Daily Archives: જૂન 2, 2021

ડે વુ :પરેશ વ્યાસ

ડે વુ : ભાવિ સમયમાં સંભારણું થઈ જશે આજની આ પળ

– શબ્દસંહિતા- પરેશ વ્યાસ

– આજે જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એ સમયને ભવિષ્યમાં આપણે યાદ જરૂર કરીશું

વળે પાછાં જે વહી ચૂક્યાં છે એ જળ

સમેટાય રણ ને બને મારી પળ

હું ચાલ્યા કરું ક્યાંય પ્હોંચ્યા વિના

છે રણની સફરમાંય સુક્કાં વમળ

– રમેશ પારેખ

આ મ તો ફ્રેંચ શબ્દ ડેજા વુ (કે વ્યુ) (ગળ્લઙ્મ પે) વધારે લોકપ્રિય છે. ડેજા એટલે ‘પહેલેથી’ અને વુ એટલે ‘જોયું છે’. કોઈ જગ્યાએ પહેલી વાર ગયા હો અથવા કોઈ વ્યક્તિને પહેલી વાર મળ્યા હો છતાં એવી લાગણી થાય કે આવું અગાઉ પણ થઈ ચૂક્યું છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે- પ્રસ્તુત પ્રસંગ અગાઉ અનુભવમાં આવી ગયેલો છે એવી લાગણી કે આભાસ. એટલે એમ કે વહી ચૂક્યાં છે એ જળ જાણે પાછા આવીને મારી પળ બની ચૂક્યા છે.આ ચીજ મેં પહેલાં ય જોઈ છે, સાંભળી છે. પણ આજે જે શબ્દની વાત કરવી છે એ છે ડે વુ (ગટ્ટજ પે). ડેસ એટલે ‘યથાસમય કે યથાશીઘ્ર’. વુ એટલે ‘જોયું છે’. ડે વુ પણ ડેજા વુ જેવું જ છે પણ એનાથી રીવર્સ ડાયરેક્શનમાં છે. એટલે એમ કે આજે જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એ સમયને ભવિષ્યમાં આપણે યાદ જરૂર કરીશું. સઘળું તો યાદ ન જ રહે અથવા આપણે એને યાદ ન જ કરીએ પણ અત્યારે જે વીતે છે, એ આપણને યાદ રહી જશે. એટલે એમ કે હું રણની સફરમાં છુ. ચાલ્યા કરું છુ. પણ કશે પહોંચતો નથી. શું અહીં પણ સુક્કાં વમળ છે? યાદ કરીએ ત્યારે કદાચ અત્યારે જે છે એનાથી ભવિષ્યમાં એની યાદનું સ્વરૂપ થોડું અલગ હશે. આજે કદાચ આપણે ચિંતામાં છીએ. ભવિષ્ય ધૂંધળું છે. પણ ભવિષ્યની કોઈ પળે યાદ કરીશું તો હસી પડીશું. મઝાની વાત એ છે કે મને આજે ખબર છે કે આ પળ મને યાદ રહી જવાની છે. એ પળ સારી હોય કે નરસી હોય, પણ ભવિષ્યમાં મને જરૂર યાદ રહેશે. કોઈ ફોટોગ્રાફિક મેમરી જેવું કાંઇ. જાણે કે આપણે સમયની ટ્રેનમાં સફર કરી રહ્યા છીએ અને આપણે જ આપણી આ વીતી ગયેલી પળને યાદ કરી રહ્યા છીએ. આહા! આ તો થોડું ફિલોસોફિકલ થઈ ગયું. થોડું એબ્સર્ડ પણ! પણ આજે આ શબ્દ શા માટે?

કોવિડ-૧૯નાં કારણે આપણો ૨૦૨૦નો સમય વસમો વીતી રહ્યો છે. આ ડે વુ છે. આજે તો તકલીફનાં પાર નથી. જરાક શરદી થાય કે ગળું દુ:ખે કે મ્યુનિસિપાલિટીનાં કોવિડ તંબુમાં મફત તપાસ કરાવી લઈએ કે આપણે પોઝિટિવ છીએ કે નેગેટિવ. નેગેટિવ આવે તો આરટી-પીસીઆર કરાવ્યે જ છૂટકો કરીએ. અને એમાં પોઝિટિવ આવે તો…. ઘરકેદ કે ઓરડાકેદની સજા. અને પછી તાવ આવે તો હોસ્પિટલ. છાતી છપ્પનની હોય તો ય સીટી-સ્કેન તો કરવું પડે. પછી હોસ્પિટલનાં ખાટલાં અને રામ-દેશી-વીર  અથવા તો એનો ઉચ્ચાર જે થતો હોય તે-નાં પાંચ દિવસનાં બાટલાં. એમાં ય પછી સમાચાર આવે કે ડબલ્યૂએચઓ હવે કહે છે કે રામ-દેશી-વીરથી કોઈ ખાસ ફાયદો નથી. લો બોલો! વાઇરસ એવો છે કે એની કોઈ દવા નથી. જે કાંઇ સારવાર છે એ વાઇરસની નથી પણ વાઇરસ દ્વારા કરેલા શારીરિક નુકસાનની સારવાર છે. આજે હવે કોવિડ-૧૯નું થવું નવાઈ નથી. બચી ય જવાય છે. અને એટલે આપણે બેફામ છીએ. આપણાં રાજકીય પક્ષો તો આપણાંથી ય વધારે બેફામ છે. મુખાવરણ કે શારીરિક દૂરતાનાં ચીંથરા ઊડી જાય એવા કૃત્યો તેઓ રોજ કરે છે. પોલિસ ત્યાં દંડ કરે છે ખરા? અને હા, જરૂરી હોય ત્યારે અને તો જ મુસાફરી તો કરવી પડે. આપણે   પ્રવાસીઓ છીએ. સમયનાં પ્રવાસીઓ. શું નવરાત્રિ? શું દિવાળી? શું ઈદ? અને શું ક્રિસમસ? 

હવે આ જ વાત આજથી પચ્ચીસ વર્ષ પછી યાદ કરીએ એ ડે વુ. અરે! તમે તો કાંઇ જોયું જ નથી. અમે જોયું છે. એક હતી મહામારી. કરોડો લોકો મર્યા પણ અમે બચી ગયા. એક વાઇરસ અમારું કાંઇ બગાડી ન શક્યો. એમાં મૂળ એવું કે અમારી ઇમ્યુનિટી જ બહુ સારી હોં. પણ પેલો સુંદરલાલ. સાલો બોલ્યો જ નહીં કે એને તાવ આવ્યો’તો. સાથે રહ્યો. અમે જલસા કર્યા. પણ પહેલાં એ પટકાયો અને હું. પણ આપણે બિંદાસ્ત. ડોક્ટરને કીધું કે રામદેપીર કે એવી કોઈ દવા અમને ચઢાવી દો, અમે ડરતા નથી. આમ પાંચ દિવસ અને અમે હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ. પછી તો કોવિડ ફરી ક્યાં થાય? અને પછી અમે જે જલસા કર્યા, જે જલસા કર્યા, શું વાત કહું? 

ડિક્સનરી ઓફ ઑબ્સ્ક્યૂઅર સોરોઝ (અસ્પષ્ટ માનસિક દુ:ખોની ડિક્સનરી)માં ‘ડે વુ’ શબ્દ ડીફાઈન કર્યો છે. એક દિવસ તમે યાદ કરશો આ દિવસ. ત્યારે એનો અર્થ કોઈ જુદો જ હશે. ભયથી ઝૂકી પડશો કે પછી ખડખડાટ હસી પડશો. ગર્વથી તમારી છાતી ગજ ગજ ફૂલશે કે પછી મનને કોરી ખાતી વેદના ય થઈ શકે. તમે સમયનાં પ્રવાસી છો. આજે જ્યારે આ સઘળું બની રહ્યું છે ત્યારે જ તમે ભવિષ્યની કોઇ ઘડીએ પહોંચી ગયા છો. અને તમે ત્યાં રહીને તમારી આજને અથથી ઈતિ નિહાળી રહ્યા છો. આ ડે વુ છે. ત્યારે તમે બે વ્યક્તિ છો. એક જે યુવાન છે. અનુભવ કરી રહી છે જે તે વખતની સ્થિતિનો, પરિસ્થિતિનો. સામનો પણ તો એણે કર્યો છે અથવા એમ કે એ ટકી ગઈ છે. અને બીજી વ્યક્તિ છે જે વૃદ્ધ છે, જે પૌત્રીની રાહ જોઈ રહી છે. એની સાથે ભૂતકાળની આ વાત વાગોળવા એ આતુર છે. આ બે વ્યક્તિઓ સમયનાં અફાટ સાગરની આ પાર અને ઓ પાર છે. વ્યક્તિત્વનો એક હિસ્સો જે જોયું છે તેની કહાણી કહેવા માંગે છે. બીજો હિસ્સો છે જે યાદ કરે છે કે એનો અર્થ, એનું અર્થઘટન. ભવિષ્યમાં જેને યાદ કરીશું એ ભૂતકાળ હું આજે જોઈ રહ્યો છું. મારું ડે વુ, મારી વાત હું કોઈ દિવસ કહીશ જરૂર પણ…

શબ્દ શેષ :

‘ભૂતકાળ એ રીઢું, હઠીલું અને જક્કી હોય છે.’ 

 – અમેરિકન લેખક સ્ટીફન કિંગ 

Leave a comment

Filed under Uncategorized