“ક્ષિતિજ રેખા પગ પાસે ઢળતી સાંજે દરિયા કિનારે રેત પર બેસીને ક્ષિતિજ પોતાના ખિસ્સામાંથી તસવીર કાઢી અનિમેષ નેત્રે નિહાળ્યા કરતો.કોઈ કેમ સમજતું નથી કે મને આવી છોકરી ગમે.એના ચહેરા પરથી નીતરતો ભાવ કોઈ અલૌકિક અનુભૂતિ કરાવે છે.પણ આ છોકરી છે કોણ? ક્યાં હશે? તે આ દુનિયામાં છે કે ક્ષિતિજને પેલે પાર મમ્મીની જેમ.એને મૃત્યુ પામેલી મમ્મીની યાદ આવી ગઈ.’જો હં ક્ષિતુ, સામે પેલા દેખાય છે ને, લાલ લાલ સૂરજદાદા, હમણાં જ દરિયામાં પડશેને છમમમમ..અવાજ આવશે ને અંધારું થઈ જશે.’ ‘ઓહ અંધારાની મને બહુ બીક લાગે મમ્મી,તું મને છોડીને ક્યાંય નહીં જાય ને? પ્રોમિસ?’ ‘ હા બાબા પ્રોમિસ પણ તું જ મારી સાથે રહેશે ખરો? ભણીગણીને મોટો થશે કમાશે ને સરસ દુલ્હન લાવશે પછી તું એની સાથે જ રહેશે.’ ‘હું મોટો થઈને તારી સાથે લગ્ન કરીશ પછી તું કેવી રીતે છોડીને જશે?’ નાનકડો ભોળો ક્ષિતિજ બોલી પડેલો.ને મમ્મી ખડખડાટ હસી પડેલી. પણ મમ્મીએ પ્રોમિસ ન પાળ્યું. કાર અકસ્માતમાં ક્ષિતિજ અને પપ્પા બચી ગયા, મમ્મી મૃત્યુ પામી. મા વગરના નાનકડા ક્ષિતિજને સાચવવો ખૂબ જ મુશ્કેલ હતો. પાંત્રીસ વર્ષના વિધુર સાગરને પોતાની પત્ની કરતા ક્ષિતિજની માની વધુ જરૂર હતી.ઘણા સારા ઘરનાં માંગા આવતા.સાગરે ક્ષિતિજને સાચવે એવી સામાન્ય ઘરની ત્રીસેક વર્ષની નેહા પર પસંદગી ઉતારી. સરળ શાંત અને સૌમ્ય નેહાના આગમનથી ક્ષિતિજને સારું તો લાગ્યું પણ એના મોઢામાંથી મમ્મી શબ્દ નહીં નીકળ્યો. એ એને બીજી મમ્મી કહીને બોલાવતો નેહા એને ખૂબ વહાલ કરતી, એટલે સુધી કે એને બીજા સંતાનની જરૂર ન લાગી. પણ ક્ષિતિજ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ અંતર્મુખી થતો ગયો. કોણ જાણે કેમ એની વહાલી મમ્મીની જગ્યાએ આવેલી નેહા માટે એને ખૂબ અણગમો થવા લાગ્યો.નેહા માટે એને વહાલ તો શું જરા ય આદર પણ નહોતો. પણ ઝાઝો વ્યક્ત ન કરતો.દૂર રહેતો. નેહાને સમજાતું નહોતું કે,’ મા તરીકે વર્તવામાં મારી ક્યાં કમી રહી ગઈ? હું બીજી મમ્મીમાંથી મમ્મી ક્યારે બનીશ?’ સાગર બધું સમજતો પણ કંઈ બોલી ન શકતો. નેહા સાગરને ધીરજ આપતી. શહેરમાં એન્જિનિયરિંગ કોલેજ હોવા છતાં જીદ કરી ક્ષિતિજે હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું. હવે તો રજામાં ઘરે આવતો ત્યારે નેહા સાથે ખાસ વાત પણ નહીં કરતો. ડિગ્રી મેળવ્યા બાદ પપ્પાના બિઝનેસમાં જોડાયેલા ક્ષિતિજ માટે કન્યાની શોધ ચાલી. કેટલીય છોકરીઓમાંથી ક્ષિતિજને કોઈપણ પસંદ આવતી નહોતી. અને નેહા બતાવતી એને તો એ જોયા વગર જ ઘસીને ના પાડી દેતો. એને તો ફક્ત એના ખિસ્સામાંના ફોટાવાળી છોકરી જ ગમતી. મધુર હાસ્ય, સાદી કુર્તી, સલવાર,દુપટ્ટો ને લાંબો ચોટલો.ને વળી નાનકડી બિંદી. આ ફોટો એની પાસે આવ્યો કઈ રીતે એ નક્કી કરી શકતો ન હતો ઘરમાંથી, હોસ્ટેલમાંથી, લાઈબ્રેરીની બુકમાંથી કે મિત્રના આલ્બમમાંથી! આખરે એક દિવસ બ્રેકફાસ્ટ ટેબલ પર સાગરે પૂછી જ લીધું, ‘ તારી કોઈ પસંદ છે તો કહે, અમને ન્યાતજાત,દેખાવ,ભણતર વાંધો નથી, તને ગમે એમાં જ અમે ખુશ.’ ક્ષિતિજ જવાબ આપે એ પહેલા નોકરાણી શકુબાઈએ ધોવા નાખેલ જીન્સમાં રહી ગયેલા પર્સ, કાર્ડસ, ફોટોગ્રાફ ટેબલ પર મૂકી દીધા.ક્ષિતિજ હાથ લંબાવે એ પહેલા નેહાએ હાથ લંબાવી ફોટો લઇ લીધો. ‘અરે, આ તો મારો ફોટો, તારી પાસે ક્યાંથી આવ્યો બેટા?’ ‘તમારો ફોટો!! મને ખબર નથી મારી પાસે ક્યાંથી આવ્યો!’ ફોટાને જોઈને બીજી મમ્મીના ચહેરાને ઝીણવટથી જોયો. ‘હા,ફોટામાંની યુવતી આધેડ બનતા આવી જ લાગે.’ પોતાની શોધ આંખ સામે હતી. ક્ષિતિજ રેખા સરકીને પગ પાસે આવી ગઈ. એણે માતાનો હાથ હાથમાં લઇ પોતાને માથે મુક્યો, ‘તમે કહેશો એ યુવતીને જીવનસાથી બનાવીશ મમ્મી.’ ક્ષિતિજે આજે પહેલીવાર નેહાને બીજી મમ્મી ને બદલે મમ્મી કહ્યું. ત્રણેયની આંખો ભીની થઈ ગઈ.

યામિની વ્યાસ”