Daily Archives: ઓક્ટોબર 1, 2021

પ્રફુલભાઇના ૯0મા વર્ષમા પ્રવેશે-

૯0મા વર્ષમા પ્રવેશે વૃધાવસ્થા- મૃત્યુ અંગે ચિંતન વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે તેઓ સ્વીકારી શકતા નથી કે ગઈ કાલનો પશ્ચાતાપ અર્થહીન છે, હવે આવતી કાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે.  આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ ઓપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે. જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ખુશદિલ હોય છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ચેતન દેહની સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે. પ્રશ્ન એક જ છે: જિંદગી, જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. આશના સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે. બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે. કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશના ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે!   જીવન વહેતું પાણી છે.પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે.
 જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુની રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચિરનિદ્રા’ જેવો શબ્દ અપાયો છે.આ.વિનોબાજીનુ ચિંતન-મૃત્યુનું સ્વરૂપ કેવું છે ?
વિનોબા : પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય.
પ્રશ્ન : શું મરણની ઘડી નિશ્ચિત છે ?
વિનોબા : હા, હું એમ માનું છું કે મરણની ક્ષણ પ્રારબ્ધથી નક્કી થયેલી જ હોય છે. સાધારણતયા સંયમ, પ્રાણાયામ વગેરે આયુર્વર્ધક બતાવ્યાં છે, પણ બહુધા વ્યક્તિનું આયુષ્ય તો એના પ્રારબ્ધથી જ નક્કી થાય છે. દેહ કર્મવેગથી ટકે છે. અસંખ્ય પૂર્વ કર્મોમાંથી એક વિશિષ્ટ અંશ ઉપભોગવા દેહરૂપે જન્મ લીધો. એ જ છે ‘પ્રારબ્ધ કર્મ’ એ ભોગવી લીધા પછી દેહ પડી જાય છે. સંયમથી માણસનું દીર્ઘાયુ થાય છે, તેવું નથી. સમાજનું સરેરાશ આયુષ્ય સંયમથી વધે.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લ‍ઈ જા.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દ‍ઈ જા.
પિતા! પેલો આઘે, જગત વીંટાતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇં‍દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી! ઘરું. ~ ન્હાનાલાલ

પ્રાર્થના અંગે હજારો સંશોધનમાંથી તારવેલા અમુક ફાયદાઓ નીચે પ્રમાણે છે.
લાંબું જીવન : ૧૯૮૭થી ૧૯૯૫ વચ્ચે અમેરિકામાં રાષ્ટ્ર- વ્યાપી સંશોધન થયું. એમાં ૨૧,૦૦૦ વ્યક્તિઓની મુલાકાત લેવામાં આવી. તેમાં એવું જાણવા મળ્યું કે જે વ્યક્તિ અઠવાડિયામાં એક કરતાં વધુ વખત સેવામાં જાય છે તેનું આયુષ્ય બિનધાર્મિક વ્યક્તિ કરતાં સાત વર્ષ વધુ હોય છે.
સંપૂર્ણ સ્વાસ્થ્ય : જેફ લેવિન (‘ભગવાન, વિશ્વાસ અને સ્વાસ્થ્ય’ પુસ્તકના લેખક અને) એેપિડેમિઓલોજિસ્ટ જણાવે છે કે અધાર્મિક વૃદ્ધો કરતાં ધાર્મિક વૃદ્ધોને ઓછા શારીરિક પ્રશ્નો હોય છે અને શરીર પણ સારી રીતે કાર્ય કરે છે.
ઝડપી પુનઃસ્વાસ્થ્ય : ૧૯૯૫માં ડર્ટમાઉથ મૅડિકલ સ્કૂલનું સંશોધન જણાવે છે કે ભગવાનમાં શ્રદ્ધાવાળા આૅપન હાર્ટ સર્જરીના દર્દીઓને અધાર્મિક દર્દીઓની સરખામણીએ સર્જરી થયા બાદ જીવવાની તકો ત્રણ ગણી વધારે છે.
મજબૂત હૃદય : ૧૯૯૭માં ભારતના એક સર્વેક્ષણ મુજબ જે ભારતીયો (મુખ્યત્વે હિંદુ) નિયમિત રીતે પ્રાર્થના કરે છે તેને હૃદયરોગની ૭૦„ ઓછી શક્યતા છે.
લો-બ્લડપ્રેશર : જ્યોર્જિયા, અમેરિકામાં એક સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જેઓ ધર્મને મહત્ત્વનો ગણી નિયમિતપણે મંદિરે જાય છે અને સાધના કરે છે, તેને હાઈ-બ્લડપ્રેશરના રોગ સામે સંરક્ષણાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો ફાયદો થાય છે.
માનસિક સ્વસ્થતા : મંદિરોમાં જવાથી ડિપ્રેશન અને ઉદ્વેગ ઓછો થાય છે એવું ૧૯૯૯માં ડ્યૂક યુનિવર્સિટીએ હાથ ધરેલા ૪૦૦૦ વ્યક્તિઓના અભ્યાસ પરથી જણાવ્યું છે.
સ્ટ્રેસનો ઘટાડો : ‘ધી રિલેક્સેશન રિસ્પોન્સ’ના લેખક ડૉ. હર્બટ બેન્સન કહે છે કે સ્ટ્રેસથી બ્લડપ્રેશર, હૃદયરોગ તથા શ્વાસોચ્છ્‌વાસની ઝડપ વધે છે. જે શરીર માટે વિનાશક છે. ડૉ. હર્બટ આના નિરાકરણ માટે બે ઉપાયો સૂચવે છે : (૧) નિયમિત પ્રાર્થના, ભગવાનનું ધ્યાન (૨) યોગાસન.

Happy 90th Birthday Images, Stock Photos & Vectors | Shutterstock

14 ટિપ્પણીઓ

Filed under Uncategorized