ઘેરાશે આંખ અને આભ/યામિની વ્યાસ

ઘેરાશે આંખ અને આભ“બેન, આપણું નામ કેટલું હરખું! મારું નામ કાશી અને તમારું નામ કેશી.”કેશી નહીં કેશવી.”“હા,એજ” “બેન, આજે પગે માલિશ કરતી જઉં કે?” કાશીએ કામ પતાવીને કહ્યું. કેશવીના પગ કાલે દુખતા હતા તેથી કાશીએ સરસ માલિસ કરી આપી હતી. કેશવીને થયું કાશી પાસે માલિશનું કામ પણ બંધાવી દઉં. કાશી ઘરના કામ સાથે માલિશનું કામ પણ કરતી અને તેનાથી સારું એવું કમાઈ પણ લેતી. ખૂબ સરસ મસાજ કરી આપતી. કેશવીને થયું કે, મેનિક્યોર પેડિક્યોર કરાવવા જવું તેના કરતાં આ કેટલું સસ્તું પડે! અને કેશવીએ કાશીને કહ્યું કે, “આંતરે દિવસે તારે મને હાથે પગે માલિશ કરી આપવાની”કાશી ખૂબ બોલબોલ કરતી. બોલકણી કાશીની જીભ ચાલતી જ રહેતી, “હેં બેન! તમારાં પોયરાં છે કે?””એક દીકરો છે દૂર છે હોસ્ટેલમાં” “સાહેબ કેટલા વાગે આવહે?એ પેલ્લાં મેં જતી રે’વા.” કાશીએ થોડા દિવસ પહેલાં જ કેશવીને ત્યાં કામ બાંધ્યું હતું. તે સવારે નવેક વાગે આવતી અને આજુબાજુનાં ઘરોનાં કામ પતાવીને લગભગ ચારેક વાગે ઘરે જતી. તે ઘણી વાતો કરતી; તેના પરિવારની, તેનાં બાળકોની અને ખાસ કરીને તેના વર સોમજીની. કાશી સોમજીના વખાણ તો કરતી પણ કહેતી કે, તે દારૂ બહુ પીએ. કેશવીએ પૂછ્યું, “દારૂ પીને આવે તો તને મારતોય હશેને?” “અરે હોય તે! એકબે વાર આથ ઉપાડ્લો, પન મેં હો બહુ જબરી, એની હામે હાથ ધરી ડીધલો. મેં કઈ મેયલું કે, તારે પીવો હોય તો પી ને પડી રે’ ખૂણામાં. મુઓ મારે તો ની પન ની કરવાનો લવારો કયરા કરે” “તને કાઢી તો નહીં મુકેને?”અરે બેન! આ ઘર તો મેં મારી કમાણીથી બાંધલું છે, એ મને હુ કાઢી મૂકે? મેં જ એને કાઢી મૂકા.”સાચે જ કાશીની મહેનતની કમાણી સારી હતી. સોમજીને કોઈ દિવસ કામ મળે કે ન મળે. જે દિવસે પૈસા હાથમાં આવે ત્યારે અચૂક દારૂ પીને આવે. પણ કાશીએ તેને કહ્યું હતું કે, “દારૂ પીને ની આવ, દારૂ લઈને આવ. પહેલાં ખાઈ લેવાનું અને પછી દારૂ પીવાનો ને છાનામાના હુઈ જવાનું.” કેશવીને તેનામાં રસ પડતો ગયો. તેની વાતો ગજબ હતી. એ કાશીને જોઈ રહેતી. કેવું પાતળું શરીર! ઉંમર પણ લગભગ મારા જેટલી જ હશે. આટલું બધું કામ કરે છતાં તેને દુખાવો ન થતો હોય એવું બને? પણ હોંશે હોંશે આનંદથી તે બધું કામ કરતી. કાશી પણ કેશવીને સાહેબ વિશે પૂછતી. કેશવી મલકાઇને જવાબ આપતી, “સાહેબ બિઝનેસમેન છે.” કોઈવાર સાહેબને આવતાં મોડું થાય. રજાના દિવસે રવિવારે તો ક્યારેક બાર વાગ્યે પણ ઊઠે એટલે તો સાહેબનો રૂમ બંધ હોય એટલે કેશવી શનિવારે આગલા દિવસે જ કાશી પાસે બરાબર સાફ કરાવી દેતી. કેશવીએ જ આ ક્રમ ગોઠવ્યો હતો.એક દિવસ ‘કિસી કિસી’ બૂમ પાડતા તેણે સાહેબને સાંભળ્યા. એને થયું કે,’સાહેબ કેટલું બધું વહાલ વરસાવી રહ્યા છે.કેટલા હારા છે ને મુઓ સોમલો તો!’ મનોમન સરખામણી થઈ ગઈ. તે કામ પતાવીને ત્યાંથી નીકળી. એક દિવસ માલિશ કરતાં કરતાં તેણે કેશવીને કહ્યું, “બહેન, એક વાટ કેંવ? ઠોડા દા’ડામાં વરહાદ આવવાનો. મારા ઘરના પટરા બદલાવવાના છે. તો મને ચારપાંચ હજાર મલ્હે? હું કામમાં વળાવી ડેવા.” કેશવી ના ન પાડી શકી અને કહ્યું કે, “સારું, હું સાંજે સાહેબને વાત કરીશ. તું સવારે લઈ જજે. કેશવી ખુશ થઈને ગઈ. તેણે પતરાવાળાને પણ કહી દીધું. તેને થયું હું સવારે જઈને પૈસા લઈ આવીશ,પણ તે દિવસે તેને બીજા બહેનને ત્યાં કામ કરતાં ખૂબ જ મોડું થયું. તેને ત્યાં મહેમાન જમવા આવ્યા હતા, તેથી કાશીને સાંજે રોકી લીધી હતી કે, જમણવાર પતે પછી વાસણ કરીને જા. કાશીને ત્યાં જ રાતે નવ વાગી ગયા. તેને થયું કાલે પતરાવાળો આવવાનો છે. કેશવીબેનને ત્યાં સાહેબ આવી ગયા હશે તો પૈસા મળી જાય. બારણું અધખુલ્લું જ હતું. ઘર તેનું જાણીતું તેથી ઘરમાં ગઈ. પ્રવેશતાં જ તેને અવાજ સંભળાયો. કેશવીની ચીસ… સાહેબ અને બહેન વચ્ચે કંઈક લડાઈ ચાલતી હોય, મારપીટ થતી હોય તેવું તેને લાગ્યું. તેને બેડરૂમનું બારણું ઠોકવાનું મન થયું પરંતુ તેવું તે ન કરી શકી. તે ત્યાંથી નીકળી ગઈ. બીજે દિવસે કામ પર આવતાં કાશીએ કહ્યું, “ચાલો બહેન, તમને માલિશ કરી આપું.પીઠ પર હો કરી દેઉં.” કેશવી સહેજ અટકી પછી હસીને બોલી, “ના, હાથ પગ પર જ કર ને આ લે, તારા માટે સાહેબે પૈસા આપ્યા છે. સરસ રીતે પતરાં નંખાવજે, જેથી તારા ઘરમાં વરસાદ ન પડે. “બહેન, આ પૈસા તમે જ રાખો. તમુને કોઈ વાર કામ લાગહે. મેં બીજી વ્યવસ્થા કરી દીધી છે. મારા ઘરમાં તો વરહાદ નહીં પડે!” કાશી ધીમેથી બોલી અને એની નજર આકાશ અને કેશવીની આંખો પર ગઈ. બંને ઘેરાયાં હતાં.

·

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.