Daily Archives: નવેમ્બર 16, 2021

*યોર્કર: જસ્સા જૈસા કોઈ નહીં…+

*યોર્કર: જસ્સા જૈસા કોઈ નહીં…*

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.
– હેમેન શાહ

લંડનનું ઓવલ ક્રિકેટ મેદાન. ચોથી ટેસ્ટમેચ. ત્રીજીમાં ખરાબ રીતે હાર્યા પછી ચોથી મેચની પહેલી ઇનિંગમાં ધબડકો. એક તબક્કે સ્કોર હતો ૧૨૭/૭. આઠમા ક્રમે બેટ્સમેન શાર્દૂલ ઠાકુરનું શાર્દૂલવિક્રીડિત ન હોત તો ૧૯૧ રન ય ન થાત. ના, અમે કવિતાનાં છંદની વાત નથી કરતા. ‘શાર્દૂલ’ એટલે વાઘ. ‘વિ’ એટલે વિશેષ અને ‘ક્રીડિત’ એટલે તેણે કરેલી ક્રીડા. ‘ક્રીડા’ શબ્દ તો આપણે જાણીએ. ખેલ, રમત. ગુજરાતીમાં કહીએ તો સ્પોર્ટ્સ(!). તેમ છતાં પહેલી ઇનિંગની સ્થિતિ પછી લાગ્યું કે હવે હારવું આસાન છે અને જીતવું અઘરું છે. પણ આ તો ઇંગ્લિશ બાયડી જેવું ઇંગ્લિશ હવામાન. વિશ્વાસ થાય નહીં. એ તો ઘડીમાં બદલાય. પહેલાં દિવસે આકાશમાં વાદળો ભરચક હતા પણ આખરી દિવસે ચોખ્ખું આકાશ ગરમી રેલાવતું હતું. ક્રિકેટની પિચ ફ્લેટ હતી. બેટિંગ કરવી આસાન હતી. ભારતીય બોલર્સને પાંચમા દિવસની પિચમાંથી કોઈ મદદ મળતી નહોતી. લંચ સમયે ઇંગ્લેન્ડનો સ્કોર હતો ૧૩૨/૨. બોલને રીવર્સ સ્વિંગ થતો જોઈ જસપ્રીત બુમરાહે કેપ્ટન પાસે બોલિંગ કરવાની માંગણી મૂકી. અને પછી એ બંધ મુઠ્ઠીનો ઝંઝાવાત અને સઘળું બદલાઈ ગયું. હવે વિકેટ પડશે એવું બધા જાણી ગયા. સામા છેડે બેટિંગ કરતા ઈંગ્લેન્ડનાં કેપ્ટન રૂટ કોઝ એનાલેસિસ (મૂળ કારણ પૃથક્કરણ) કરે એ પહેલાં તો બુમરાહે યોર્કર્સ ફેંકીને વારાફરતી બે બેટ્સમેનની દાંડી ગુલ કરી. આમ તો અનેક રીતે બેટ્સમેન આઉટ થઈ શકે પણ સૌથી વધારે મઝા આવે જ્યારે કોઈ ક્લીન બોલ્ડ થઈ જાય. એમાં ય ગૂગલી બોલ કે પછી દૂસરા બોલથી ક્લીન બોલ્ડ થાય એના કરતાં ય યોર્કરથી આઉટ થાય તો એ મઝા અનેકગણી થઈ જાય. બેટ્સમેન આટલો બધો અસહાય ક્યારેય લાગે નહીં. બેટ નીચે લાવે લાવે ત્યાં તો બોલ સીધો ધડામ દઈને દાંડી ડૂલ કરી નાંખે. આઉટ થવાની ક્રિયા માત્ર દૃશ્ય જ નહીં પણ શ્રાવ્ય પણ થઈ જાય. ચોથી ટેસ્ટમેચ આપણે જીતી ગયા. મેચને અંતે બુમરાહનો સ્કોરકાર્ડ જોઈએ તો એણે ચોથી ઇનિંગમાં માત્ર બે જ વિકેટ્સ લીધી પણ એનો એ ૬-૩-૬-૨નો બોલિંગ સ્પેલ ઇંગ્લેન્ડને સ્પેલબાઉન્ડ (Spellbound) કરી ગયો, બૅમ્બૂઝ્લ (Bamboozle) કરી ગયો. અખબારોમાં આ સમાચાર સંદર્ભે આ શબ્દો છપાયા છે પણ આજનો શબ્દ સ્પેલબાઉન્ડ (મંત્રમુગ્ધ) કે બૅમ્બૂઝ્લ(ગૂંચવવું કે છેતરવું) નથી. આજનો શબ્દ છે યોર્કર (Yorker). અને બુમરાહ જ્યારે એવો બોલ નાંખે છે ત્યારે બેટ્સમેનની મંત્રાઈ જાય છે, બેટ્સમેન ગૂંચવાઈ જાય છે! -એ સાબિત થઈ ગયેલી વાત છે.
આજે ‘યોર્કર’ શબ્દની સંહિતા કરવી છે, જેને સહેવાગ ‘સ્ટમ્પ તોડ’ બોલ કહે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર યોર્કર એટલે ઠેઠ બેટની નીચે પડીને ઊછળતો દડો. આ શબ્દની સમજ ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાની ઇંગ્લિશમાં છે. અમેરિકામાં ક્રિકેટની સમજણ નથી એટલે તેઓ યોર્કર એટલે ‘ન્યૂયોર્કનો રહીશ’ એવો અર્થ કરે છે. યોર્ક એ ઉત્તર ઈંગ્લેન્ડમાં આવેલું ઐતિહાસિક શહેર છે. ત્યાંનો રહેવાસી પણ યોર્કર કહેવાય છે. પણ યોર્કર શબ્દ આપણાં માટે ક્રિકેટની ભાષાનો શબ્દ છે. એ વાત જુદી છે કે યોર્કશાયર પ્રદેશનાં બોલર્સ આ પ્રકારની બોલિંગ કરવા માટે પ્રખ્યાત હતા એટલે એનું નામ પડ્યું યોર્કર. જો કે આ શબ્દનાં મૂળ વિષે એક બીજી થીયરી પણ છે. યોર્કરનો અન્ય એક અર્થ પણ છે. યોર્કર એટલે ચીટર. છેતરનાર. જો કે વીસમી સદીની શરૂઆત સુધી યોર્કરનો અર્થ પોઝિટિવ હતો. યોર્કર એટલે તેજ, હોંશિયાર, જાગરૂક, જોમવાળું, શીઘ્રભાવગ્રાહી, શીઘ્રરમૂજી પણ પછી એ અર્થ બદલાઈને ‘છેતરપીંડી’ થઈ ગયો. કોઈ ધૂતારો છળકપટથી લૂંટી જાય તો કહેવાય કે ‘આઈ હેવ બીન યોર્ક્ડ્’. યોર્કશાયરનાં રહેવાસીઓ માટે આ સારું નહીં કહેવાય પણ આ તો ભાષા છે. શહેર કે પ્રદેશને શબ્દ સાથે સાંકળી લેવાતો હોય છે. અમદાવાદી ‘કંજૂસાઈ’ અને સુરતી ‘ગાળવાણી’ જેવી વાત ભાષામાં આવી જતી હોય છે. ક્રિકેટને લાગે વળગે છે ત્યાં સુધી યોર્કરનો હેતૂ બેટ્સમેનને છેતરવાનો જ હોય છે. જે બોલે વિકેટ મળે છે એની આગળનાં બોલ પણ અગત્યનાં છે. એ બધા બોલ અંદરથી બહાર જતાં હોય છે કે પછી બાઉન્સર હોય છે. યોર્કર એવા અવે-ગોઇંગ કે બાઉન્સરથી સાવ અલગ દડો છે. બાઉન્સરથી વિકેટ મળવાની તક ઓછી હોય છે પણ પછી અચાનક એવો દડો આવે છે, જે બોલિંગ એક્શનમાં છેક છેલ્લી ઘડીએ હાથમાંથી જોર સાથે રીલીઝ કરવામાં આવે છે, જે બેટ્સમેનનાં બૂટ પાસે પિચ પર પટકાય, બેટ્સમેનને પ્રતિક્રિયા કરવાનો સમય જ ન હોય, એ બેટને નીચે લાવી ન શકે અને ક્લીન બોલ્ડ થઈ જાય છે. જબરી છેતરપીંડી, હેં ને? પણ આ તો રમત છે. કહે છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ જ જાયજ છે. જાયજ એટલે યોગ્ય, વાજબી, યથાર્થ, મુનાસિબ, ઉચિત, કાયદેસરનું. હવે રમતમાં પણ એવું જ છે. હા, નિયમો જરૂર હોય જ છે. પણ નિયમાનુસાર રમીએ તો શું મઝા આવે? અલબત્ત યોર્કર દડો નિયમાનુસાર જ હોય છે. પણ છેતરામણો હોય છે અને છેતરવા માટે પણ લાયકાત તો જોઈએ ને? બધા પેસ બોલર્સ યોર્કર નાંખી શકતા નથી. પરફેક્ટ યોર્કર ન હોય તો કાં તો એ હાફ-વૉલી (સામાન્યથી ટૂંકો) પર આવે કે પછી ફૂલ ટોસ (સામાન્યથી લાંબો) થઈ જાય અને બેટ્સમેન આસાનીથી એને બાઉન્ડ્રીની બહાર ફટકારી શકે. ચતુરાઇ કરવામાં રિસ્ક તો છે! બુમરાહની રાહે ચાલવાનું આસાન નથી.
જીવનમાં સાવ ભોટ રહેવું ઠીક નથી. લોકો ગેરલાભ લેવામાં પાવરધા હોય છે. સ્પર્ધા થાય અને સામ, દામ, દંડ ન ચાલે ત્યારે ભેદ-ની અજમાઈશ કરવી જોઈએ. યોર્કર એટલે ભેદ. ભેદ એટલે રહસ્ય, મર્મ, વિલક્ષણતા, તફાવત, અલગ કરવાની પ્રક્રિયા. આમ કાયમ ભેદ-નો ઉપયોગ અલબત્ત ન કરાય. પણ એ શસ્ત્રનું શાસ્ત્ર શીખી લેવું. કોને ખબર, કયારે જરૂર પડે? અને હા, સામે છેડેથી યોર્કર આવે તો ક્લીન બોલ્ડ ન થવાય એ ય શીખવું આવશ્યક છે. ક્યારેક ક્યારેક જલેબી જેવા સીધા અને ફાફડા જેવા લીસ્સાં બનવું જોઈએ. નડવું નહીં પણ આ નડવાની ક્ષમતા કેળવી લેવી, એ આજનું યોર્કર જ્ઞાન. ઇતિ.

શબ્દ શેષ:

“હું માત્ર યોર્કર નથી, અન્ય ઘણું ય છું.” –જસપ્રીત બુમરાહ +

ગુજરાતીના વિખ્યાત સાહિત્યકાર શિવકુમાર જોશી

ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર શિવકુમાર જોશીનો આજે ૧૦૫મો જન્મદિન છે. તેમનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૧૬ના રોજ અમદાવાદમાં ગિરજાશંકર જોશીને ત્યાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ૧૯૩૩માં તેમણે મેટ્રિક અને ૧૯૩૭માં તેઓ સંસ્કૃતના વિષય સાથે બી.એ. થયા હતા. ત્યારથી ૧૯૫૮ સુધી મુંબઈ અને અમદાવાદમાં ભાગીદારીથી તેમણે કપડાનો વ્યવસાય કર્યો. તો ૧૯૫૮થી કોલકાતામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય કર્યો. તે દરમિયાન શિવકુમાર બંગાળી અને ગુજરાતી સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા.
તેમના નાટકનું પહેલું પુસ્તક ‘પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો’ રૂપે ૧૯૫૨માં આવ્યું હતું. તે પછી ‘અનંત સાધના’, ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી’, ‘નીલાંચલ’, ‘નીરદ છાયા’ અને ૧૯૭૭માં ‘ગંગા વહે છે આપની’ જેવાં એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ તેમના નાટકો અને વાર્તાઓમાં મુખ્યત્વે શહેરી જીવનમાંથી વિષય વસ્તુ પસંદ કરતા હતા. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાફલક ખાસ કરીને અંતર્મુખી રહેતું. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી રહેતો. એમણે ઘણાખરા સામાજિક નાટકો લખ્યાં હતાં. વળી એ નાટકો માત્ર વાંચવા પૂરતા નહીં પણ રંગભૂમિ પર ભજવી શકાય તેવાં મંચક્ષમ રહેતાં. એમણે ‘બે તખ્તા’ જેવા પ્રયોગો કર્યા છે જે તેમની રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિની આવડત અને સાબિતી છે.શિવકુમારે ત્યારના દૌર પ્રમાણે સુંદર રેડિયો નાટકો પણ મોટી સંખ્યામાં લખ્યાં અને રજુ કર્યાં હતાં. જેમાં ૧૯૫૫નું ‘અંધારા ઉલેચો’, ‘અંગારભસ્મ’, ‘સાંધ્યદીપિકા’, ‘દુર્વાંકુર’, ‘ઘટા ઘીરી ઘીરી આઈ’, ‘એકને ટકોરે’, ‘સુવર્ણરેખા’, ‘શતરંજ’, ‘કૃતિવાસ’, ‘સાપઉતારા’, ‘સંધિકાળ’, ‘બીજલ’, ‘અજરામર’, ‘કહત કબીરા’, ‘કાકા સાગરિકા’, ‘બાણશય્યા’, ‘નકુલા’, ‘ત્રિપર્ણ’, ‘લક્ષ્મણરેખા’, ‘નીલ આકાશ’, ‘લીલી ધરા’, ‘દ્રિપર્ણ’, ‘અમર-અમર મર’ કે ૧૯૮૨નું ‘માશંકરની ઐસી તૈસી’ જેવાં પૂર્ણનાટકોનો સમાવેશ થાય છે. એમની પાસે દીર્ઘ નાટકો માટે યોગ્ય, સંકુલ, સંઘર્ષયુક્ત સામાજિક વસ્તુ, સ્વતંત્ર વ્યક્તિત્વવાળાં પાત્રો, પાત્રાનુરૂપ રંગમંચક્ષમ ભાષાશૈલી તથા તખ્તાલાયકી હતી, જેમણે એમને સમર્થ નાટ્યલેખક રૂપે સ્થાપ્યાં હતાં. આ ઉપરાંત એમણે શરદબાબુની પ્રસિદ્ધ નવલકથાઓ ‘વિરાજવહુ’ તથા ‘દેવદાસ’નાં નાટ્યરૂપાંતર પણ કર્યાં હતાં.
શિવકુમાર જોષીએ પચીસ જેટલી નવલકથાઓ લખી હતી. એમની શૈલી પ્રવાહી અને પ્રાસાદિક રહેતી. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલોમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્વનાં સામાજિક-રાજ્કીય પરિબળોને પશ્વાદભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરતા જોવા મળતા. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાનો અને ખુમારીભર્યા સ્ત્રી પાત્રો રહેતાં જે પાત્રો સાથે વાચકોને પણ ભાવુક બનાવી દેતાં. એમની ૧૯૬૪ની ‘આભ રુવે એની નવલખધારે’ નવલકથા ૭૯૯ પાનામાં ફેલાયેલી છે. ‘કમલ કાનન કોલોની’ એમની લઘુનવલ છે. શિવકુમારની અન્ય નવલોમાં ‘અનંગ રાગ’, ‘શ્રાવણી’, ‘એસ. એસ. રૂપનારાયણ’, ‘દિયો અભયનાં દાન’, ‘સોનલ છાંય’, ‘કેફ કસુંબલ’, ‘રજત રેખા’, ‘એક કણ રે આપો’, ‘નથી હું નારાયણી’, ‘અયનાંશુ’, ‘અસીમ પડછાયા’, ‘લછમન ઉર મૈલા’, ‘વસંતનું એ વન’, ‘ચિરાગ’, ‘મરીચિકા’, ‘પોપટ આંબા કેરી ડાળ’, ‘આ અવધપુરી, આ રામ!’, ‘ઊડી ઊડી જાવ પારેવાં’, ‘પ્રિય રમ્ય વિભાવરી’, ‘ગંગા બહૈ, નહિ રૈન’, ‘કલહંસી’, કે ૧૯૮૪ની ‘કેસૂડે કામણ ઘોળ્યાં’ યાદ કરી શકાય.
શિવકુમાર જોષીએ ટૂંકીવાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. ૧૯૫૫ની ‘રજનીગંધા’, ‘ત્રિશૂળ’, ‘રહસ્યનગરી’, ‘રાત અંધારી’, ‘અભિસાર’, ‘કનકકટોરો’, ‘કોમલ ગંધાર’, ‘કાજલ કોટડી’, ‘નવપદ’, ‘છલછલ’, ‘શાંતિ પારાવાર’ કે ૧૯૮૦નો ‘સકલ તીરથ’ વાર્તાસંગ્રહો રૂપે યાદ કરી શકાય. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટ્યાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી વાચકોને ગમી જતી.
એમણે પ્રવાસકથાનાં પુસ્તકો આપ્યાં છે: ‘જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા’ એમનું અમેરિકાના પ્રવાસનું યાદગાર વર્ણન છે. તે ઉપરાંત ૧૯૮૨માં તેમણે ‘પગલાં પડી ગયા છે’ પ્રવાસવર્ણન પણ આપ્યું. આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવો ચિતાર આપતી, નાટ્યજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ પણ છે શૂરાનો’ ૧૯૮૦માં આવી હતી જે સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા ‘જોગાજોગ’, વિભૂતિભૂષણની નવલકથા ‘આદર્શ હિન્દુ હોટલ’, તથા વિજય ભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’નો સમાવેશ થાય છે.
‘આભ રુવે એની નવલખ ધારે’ બે ભાગની નવલકથામાં શિવકુમાર જોશીએ બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાને આવરે છે. દેશપ્રેમની ભાવનાથી રંગાયેલ જયમનબહેનનો સ્વૈરાચારી પુત્ર અશેષ; તેની સુંદર, સંસ્કારી, સુશિક્ષિત બંગાળી પત્ની કાજલ; સામ્યવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો તેનો ભાઈ ઉત્પલ-કથાનાં મુખ્ય પાત્રો છે. અશેષ-કાજલના પ્રેમલગ્ન અશેષની સિદ્ધાંતવિહોણી જીવનરીતિ અને સ્ત્રીસંગ-લોલુપતાને કારણે છિન્નભિન્ન થતું જોવાય છે. કથા ફલેશબેક પદ્ધતિથી રજૂ થઈ છે, પણ લેખક વચ્ચે વચ્ચે કથાનાયક તેમ જ વાચક સાથે વાત પણ કરી લે છે. જોકે ઐતિહાસિક સામગ્રીનું આકલન પાત્રોના અંગત જીવનની સાથે સાથે ચાલતું જોવા મળે છે.
તો શિવકુમાર જોશીની લઘુનવલકથા ‘સોનલ છાંય’માં પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રણયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહેવાય છે. અહીં કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી હોતો, પણ હાજર હોય છે તેની ડાયરી. ડાયરીના અંશોને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દ્રષ્ટિબિંદુઓથી આ કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીર્ઘ વ્યાપવાળી પોતાની બીજી અનેક નવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકયા છે, એવું સમીક્ષકોએ નોંધ્યું હતું.
શિવકુમાર યાદ રહેશે તેમની નવલકથાઓ અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી, વસંતનું એ વન અને મરિચિકાથી. તો તેઓ યાદ કરાશે તેમની નવલિકાઓ શબરી બાઈનાં એઠાં બોર, રજનીગંધા, કાજલ કોટડી, છલછલ અને ક્રેકટસનું ફુલથી.
તેમના નાટકો લેડિઝ કમ્પાર્ટમેંટ, અંધારા ઉલેચો, એકને ટકોરે અને કહત કબીરા વારંવાર ભજવાયાં છે. તેમના એકાંકી નાટકો ગંગા વહે છે, પાંખ વિનાનાં પારેવા પણ યાદગાર છે. એમના સંસ્મરણો ‘મારગ આ પણ છે શુરાનો’ દ્વારા શિવકુમાર અને તે સમયનો પરિચય મળે છે. વિવેચન ક્ષેત્રે ‘નવકોઠાનું યુદ્ધ’ અને ‘રંગભીનાં ચહેરા’ સ્મરણીય છે. તો તેમના નિબંધ ‘ચૌરધીને ચોતરેથી’ લલિત ક્ષેત્રે ફરવા નીકળતાં.
શિવકુમાર જોશીને ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં સુરતનો પ્રતિષ્ઠિત નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરીને તેમનું સન્માન કરાયું હતું.
૪ જુલાઇ, ૧૯૮૮ના રોજ શીવ્કુમાંરનું ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.

Leave a comment

Filed under Uncategorized