે ભલા ને આપણું કામ ભલું.”

નોકરીનો સમય પૂરો થયો પણ એ નક્કી ન કરી શકી. વિચારતી વિચારતી ઍક્ટિવા પર બેઠી ને મનમાં કૅલેન્ડર સેટ કર્યું.” સોમથી શનિ છ દિવસ ને વળી પચીસમીએ તો નાતાલ લાલ તારીખ એટલે સોમવાર તો ગયો. બચ્યા માંડ પાંચ દિવસ ને એમાંયે શનિવાર તો હાફ ડે. એમાં શું કામ આખી સી.એલ. બગાડું? હવે રહ્યા ચાર દિવસ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એય જલદી નક્કી કરવું પડશે. વળી સ્ટાફમાં બીજા કોઈ રજા પર હશે તો ઍડજસ્ટ કરવું પડશે. મારી જેમ ઘણાની બચી હશે.” એટલામાં ઍક્ટિવા વિચિત્ર અવાજ કરવા લાગ્યું. “આને પણ સર્વિસમાં આપી દઈશ એ જ દિવસે. ભલે આખો દિવસ લગાડે પણ સ્વીચ અડકતાની સાથે સ્ટાર્ટ થવું જોઈએ. અરે ઉડનખટોલા છે મારો સાથીદાર.” રજાના મૂડમાં તો એણે ઍક્ટિવા પર પણ વ્હાલ વરસાવ્યું. પ્રતિભાવમાં ઍક્ટિવાએ પણ એને ઝડપથી ઘરે પહોંચાડી. ઘરે પહોંચતાં જ એણે એની એક રજાનું એલાન કર્યું. “લે તારી તો રજા પતી ગઈ હતીને? ક્યાંથી વીયાઈ?” પતિએ પતી ગયેલી રજા પર ભાર મૂક્યો.

“અરે, મેં એને સત્તર વાર કહ્યું પણ સાંભળે જ નહીં. અમારો કલાર્ક…”

“બધા પતિ ન હોય કે પહેલી જ વખતે સાંભળે.” બિમલે ચાનો ખાલી કપ આપતા બચેલી ચા જોતા થોડી બીજી માંગી. ખુશીભર્યા મિજાજમાં કૃતિએ ચા સાથે મસલાવાળી પૂરી પણ આપી ને ડબ્બો મૂકતા બબડી, “આ નાસ્તાનું ખાનું તો ટીનુંપિંકુ બહુ અસ્તવ્યસ્ત કરી દે છે. ચાલ રજામાં ગોઠવીશ.” ટીનુંપિંકુ બહારથી રમીને આવ્યા ને મોટેથી ગર્જ્યા. “મમ્મી, અમને તો આ વખતે આખું વીક ક્રિસમસ હૉલિડે છે.”

“હાશ, એ દિવસે છોકરાઓ સાથે મસ્તી કરીશ ને ખાસ તો મોડી નવદસ વાગે ઊઠીશ. રોજ જેવી કોઈ હાયવોય નહીં!” રાત પડી પણ કૃતિને જંપ નહોતો. બિમલને વળગી લટકો કર્યો, “તું પણ તે દિવસે રજા મૂકી દેને.”

“અરે, તારા જેવું નથી. અમારે તો ડિસેમ્બરમાં પણ યર ઍન્ડિંગનું બહુ કામ હોય. તું બાળકો જોડે ઍન્જોય કર.” પણ એ મનાવીને જ રહી. બિમલે માંડ શુક્રવાર ફાળવ્યો.

બીજે દિવસે ઓફિસે કેટલીય કચકચને અંતે એને રજા લેવા શુક્રવાર મળ્યો.

હાશના નગારા વગાડતી શુક્રવારની રાહ જોવા માંડી. બસ ગુરુવારની નોકરી તો એણે દોડતાં પૂરી કરી. ત્યારથી જ જાણે શુક્રવારની સી.એલ. શરૂ થઈ ગયેલી. ઘરે પહોંચી તો હાથમાં ચાનો કપ લઈ બિમલે એનું ભાવભીનું સ્વાગત કર્યું. કૃતિ તો ફૂલી ના સમાય. જમી પરવારી ટીવી પર મોડે સુધી ફિલ્મ જોઈ. હજુય એને જાગવું હતું પણ બાળકોને ઊંઘ આવતી હતી એમને સુવડાવી વહાલ વરસાવતાં બંને સૂતાં. સવારે કોઈ ઉતાવળ નહોતી તોય એની આંખ પાંચ વાગે ખૂલી ગઈ. પછી રજાનું યાદ આવતા મલકીને પડખું ફેરવ્યું. બે કલાક તો જાગતી જ સૂતી. બિમલને ઊઠેલો જોઈ બેઠી થઈ.

“યાર, આજે નોકરીના કામે જવું પડે એવું જ છે. આપણે સન્ડે રજા ઊજવવાનો પ્લાન કરીશું. સૉરી યાર, પણ તું કાલે મોડી ઊઠજે. લંચ હું કૅન્ટીનમાં કરી લઈશ. રિલેક્સ… ઓકે?” કૃતિ કંઈ બોલી શકે એમ નહોતી પણ એટલું જરૂર બબડી, “સન્ડે તો કાયમ આવે જ છે.” એનો જીવ ન રહ્યો. બિમલ ન્હાવા ગયો ને એણે ટિફિન બનાવી દીધું ને બેલ વાગ્યો. “આજે મોટર બગડી ગઈ હોવાથી ટાંકીમાં પાણી છે એટલું જ આવશે. ઉપયોગ કરી લેજો નહીં તો નીચેથી પાણી ભરવું પડશે.” વોચમેન ગયો.

ત્યાં નીચેવાળી મારવાડી પૂજા ભજનનું આમંત્રણ આપી ગઈ. “ભાભીજી, આજ આપકી છુટ્ટી હૈના, ટીનુંને બતાયા થા. આજ હમારે ઘરપે કિર્તન રખ્ખા હૈ, જરૂર આના.”

“બેન,મારી સાથે આવશો મારા ઘર પાસેની બેંકમાં ખાતું ખોલાવવા? આજે રજા છે તો. રવિવારે તો બેંક બંધ હોય.” કામવાળીને તો કેમ ના પડાય?

ત્યાં તો લાડકી નાની બેનનો ફોન, “મોટી, આજે તને રજા છેને? બેન, તને મમ્મીએ ચઢાવેલો તે સોનાનો સેટ લૉકરમાંથી લેતી આવશે? મારા દિયરના લગ્નમાં પહેરવા વિચારું છું. વટ પડી જાયને?”

હવે ફોન કે ડોરબેલ પર ધ્યાન ન આપવાનો નિર્ણય કરે એ પહેલાં તો બિમલનો ફોન આવી ગયો. “ડિયર, કેવું ચાલે છે સી.એલ. સેલિબ્રેશન? તે કહેલુંને તે છેક આજે માણસ મળ્યો. બોલ મોકલું? બાલ્કનીની જાળી બતાવી દેજે. ઉપરથી તૂટી ગઈ છે, આમ તો કંઈ નહીં પણ છોકરાંઓ ત્યાં રમે તો બીક લાગે.”

“બેન, ત્રણ વાર ફોન કર્યો, ઍકવાગાર્ડ સર્વિસમાંથી બોલું છું, આ વર્ષની છેલ્લી સર્વિસ. ફિલ્ટર બદલવાના ડ્યૂ છે. આવી જઈએ? આગળ કોન્ટ્રાકટ રિન્યૂ કરવાનો હોય તો કહેજો.”

ચીસ પાડીને બધાને ઘસીને “ના” કહેવાનું મન થઈ ગયું. સોફા પર મોબાઈલ બંધ કરી ફંગોળ્યો ને ડોરબેલની સ્વીચ બંધ કરવા ગઈ ત્યાં જ એ રણક્યો, પિંકુએ દોડીને દરવાજો ખોલ્યો, તો નણંદબા એમના બાળકો સાથે પધાર્યા. “ભાભી, ચાલોને આપણા દરજીને ત્યાં બ્લાઉઝ સિવડાવવાના છે. હાશ! આજે તમને રજા છે તો સારું છે, ચીકુના પપ્પા ઓફિસેથી સીધા અહીં જ આવશે. બિમલભાઈ આવતાજ હશેને? ફિકર નહીં કરતા. અમે જમીને જ જઈશું. મેં પણ આજે સી.એલ. લીધી છે. આખો દિવસ પડી રહી હતી. એટલું સારું લાગ્યું. સાચું કહું, મારી તો બાર સી.એલ. પતી ગયેલી પણ અમારો ક્લાર્ક તો સાવ બાઘ્ઘા જેવો છે.”

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

સાર્કાઝમ/પરેશ વ્યાસ

સાર્કાઝમ: શબ્દનો તમાચો અને રમૂજ

મૌન બોલે છે તે સમજાતું નથી વક્ર ઉક્તિઓ છે હાજર સ્ટોકમાં -યામિની વ્યાસ

સાંપ્રત સમાચાર છે કે દક્ષિણ આફ્રિકામાં કામ કરવાની જગ્યાઓમાં સાર્કાઝમ ઉપર પ્રતિબંધ આવી ગયો છે. સાર્કાઝમ એટલે મર્મવચન, મહેણું, કટાક્ષ, વક્રોકિત, વાંકો બોલ, કરડું કે કટુવચન. તો તો સરકારી ઓફિસમાં એનો વાંધો નથી. કારણ કે સરકારી ઓફિસ એ કામ કરવાની જગ્યા છે જ ક્યાં?! બસ, આ જ અર્થ આજનાં શબ્દનો. વાંકું બોલવું. કોઈ વિષે. અમે બોલ્યાં. અહીં અમે સરકારી ઓફિસ અને ‘બાબુડમ’ વિષે બોલ્યા. સાર્કાઝમ એટલે વ્યંગપૂર્ણ ટિપ્પણી જેનો અભિપ્રેત અર્થ સામાન્ય શબ્દાર્થથી વિપરીત હોય અને બીજાની નિંદા કે અપમાન માટે ઉપયોગ થાય તે. સરકારી ઓફિસમાં કામ થતું નથી-ની નિંદા કરવા અમે લખ્યું એ કટાક્ષ ઉર્ફે સાર્કાઝમ.

‘ધ સાઉથ આફ્રિકન’ અનુસાર હવે પછીથી કામની જગ્યાઓ ઉપર ‘ગોસિપ’ (Gossip) ‘સાર્કાઝમ (Sarcasm) અને આઈ-રોલિંગ (Eye-rolling) ગુનો ગણાશે અને જે એવું કરશે એની ઉપર શિસ્તભંગનાં પગલાં લેવાશે. ‘ગોસિપ’ એટલે કુથલી કરવી, નકામી વાતો કરવી. અને ‘આઈ-રોલિંગ’ એટલે આંખો ગોળ ફેરવવી એવું બતાવવા કે સામેવાળાએ જે કહ્યું એ બકવાસ છે, વાહિયાત છે, નકરી સ્ટુપિડીટી છે. હા, બોલ્યાં વિના ય અપમાન થઈ શકે. પણ આજે સાર્કાઝમની વાત.

એક એવો જ બીજો શબ્દ છે આયરની (Irony). અર્થ થાય ઊલટું બોલવું, વક્રોક્તિ કે કટાક્ષવચન. પણ એ યાદ રહે કે દક્ષિણ આફ્રિકાએ આયરની ઉપર પ્રતિબંધ મૂક્યો નથી. સાર્કાઝમ આમ તો આયરની જ છે. બે વચ્ચે ફરક બસ એટલો કે સાર્કાઝમમાં અપમાન હોય છે, સામેવાળાને નીચે દેખાડવાની વૃત્તિ હોય છે, ટીકા હોય છે, લાગણીને ઠેસ પહોંચાડવાની ઈચ્છા હોય છે. કોઈએ કશું ન કરવાનું કામ કર્યું હોય, ‘ભૂલ થઈ ગઈ’ એમ પણ કહે પણ ત્યારે તમે પ્રતિક્રિયા આપો કે ‘બહુ સરસ!’ તો પેલાને ખરાબ લાગે કે ‘તમે આમ વાંકું વાંકું કેમ બોલો છો?’ બસ આ સાર્કાઝમ છે. કોઈ પાર્ટીમાં બહુ મોડા આવે તો તમે કહો કે ‘તમે તો બહુ વહેલાં આવી ગયા, ભાઈ!’ આમાં આયરની પણ છે અને સાર્કાઝમ પણ છે પણ આયરની વિનાનું સાર્કાઝમ પણ હોઈ શકે. જેમ કે એક અસુંદર મહિલાએ એક વાર વિન્સ્ટન ચર્ચિલને કહ્યું કે ‘તમે પીને ટલ્લી થઈ ગયા છો’ તો ચર્ચિલે જવાબ આપ્યો હતો: ‘મારો નશો તો કાલે ઉતરી જશે.’ અહીં કોઈ વક્રોક્તિ નથી પણ છતાં ટીકા તો છે જ. એમ કે એ મહિલા બદસૂરત છે તે રહેશે જ, કાલે પણ. ટૂંકમાં, વક્રોક્તિ એ રમૂજનાં વેશમાં છૂપાયેલો વિરોધ છે, દ્વેષભાવ છે. કહે છે કે વક્રોક્તિ રમૂજનું સૌથી નીચ સ્તર છે પણ એ છે જબરું મઝાનું. અને બેહદ બૌદ્ધિક પણ છે. ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ટીવી સીરીયલનો ઇન્દ્રવદન વક્રોક્તિનો બેતાજ બાદશાહ છે. એ વક્રોક્તિથી રમૂજ નિષ્પન્ન કરે છે. દા. ત. માયાને કહે છે કે ‘કમ ઓન માયા! પ્લીઝ ડોન્ટ ક્રાય. તુમ તો જાનતી હો કે રોતે હુએ તો તુમ ઓર ભી અચ્છી નહીં લગતી!’

મૂળ ગ્રીક શબ્દ સાર્કાસમોસ-માં સાર્કા એટલે માંસ કે માંસનો ટૂકડો. સાર્કાસમોસ એટલે કૂતરો ચીરે એમ માંસને ચીરી નાખવું તે. સાર્કાઝમમાં શાબ્દિક હિંસા છે. સાર્કાઝમ શબ્દ ઇંગ્લિશ ભાષામાં સને ૧૬૧૦થી શામેલ છે. એક શબ્દ સટાયર (Satire) પણ છે. સટાયર એટલે અન્યનાં દુર્ગુણ, અવગુણ કે અપલક્ષણનો ઉપહાસ કરનારું લખાણ. એક જાતની વક્રોક્તિ જ થઈ. સટાયર જો કે સાર્કાઝમની સરખામણીમાં લાંબુ હોય છે અને જરૂરી નથી કે સટાયર કડવું જ હોય. સાર્કાઝમ ઉર્ફે અપમાનજનક વક્રોક્તિ ઘણી વાર વધારે અસરકારક હોય છે. ધીમે ધીમે કહીએ તો કાંઈ સુધારો ન થાય પણ વાંકું કહીએ તો એને લાગી આવે. નારાજ થાય પણ સુધારો ય થાય! ‘મેં તાળી એટલે નથી પાડી કે તમારી કવિતા અમને ગમી. મેં તાળી એટલે પાડી કે એ પૂરી થઈ!’ કવિને ખ્યાલ આવે કે એની કવિતા રોશેષિસ છે. અને પછી સુધારો થાય. આમ જુઓ તો સાર્કાઝમ મઝાની આદત છે. સામાવાળાનું જે થવાનું હોય તે થાય! કોઈને તમાચો મારવો પણ આ તો ભાઈ, શબ્દોનો તમાચો છે. એવું ય કહેવાય છે કે મૂર્ખાઓનું અપમાન કરવું હોય તો વક્રોક્તિ કહેવી. અપમાન ય થાય અને એને એમ કે મારા સમૂળગાનાં વખાણ કર્યા!

‘કાશ્મીર ફાઇલ્સ’નાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મધ્યપ્રદેશનાં એક આઈએએસ અધિકારી નિયાઝ ખાને કહ્યું કે ‘તમારી ફિલ્મની આવક કાશ્મીરી પંડિતનાં બાળકોનાં શિક્ષણમાં તમારે દાન કરી દેવી જોઈએ’. અમને લાગે છે આ સાર્કાસ્ટિક ટ્વીટ હતો. વિવેક્ભાઈએ પણ વિવેકથી કહી દીધું કે ‘હા, તમે પણ તમારા લખાયેલા પુસ્તકોની રોયલ્ટી રકમ દાન કરી દો’. સાર્કાઝમ વિ. સાર્કાઝમ!

વક્રોક્તિ જો આદત બની જાય તો સંબંધ તૂટે. એટલે એમ કરવું ટાળવું. તમે વ્યગ્ર હો અને કોઈ પૂછે કે ‘તમે કેમ છો?’ તો ‘ખૂબ સારું!’-એવું બોલવું ટાળવું. જો એ તમારો પોતીકો હોય તો સીધી વાત કરો. અરે, પોતાની સાથે વાત કરો તો પણ વક્રોક્તિ ટાળવી. મેં કાંઈ ભૂલ કરી, ‘બહુ સરસ મિસ્ટર પરેશ વ્યાસ, સારું કર્યું!’ આવી જાત વક્રોક્તિ પણ શું કામ? એની જગ્યાએ ‘ભૂલ તો બ્રહ્માની ય થાય, હવેથી હું કાળજી લઇશ’, એવું હું મારી જાતને કહું તો સારું. અને એ પણ વિચારી લેવું કે તમે અવળું બોલો, ટોણો મારો તો સામેવાળાની પ્રતિક્રિયા પણ સાર્કાસ્ટિક હોઈ શકે. પછી તો મહાભારત થઈ જાય! વાંકું બોલવું, કરડું બોલવું, એનાં કરતાં ભલું બોલવું સારું. છોરો કે’દાડાનો કરડું કરડું કરતો’તો પણ કટુવચન જો વ્યસન બની જાય તો ખોટું. વક્રોક્તિ માત્ર ઉક્તિ (બોલ, કથન,વચન) છે એવું નથી. ઇશારામાં પણ થાય. અથવા શબ્દમાં પણ લખાય. અહીં સંભાળવું. વધારે પડતી ગેરસમજ ન થાય તે જોવું. સાર્કાઝમથી સામી વ્યક્તિમાં સુધારો થાય એવી અપેક્ષા રાખો તો તમારી એમ કહી/લખી દીધા પછીની વાત અને હાવભાવ સારા હોવા જોઈએ. શબ્દોનાં ઘા થાય તો રૂઝ આવતા વાર લાગતી હોય છે, સાહેબ! અને લખો ત્યારે તેને ‘સેન્ડ’ કરતાં પહેલાં ‘રી-રીડ’ કરવું. સાર્કાઝમ આમ તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિની નિશાની છે. જે સાર્કાઝમ કહી/લખી શકે, એ વ્યક્તિ બેલાશક હોંશિયાર છે. પણ એનાથી સંબંધ તૂટે છે. એના કરતા સબ કુછ શીખા હમને, ન શીખી હોંશિયારી-નું ગીત ગાવું હિતાવહ છે.

શબ્દ શેષ:

“તમે પહેલેથી જ આટલા મૂર્ખ છો કે પછી આજે કોઈ ખાસ પ્રસંગ છે?” –અજ્ઞાત

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized

ધ લાસ્ટ ઈવનિંગ/યામિની વ્યાસ

ધ લાસ્ટ ઈવનિંગ

હિલસ્ટેશનની રમ્ય સાંજ રોયલ ગેસ્ટહાઉસના બગીચાની લોનમાં અતિ નમણી લાગતી હતી. નિવૃત્ત અધિકારી અવિનાશ મહેતા કૉફિની આહ્લાદક મહેક સાથે સાંજની મહેક માણી રહ્યા હતા. અચાનક જ એક ગ્રેસફુલ લેડી દોડી આવ્યાં. એમના ચહેરાના હાવભાવ એવા હતા કે જાણે કોઈ એમની પાછળ પડ્યું હોય! પણ એમણે હાવભાવ છુપાવવાનો પ્રયત્ન કરીને અવિનાશને પૂછ્યું, “સૉરી ટુ ડિસ્ટબ યૂ, સર. બીજું કોઈ દેખાતું નથી. અહીંના મેનેજર ક્યાં હશે? રહેવા માટે રૂમ અવેલબલ હશે? મારે જાણવું છે.”

હાથમાં ફકત પર્સ ઝૂલતું જોઈને અવિનાશે આશ્ચર્યથી કહ્યું, “જી, રૂમ તો હશે જ પણ આપ એકલા જ છો કે આપના ફેમિલી મેમ્બર્સ પણ આવે છે?”

“જીના, હા… હા… ઍક્ચુઅલિ હું એક આર્ટિસ્ટ છું, મારે આજના સૂર્યાસ્તનું પેઇન્ટિંગ બનાવવું છે. ‘ધ લાસ્ટ ઈવનિંગ’ એટલે હું ટૅક્સિ કરીને વહેલી આવી. મારો પરિવાર પાછળથી આવશે. અરે, મારો સામાન પણ એ લોકો સાથે જ આવશે.” બોલતાં બોલતાં એ સન્નારી ગભરાયેલી નજરે સતત આમતેમ જોતાં હતાં. એ જોઈ અવિનાશની શંકા પાકી થઈ.

“મેડમ પહેલા બેસો, રિલૅક્સ થાઓ, મારે માટે તો આર્ટિસ્ટને મળવાનું સૌભાગ્ય છે, લ્યો કૉફિ, કૉફિ વીથ…” તેઓ સૂચક અટકયા.

“ચંદ્રિકા… ચંદ્રિકા દિવાન. આર્ટ વર્લ્ડમાં હું તેજસ્વીના નામે ઓળખાઉં છું. મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં મારા પેઇન્ટિંગના શો થાય છે.”

“કેટલા આનંદની વાત! કલાકારને મળવાનો આનંદ જ અનોખો હોય છે. કલાકારની કલ્પના અને એની કળાને સલામ, મિસ તેજસ્વિની.”

તરત જ ચંદ્રિકાએ જવાબ આપ્યો, “જી, મિસિસ ચંદ્રિકા દિવાન. મારો એક દીકરો છે. એને ત્યાંય બાળગોપાલ છે. મને મારો પરિવાર ખૂબ જ ચાહે છે. આપ? આપના વિશે કંઈ જણાવો.”

“જી વેલ, છું તો અવિનાશ પણ ક્યારેક મારો નાશ થઈ જશે. કોર્પોરેટ સેક્ટરમાં વિજિલન્સ ઑફિસર હતો. મારા દીકરાને મારી સાથે તકલીફ છે. એ એના પરિવાર સાથે વિદેશમાં રહે છે. હું અને મારી પત્ની ખૂબ પ્રેમથી રહેતાં હતાં પણ ગયા વર્ષે અહીં જ મારી પત્ની સ્યૂસાઇડ પૉઇન્ટ પરથી જ પગ સરકવાથી નીચે પડી ને મૃત્યુ પામી. અમે તો એ સ્થળ જોવા ગયાં હતાં. સેલ્ફી લેતી હતી ત્યાં મારી આંખો સામે એણે સંતુલન ગુમાવ્યું. હું કંઈ કરું એ પહેલાં તો… એની ચીસોથી ઘાટી પડઘાઈ ઊઠી. બીજે દિવસે એની લાશ મળી એ પણ એવી હાલતમાં કે વર્ણવવું શક્ય નથી. એના પછી પણ હું બદનસીબ એટલો કે પૂરો સમાજ… અરે, ખુદ મારો દીકરો પણ એમ માને છે કે અવનિએ આત્મહત્યા કરી અથવા તો મેં જ એને… અરે, મારે તો કોર્ટમાં સાબિત કરવું પડ્યું કે મારી વહાલી પત્નીએ અકસ્માતે જીવ ખોયો છે. મેડમ, ત્યારથી હું એકલો છું. અવિનાશમાંથી અવિ નીકળી ગઈ. હવે ફકત નાશ બાકી છે. તમે માનશો? મારી અવનિ એક કવયિત્રી હતી. એની જાણ મને એના મૃત્યુ પછી એની ડાયરીઓ દ્વારા થઈ. કરિયરની પાછળ ભાગવામાં હું એને સમય ન આપી શક્યો, વિચાર્યું, રિટાયર્ડ લાઈફમાં બંને આનંદથી સાથે રહીશું, પણ..હવે..અફસોસ..એની યાદમાં જ અહીં આવ્યો છું.”

આ સાંભળતાં જ ચંદ્રિકા કંઈ બોલે એ પહેલાં એના મોબાઇલની રિંગ વાગી. હેલો કહેવાની પણ જરુર ન પડી. સીધો જ પુત્રવધૂ નીતિનો હલ્લો હતું, “મોમ, વ્હેર ધ હેલ આર યૂ? ક્યાં છો તમે? ઓલ્ડ એઇજ હોમમાં પણ નથી. તમારાથી ચેનથી બેસાતું નથી? તમે લોકો કોઈ પિકનિક પર ગયેલા ને આખું ગ્રુપ પાછું આવ્યું ને તમે…? બધાં કેટલી ચિંતા કરે છે તમારી? આ ઉંમરમાં તો સુધરો…” ચંદ્રિકાનું મોબાઈલનું સ્પીકર ચાલુ હતું. એ બંધ કરવા ખૂબ ટ્રાય કરતી રહી પણ કંઈ ખામી હશે એટલે ન થયું. આ બધી વાત અવિનાશે સાંભળી. ચંદ્રિકા વધુ ક્ષોભમાં ન મુકાય એટલે એ ‘આપ શાંતિથી વાત કરો’ કહી દૂર ખસી ગયા.

ફરીથી નીતિ બોલી, “કોની સાથે છો, મોમ? મેં હમણા જ કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. સાચું કહો, કોની સાથે છો? પપ્પાનાં ગયાં પછી આપને મોજ પડી ગઈ છે. અમે બંને અમારા બિઝનેસમાં બીઝી રહીએ એટલે તમને રિચ ઓલ્ડ એઈજ હોમમાં મૂક્યા તો ત્યાંય સીધા ન રહ્યાં. ચિત્રો દોરવા માંડ્યાં. કેનવાસ પેપર્સ લઈ લીધા તો ત્યાંની દીવાલો પર ચિત્રામણ કરવા માંડ્યાં ને હીલસ્ટેશન પર પિકનિકના બહાને જઈ ત્યાંથી ભાગી છૂટ્યાં. હવે પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવવી જ છે. હવે હું જ તમારું લોકેશન આપું છું. ત્યાં જ રહેજો.”

ચંદ્રિકા ગુસ્સાથી રાતીચોળ થઈ ગઈ ને બોલી, “નીતિ, સ્ટૉપ ધીસ નૉન્સન્સ. હું કોઈની સાથે નથી. તું કોણ છે મારા કૅરિક્ટર પર પ્રશ્ન કરવાવાળી? પપ્પાના ડેથ પછી તમે લોકોએ મારી બધી મિલકત લઈ લીધી ને મને એવા ઓલ્ડ એઈજ હોમમાં મૂકી કે મારે માટે તો એ જેલ છે જેલ. હું ચિત્ર દોર્યા વગર જીવી શકું એમ જ નથી. અને હા, હું ત્યાંથી ભાગી જ આવી છું ને સાંભળ, હું તો માત્ર લાગણીઓ કે હૂંફની ભૂખી છું જે તમે મને આપી શકો એમ નથી. એટલે હું અહીં સ્યૂસાઇડ કરવા જ આવી છું. બસ આ તારો છેલ્લો ફોન. તમને પણ શાંતિ…” ચીસ પાડી ફોન પછાડી ચંદ્રિકા રડી પડ્યાં. અવિનાશ દૂર ઊભા પરિસ્થિતિ પામી જઈ ત્યાં આવ્યા. આભાર માની જવા માટે નીકળતાં ચંદ્રિકાને અવનાશે રોકયાં, “મેડમ, સ્યૂસાઇડ પૉઇન્ટનો શોર્ટ કટ આ બાજુથી છે. તમારે સ્યૂસાઇડ જ કરવું છેને!”

ચંદ્રિકા રડમસ અવાજે, “નથી જીવવું મારે, કોના માટે જીવવાનું?”

અવિનાશ મોબાઈલમાં પોસ્ટર બતાવતા, “આના માટે, આપનો બલાઈન્ડ બાળકો માટે વન વુમન શો છેને? તમે વાત કરતાં હતાં એ દરમ્યાન જ મેં ત્યાં ઊભા ઊભા તમારો પ્રોફાઈલ શોધી કાઢ્યો. પરિવારમાંથી નફરત મળી તો તેજસ્વીનીના નામથી પેઇન્ટિંગ બનાવ્યા. અરે કલાજગતમાં તમારું કેટલું માન છે! ને તમે આવ્યા ત્યારે જ મને ડાઉટ હતો કે, કોઈપણ ક્રેડલ કે કેનવાસ વગર આપને ‘ધ લાસ્ટ ઈવનિંગ’ પેઇન્ટિંગ બનાવવું હતું એ પણ સ્યૂસાઇડ પૉઇન્ટ નજીક! જુઓ, હું વિજિલન્સ ઑફિસર હતો એટલે થોડી ઘણી સાઇકૉલોજી જાણું છું. દરેક જિંદગી ખૂબ કિંમતી હોય છે. અવનિને ગુમાવી પછી મને ખાસ સમજાય છે, છતાં… વેલ, આપને સ્યૂસાઇડ કરવું જ છે તો આ બાજુ રસ્તો છે. પણ હા, મેડમ તેજસ્વીની, ત્યાં કદાચ પોલિસ તમારી રાહ જોઈ ઊભી જ હશે, કારણ કે તમારી પ્યારી પુત્રવધૂએ એમને જણાવી દીધું હશે. એ તમને ફરી ઓલ્ડ એઈજ હોમમાં મૂકી આવશે.”

ચંદ્રિકા ઊભી રહી ગઈ. બોલી, “સૉરી અવિનાશજી, મેં આપને ખોટું કહ્યું હતું. મારા દીકરાવહુએ મારી એવી હાલત કરી નાખી છે કે, મને મારા ધનવાન પતિનો એકે પૈસો વાપરવાની આઝાદી નથી કે નથી ચિત્રો દોરવાની આઝાદી… બસ કેદ છું કેદ. શું કરું?”

અવિનાશે ખૂબ શાંતિથી કહ્યું, “જૂઓ, તમને વાંધો ન હોય તો અને આપની મરજી હોય તો હું આર્ટિસ્ટ તેજસ્વીનીને સાદર સન્માન સહિત મારે ઘરે નિમંત્રિત કરું છું. અને આપ આપનો નિર્ણય ક્યારેય પણ બદલી શકો. હું કોઈ ઉપકાર નથી કરતો પણ એમ માનીશ કે, મારી અવનિની કલાને હું જીવનના અંત સુધી જાણી પણ ન શક્યો કે બિરદાવી પણ ન શક્યો એનું આ પ્રાયશ્ચિત છે. ત્યાં આપને પૂરી આઝાદી હશે. જો હા હોય તો આગલી બધી મેમરી ડિલીટ કરી દો, પછી જુઓ તો આપને લાગશે કે, વિશાળ કલાજગત આપની રાહ જોઈ રહ્યું છે.” ચંદ્રિકાને અસમંજસમાં જોઈ એણે ફરી કહ્યું, “હું સમજુ છું. આટલો મોટો નિર્ણય આટલી વારમાં લેવો કઠિન છે. હવે આપની ઈચ્છા…”

ચંદ્રિકાએ વિચાર્યું. ત્રણ રસ્તા છે; સ્યૂસાઇડ, ઓલ્ડ એઈજ હોમ કે આ હમણાં જ પરિચય થયો છે એવા પરિચિતનો સાથ… સહસા બોલી, “ચાલો, જલદી ક્રેડલ અને કેનવાસ મંગાવી આપો. સૂરજ આથમે એ પહેલાં આજની આ સોહામણી સાંજનું પેઇન્ટિંગ બનાવી દઉં, “ધ લાસ્ટ ઈવનિંગ”, કારણ કે સૂર્યાસ્ત પહેલાં જ નવો સૂરજ ઊગી રહ્યો છે. કાલથી હું નવા સૂરજને મારી કલા સમર્પિત કરીશ.

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

હૈયાના આંગણામાં અત્તરના વાયરા

Leave a comment

by | એપ્રિલ 12, 2022 · 3:21 એ એમ (am)

Purvi Malkan

LECTURE-PAKISTAN TOUR PART-2 BY PURVI MODI MALK

Purvi Malkan <purvimalkan@yahoo.com>

To: Pragna Vyas

ECTURE-PAKISTAN TOUR PART-2 BY PURVI MODI MALK

IASCC OF NY : LECTURE-PAKISTAN TOUR PART-2 BY PURVI MODI MALKAN
Play

Leave a comment

Filed under Uncategorized