Daily Archives: નવેમ્બર 2, 2021

‘વીજળીના તારે ઝૂલે જિંદગી’

એક હેતુલક્ષી નાટક ‘વીજળીના તારે ઝૂલે જિંદગી’

વીજળીના તારે ઝૂલે જિંદગી | “બેઠક” Bethakhttps://shabdonusarjan.wordpress.com › …· Translate this pageJul 26, 2021 — વિમોચન સમારોહ યામિની વ્યાસ કૃત સફળ નાટકનું પુસ્તક https://youtu.be/7ziUFYr25WA પુસ્તક …

નાટક એક સબળ સમૂહ માધ્યમ છે. સદીઓથી રંગમંચ પર થતાં નાટકોનું ગૌરવ તમામ સંસ્કૃતિમાં થયું છે. ભારતના લગભગ તમામ વિસ્તારમાં લોકનાટ્ય વિકસ્યું, જે પણ દુનિયાનો સૌથી સમૃદ્ધ વારસો છે. નાટકના માધ્યમનો વિવિધલક્ષી ઉપયોગ થયો છે. રાજાઓથી માંડી આજની સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર સુધી પ્રજામાં માહિતી અને સદગુણો વિકસાવવાના હેતુપૂર્વકના નાટકો થતાં રહ્યાં છે.
આવું ખાસ હેતુપૂર્વક લખાયેલું અને ભજવાયેલું નાટક ‘વીજળીના તારે ઝૂલે જિંદગી’ પુસ્તક રૂપે આવ્યું શુક્રવારે જ લોકાર્પિત થયું છે. ગુજરાત રાજ્ય વીજ કંપની, જેને આપણે જીઈબી તરીકે ઓળખીએ અને હવે જે રાજ્યના વિવિધ ભાગ રૂપે વહેંચાઈ છે એવી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ)ના કર્મચારીઓની તાલીમ એ આ નાટકનો મુખ્ય હેતુ છે. આપણે જાણીએ છીએ કે રાજ્યભરમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ કંપની દ્વારા વીજળીનો પુરવઠો પહોંચાડવા માટે તેઓ વીજ થાંભલાનો ઉપયોગ કરે છે. થાંભલાઓ પર ઝૂલતા તાર દ્વારા વીજપ્રવાહ પહોંચતો કરાય છે. આ થાંભલાઓ અને તારોની સતત દેખભાળ અને રખરખાવ કરતી વખતે જે સંભાળ લેવી જોઈએ તેને આ નાટકનો મુખ્ય વિષય બનાવવામાં આવ્યો છે.
આવી તકનીકી બાબત માટે જે કર્મચારીઓ રખાય તેમને સતત તાલીમ આપવાની વ્યવસ્થા હોય છે પણ આવી તાલીમ જયારે નાટક જેવા સમૂહ માધ્યમથી અપાય ત્યારે તે માત્ર કર્મચારીઓ પુરતી સીમિત ન રહેતાં સમગ્ર પ્રેક્ષકગણ માટે ઉપયોગી નીવડી શકે છે. યામિની વ્યાસ લિખિત નાટક ‘વીજળીના તારે ઝૂલે જિંદગી’ આવી હેતુલક્ષી નાટ્યકૃતિ બની શકી છે. લેખિકાએ વીજ કર્મચારીઓના કાર્ય સમયે લેવી પડતી સલામતિને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. એ માટેની સાવચેતીના નાના-મોટા ૬૦થી વધુ નિયમોને આ નાટકની કથાવસ્તુ રૂપે વણી લેવામાં આવ્યાં છે. એ આ પુસ્તકની મહત્વની બાબત બની રહે છે. એ નાટક વાંચતા વાચક સલામતિના એ નિયમોથી વાકેફ થાય છે. આમ આ પુસ્તક વીજ સહાયકોને તાલીમ આપવા માટેનું સારું માધ્યમ બની શકે છે.
લેખિકાએ આ નાટકની કથાવસ્તુ વીજ કર્મચારીઓની કોઈ એક કોલોનીમાં પ્રયોજી છે. જ્યાં તેમણે ઘટનાઓ વિકસાવીને તેને કથા અને લાગણીઓ સાથે જોડીને એક સારું નાટક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આવી કોલોનીમાં ઘટતી ઘટનાઓ દ્વારા વહેતા નાટકમાં વાર્તાના વિસ્તાર સાથે પેલું તાલીમી તત્વ પણ પ્રેક્ષકોના મન સુધી પહોંચતું રહે છે. એના અનેક દ્રશ્યોને એકસૂત્રે જોડવા માટે કવિ મુકુલ ચોકસીનું સુંદર ગીત ઉપકારક નીવડે છે; ‘દોસ્ત, અજવાળાની દુનિયા જોઈને આંખે અંધારા આવી જાય છે, વીજળીના તારે ઝૂલે છે જિંદગી.’ એ ગીતને મેહુલ સુરતીના સ્વર અને અમન લેખડિયાના સૂર મળ્યાં અને નાટક જામી ગયું.
આમ ખાસ હેતુ માટે સર્જાયેલું આ નાટક ફોરમ આર્ટસ નામના નાટક મંડળ દ્વારા તૈયાર થયું અને ડીજીવીસીએલ ના પ્રાયોજનથી દક્ષિણ ગુજરાતના વીસેક વીજ કોલોની વિસ્તારોના પરિવારો માટે રજુ પણ થયું, એ એક ઉપલબ્ધિ ગણાય. એ બહાને આ નાટક જોનારા માત્ર કર્મચારીઓ જ નહીં પણ તેમના પરિજનો પણ સલામતિના પ્રાથમિક નિયમોથી પરિચિત થયાં. એનું કારણ એ કે સલામતિ ન જળવાય ત્યારે સહન કરનારા માત્ર કર્મચારીઓ નથી હોતાં, તેમના પરિજનો પણ હોય છે. જેમકે વીજ થાંભલે કાર્ય કરતા કર્મચારીનો જાન, અચાનક શરુ થઇ જતાં વીજપ્રવાહથી જોખમમાં આવી જઈ શકે, તેનાથી થતી ઈજા કે અપમૃત્યુ માટે આખું પરિવાર સહન કરતું હોય છે. આવા અનેક પ્રસંગોને રોચક, રોમાંચક અને મનોરંજક રીતે ગોઠવીને બનેલું આ નાટક ગમ્મત સાથે જ્ઞાન પણ આપી દે છે. શહેરના નીવડેલા નાટ્ય મંડળ અને કલાકારો દ્વારા તેની અનેકવાર રજૂઆત થઇ હોવાને કારણે એક ઘાટીલા નાટક રૂપે તે ઉભરે છે અને હવે તે પુસ્તક રૂપે આવ્યું હોવાને કારણે અનેક મંડળો, કર્મચારીઓને ઉપયોગી થઇ શકે. એ નાટક જેમણે ત્યારે નિર્દેશિત કર્યું હતું તે સળગત મુકેશ દેસાઈને આ પુસ્તક અર્પણ થયું છે.
વિજયા ગ્રાફિક્સ એન્ડ પબ્લિકેશનનું ૬૦ પાનાંનું આ પુસ્તક અમેરિકામાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી ‘બેઠક’ સંસ્થાનું પ્રયોજન મેળવી શકી છે, જેથી તેનું પ્રકાશન શક્ય બન્યું. પુસ્તકનું મૂલ્ય રુ. ૪૫ રાખવામાં આવ્યું છે.
પુસ્તક પરિચય: નરેશ કાપડીઆ 

Leave a comment

Filed under Uncategorized