Daily Archives: નવેમ્બર 9, 2021

પેન્ગ્રી:

પેન્ગ્રી: વૈશ્વિક મહામારીમાં લોકોની બેકાળજી, ગુસ્સો આવે કે નહીં? ઉઘાડાં મુખે રખડતાં માણસો જોઈ એ બાળકે ફેવિકોલ લગાડી માસ્ક પહેર્યો –યામિની વ્યાસ કોવિડ-૧૯ હવે ૨૦૨૧ સુધી ચાલે એવું લાગે છે. એમ લાગે કે ગયો પણ એ તો આવ જા કરતો રહે છે. લોકો સામાન્ય કાળજી લેતા નથી. મને ગુસ્સો આવે છે અને શબ્દ મળી આવે છે પેન્ગ્રી (Pangry). બે શબ્દો જોડાયા અને એક શબ્દ બન્યો. ઈંગ્લિશમાં એને પૉર્ટ્મૅન્ટો શબ્દ કહે છે. એવા એક શબ્દ હેન્ગ્રી (Hangry) વિષે લખી ગયા છીએ. મૂળ બે શબ્દો છે; હન્ગ્રી (ભૂખ) અને એન્ગ્રી (ગુસ્સો). અર્થ સાફ છે. ભૂખ લાગે ત્યારે ખાવાનું ન મળે, અથવા મળવામાં વિલંબ થાય તો ગુસ્સો આવે અને પછી એવી સ્થિતિમાં નાની નાની બાબત પર પણ ગુસ્સો આવી જાય. લંચનો સમય હોય ત્યારે તમારે સાહેબ પાસે જવાનું ટાળવું. સાહેબને ભૂખ લાગી હોય. એટલે જલદીથી અકળાઈ જાય. અને એવી હેન્ગ્રી અવસ્થામાં તેઓ ગુસ્સો કરે અને તમારું કામ થાય જ નહીં. બસ એવા જ મતલબનો એક પૉર્ટ્મૅન્ટો શબ્દ આજકાલ ચલણી બન્યો છે. ના, ડિક્સનરીમાં હજી સ્થાન મળ્યું નથી પણ મળવું જોઈએ, એવું અમને લાગે છે. પેન્ગ્રી શબ્દ અલબત્ત અર્બન ડિક્સનરીમાં છે પણ અર્બન ડિક્સનરી અધિકૃત રીતે માન્ય નથી. આ ડિક્સનરીમાં શામેલ અર્થ લોકો દ્વારા કરાયેલા હોય છે. અર્બન ડિક્સનરી અનુસાર એનો અર્થ થાય છે: પેનિક + એન્ગ્રી. ગુજરાતી લેક્સિકોન અનુસાર પેનિક એટલે ધ્રાસકો, ગભરાટ, ફાળ, (ભીતિ અંગે) નિષ્કારણ, અતિશય, આતંક, ગભરાઈ કે હેબતાઈ જવું, સંત્રસ્ત કરવું, અદમ્ય અને પૂરઝડપે લોકોમાં પ્રસરતી ભીતિ અને એન્ગ્રી. એટલે ગુસ્સે થયેલું, ક્રુદ્ધ,,ખફા. એવી ય સ્થિતિ આવે કે તમને ગભરાટ પણ થાય અને ગુસ્સો પણ આવે. ગુસ્સો એ વાતનો કે જેને તમે સોંપ્યું એ કામ એણે કર્યું નહીં. અને ગભરાટ એનો કે હવે એ થશે કેવી રીતે? પેન્ગ્રી એટલે પેનિક + એન્ગ્રીજો કે અત્યારે જે ‘પેન્ગ્રી’ શબ્દ પ્રચલિત થયો છે એ જાણીતા ઓનલાઈન સમાચાર પત્ર અને બ્લોગ હફિન્ગટન પોસ્ટ દ્વારા ઘડવામાં આવ્યો. આ ય દેખીતી રીતે પૉર્ટ્મૅન્ટો શબ્દ છે. અહીં પેન્ગ્રી એટલે પૅન્ડેમિક + એન્ગ્રી. પૅન્ડેમિક તો હવે આપણને કોઠે પડી ગયો છે. કોવિડનાં આંકડા હવે આપણને મુઝવતાં નથી. પાડોશી રાજ્યમાં કેસ વધે તો આપણે -એમાં આપણે શુંઉઉ?- એમ કહીને ખભા ઊલાળીએ છીએ. તેમ છતાં આપણે બજારમાં જઈએ તો ઘણાં એવા નફ્ફટ અને નફિકરાં લોક ફરે છે જેઓ માસ્ક પહેરતા નથી. શારીરિક અંતર જાળવતા નથી. તેઓ અડિયલ છે. તમને અડ અડ કરે છે. ટોળે મળવું એમનો સ્વભાવ છે. આજકાલ માણસ પણ રાજકારણી જેવા થઈ ગયા છે. હશે ભાઈ! પણ અમને આવું આવું જોઈને ગુસ્સો આવે છે. બસ એને જ કહેવાય પેન્ગ્રી. આમ પણ રોગનો પ્રભાવ એવો છે કે જરાય નોર્મલ થવા જઈએ છે, છૂટ લઈએ છીએ અને પરિસ્થિતિ વકરે છે. અમારો સ્વભાવ જ ગુસ્સેદાર થઈ ગયો છે. હતાશા આવી જાય છે. લોકો કેમ કાંઇ સમજતા નથી. જો તમને એવું થતું હોય તો તમે એકલાં નથી. ઘણાંને આવું થાય છે. શું કરીએ? કેમ કરીએ? લાગણીનું તો ભઇ એવું કે એ તો આવે ને જાય. લાગણીમાં નથી કાંઇ સારું કે નથી ખરાબ. લાગણીમાં કશું ય સાચું નથી કે નથી કાંઇ ખોટું. લાગણી તો બસ લાગણી છે. જે છે તે છે. પેન્ગ્રીપણું આવે તો મનમાં ને મનમાં ન રાખવું, કોઈને કહી દેવું અથવા તો લખી નાંખવું. રોગચાળો સતત કાંકરીચાળો કર્યા કરે અને તમને થાય કે કાંઇ કેટલું છે, જે હવે તમે મિસ કરી રહ્યા છો. ફરવા જવાનું મર્યાદિત થયું છે. લોકોની સાથે મેળમિલાપ પણ કયાં પહેલાં જેવો થાય છે? પ્રેમની અંગત રંગત સંગત અનુભૂતિ હવે નદારદ છે. પણ જો તમે બસ આવું ને આવું જ વિચાર્યા કરશો તો પેન્ગ્રી અવસ્થા વધારે જટિલ બનશે. તમે શું ગુમાવ્યું?-તે કરતાં આડકતરી રીતે શું સારું થયું?- એનો વિચાર કરીએ તો સારું. આજકાલ વેબસીરીઝ ઘણી આવી રહી છે. સમય વ્યતીત કરવાનું આ સારું સાધન છે. ધ્યાન અન્યત્ર જાય એટલે સારું. કોવિડ વિષેનાં સમાચારને વારંવાર જોવા સાંભળવા નહીં. એક કરવા જેવુ કામ છે. અને એ છે ન્યૂઝ ચેનલ્સનો ઉપવાસ. રોજ બધે એકનું એક બને છે. આટલાં નવાં કેસ. અહીં યુકેનો સ્ટ્રેન અને ત્યાં બ્રાઝિલનો સ્ટ્રેન તો ક્યાંક સાઉથ આફ્રિકાનો સ્ટ્રેન. વાઇરસ પણ રૂપ બદલે છે. પણ આપણે એવું રોજ રોજ જાણીને શું ફાયદો? ગુસ્સો આવી જાય છે. નિરાશા ઘેરી વળે. માટે એક સલાહ એ કે ન્યૂઝનું એકટાણું કરવું. એકાદ વખત નજર નાંખો એટલે પત્યું. અને હા, સોશિયલ મીડિયા ઉપર પણ મહામારીનાં વીડિયો ખોલવા જ નહીં. એક બીજી વાત. મહામારી છે તો ઈચ્છા પ્રમાણે કશું ય થવાનું નથી. અપેક્ષા હોય પણ શક્ય નથી. તો શું? ઈચ્છા કે આકાંક્ષા કે અપેક્ષા તો હોય જ, ભલે પછી એ દુ:ખનું કારણ બને. અહીં ઈચ્છાને સમૂળગી ત્યજી દેવાનું સૂચન નથી. આપણે ઓર્ડિનરી માણસો છીએ. ઇચ્છાનું હલેસું છે તો આ જનમની હોડીમાં બેસીને ભવસાગર પાર કરવાની ખેવના આપણે કરીએ છીએ. બસ, ઇચ્છાને થોડી ફાઇન ટ્યુન કરો. એનું સ્વરૂપ બદલો. એની ફ્રીક્વન્સી બદલો. એવું કરશો તો પેન્ગ્રી અવસ્થામાં રાહત મળશે. અને હા, જાતની સંભાળ લેવાની ચૂકશો નહીં. અન્ય માટે કરવું પણ જાતનાં ભોગે કશું ય નહીં. સ્વાર્થ સારી વાત છે. મહામારી વૈશ્વિક છે. ગુસ્સો વ્યાપક છે. મનની સ્થતિ અઘરી છે. પણ આ જ તો છે આપણી ચેલેન્જ. ટકી જવું. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહે છે જીવવા માટે જદ્દોજિહાદ અને સમર્થ હોય એ ટકી જાય. અમે કહીએ છીએ કે જે ટકી જાય એ જ સમર્થ. જો ટક્યા, વોહ સિકંદર.. ! શબ્દ શેષ:“ગુસ્સો આવે તો બોલતાં પહેલાં મનોમન એકથી દસ સુધી ગણવું. ખૂબ ગુસ્સો આવે તો સો સુધી ગણવું.” –ત્રીજા અમેરિકી પ્રેસિડન્ટ થોમસ જેફરસન

Leave a comment

Filed under Uncategorized