Daily Archives: નવેમ્બર 4, 2021

બધે તમારો ચિતાર આવે-પરેશ વ્યાસ

ક્રશ: યે મોહ મોહ કે ધાગે..

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજરમાં બધે તમારો ચિતાર આવે
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શું છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
– હિમાંશુ ભટ્ટ

થોડા દિવસો પહેલાં ઇંગ્લેન્ડનાં બ્રિસ્ટોલ ક્રિકેટ મેદાનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમ્યાન સ્મૃતિ માંધાનાએ પોતાનાં વાળને જે રીતે બાંધ્યા આ હા હા! અને પછી એની એ તસવીર થઈ વાઇરલ અને નેટિઝન્સ ગદ ગદ થઈ ગયા. સ્મૃતિ હંમેશા ચર્ચામાં રહે છે પછી એ એની બેટિંગનો દેખાવ હોય કે એનાં દેખાવનો દેખાવ હોય. કોઈ ફિલ્મી હીરોઈનથી ય ઘણી સુંદર દેખાય છે એ. અત્યારે એ ‘નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા’ તરીકે અનુસૂચિત થઈ ચૂકી છે. એનો એક જૂનો ટ્વીટ અત્યારે વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એનો એક ફેન એને પૂછે છે કે એ કયા પ્રકારનાં લગ્ન કરવાનું પસંદ કરશે? લવ મેરેજ કે પછી એરેન્જ્ડ મેરેજ? સ્મૃતિની સેન્સ ઓફ હ્યુમર જુઓ: એનો જવાબ હતો ‘લવરેન્જ્ડ.’ પ્રેમલગ્ન ય ખરાં અને વડીલોપાર્જિત ગોઠવેલાં લગ્ન ય ખરાં! એ વાત જુદી છે કે સ્મૃતિનો ક્રશ નાનપણથી રિતિક રોશન રહ્યો છે. આ તાજા સમાચારમાંથી અમને શબ્દ મળ્યો ક્રશ (Crush).
ગુજરાતી લેક્સિકોનમાં ઇંગ્લિશ શબ્દ ‘ક્રશ’નાં ૧૪ અર્થો આપ્યા છે. ક્રશ એટલે કચરવું, ચગદવું, છૂંદવું, પીલવું, વાટવું, ચોળાવું, ચગદાવું, દબાવી દેવું, સખત હાર ખવડાવવી, ભારે ભીડ, ઠઠ, મહેમાનોની ભારે ગિરદી, ફળ કચરીને કાઢેલા રસનું પીણું, મોહ. પણ હે સુજ્ઞ વાંચકો, આપ પહેલાં તેર અર્થોને વાંચ્યા ન વાંચ્યા કરી નાંખો. માત્ર ચૌદમાં અર્થની આપણે આજે વાત કરવી છે. ‘ક્રશ’માં મૂળ ઓલ્ડ ફ્રેંચ ભાષાનો શબ્દ છે ક્રૂઇસીર. અર્થ એ જ દબાવવું કે કચડવું. પણ હરાવવું કે હંફાવવું એવા અર્થમાં પણ આ શબ્દ વપરાય. હવે કોઈનાં પ્રેમમાં પાગલ જઈએ તો શું થાય? દિલ થઈ જાય કચ્ચરઘાણ.. આ છે ક્રશ! મોહિત, મુગ્ધ,ઉન્મત્ત,વિમૂઢ કે આસક્ત કરવું- એવા અર્થમાં આ શબ્દ પહેલી વાર વર્ષ ૧૮૮૪માં નોંધાયો અને વર્ષ ૧૯૦૩માં ‘(કોઇની) ઉપર ક્રશ હોવો’ શબ્દ-સમૂહ અધિકૃત રીતે અમેરિકન લોકબોલીનાં શબ્દ તરીકે પ્રસ્થાપિત થયો.
ક્રશ એટલે પ્રેમનો અલ્પકાલીન આવેશ. ભલે કમ સમય માટે હોય પણ આ આવેશ જરા ય કમ ન હોય. ટીનેજર્સ હોય એને સેલેબ્રિટીનો ક્રશ હોય. તેઓને ખબર જ હોય કે આમાં આપણી દાળ ગળે એવું નથી. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુબાઈ કાઠિયાવાડી? એટલે એમ કે આ બધુ એકતરફી હોય, એવું ય હોય. એટલે એમ કે એ એને ખાસ ઓળખાતા ય ન હોય. આમ રોમેન્ટિક લાગણીઓ હોય પણ એનું કોઈ પરિણામ આવે નહીં. અને આવું ક્રશનાં કરનારાઓને પાછી ખબર ય હોય પણ… એ છતાં મનમાં ને મનમાં એ છોકરો કે એ છોકરી પેલી સેલેબ્રિટી માટે એવો ક્રશ પાળે જરૂર. શી ખબર ચમત્કાર થાય પણ ખરો! અને પછી જેમ ઉંમર વધે, વાસ્તવિકતાનું ભાન થાય, પેલી સેલેબ્રિટીનાં ય વળતાં પાણી હોય એટલે પછી આ ક્રશ ઉર્ફે હંગામી આવેગનું અચ્યુતમ કેશવમ થઈ જાય. આ તો એવું કે, લાગે ન તીર, બસ હોય એ માત્ર તુક્કો પણ એ મદમસ્ત મોહને મનમાં ને મનમાં મમળાવવાની મઝા આવે.
ક્રશ જો કે ઓળખીતી વ્યક્તિ પર પણ હોઈ શકે. એની ઝલક મળી જાય તો મારી આંખો પહોળી થઈ જાય. એ કરે તેવું હું કરું. બેતૂકી વાતો કરું. મારી દરેક વાતમાં એનો ઉલ્લેખ કરું. ઇંગ્લિશ શબ્દ છે: મેન્શન. હું વારે વારે જ્યાં ને ત્યાં બસ એની જ વાત કરું એટલે એમ કે મને થઈ જાય મેન્શનાઇટિસની બીમારી! મેન્શનાઇટિસ (Mentionitis) શબ્દ ડિક્સનરીમાં ઑફિસિયલી ઉમેરાયેલો નવો શબ્દ છે, જેનો અર્થ થાય છે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કે એનાં વિષેની વાત કર્યે રાખવાની જબરજસ્ત અને અનિયંત્રિત તાલાવેલી. આમ જુઓ તો પ્રેમ અને મોહ બંને એક સરખી લાગે એવી લાગણીઓ છે. લવ (પ્રેમ) અને ક્રશ (મોહ)માં જો કે તાત્વિક ફેર છે. પ્રેમમાં ઊંડાણ છે, મોહમાં ખેંચાણ છે. મોહમાં દેખાવ છે અને દેખાડો છે. પ્રેમમાં રસ છે અને રસિકતા છે. રસિકતા એટલે? જેમાં કાવ્યગત રસ રહેલો છે તેવું, રસને સમજનારું, રસજ્ઞ, સહૃદય, કાવ્ય વાર્તા કે કથામાંનું ખેંચાણ કરનારું, ઇશ્કની વાતોથી પોતાનું અને સામાનું દિલ બહેલાવનારું. અને હા, મોહમાં સામેવાળી વ્યક્તિની સારી સારી બાબતોથી જ જોવાતી હોય જ્યારે પ્રેમની વાત નિરાળી છે. અહીં સારી ઉપરાંત ખાસ સારી ન હોય એવી બાબતોનો પણ સ્વીકાર કરીને આગળ વધવાનું હોય છે. લવમાં વિશ્વાસ અને સ્વીકાર હોય છે, ક્રશમાં સંદેહ અને ઈર્ષા હોય છે. ક્રશ ઇન્સ્ટન્ટ થઈ જાય પણ લવ? ધીરે ધીરે પ્યારકો બઢાના હૈ, હદસે ગુઝર જાના હૈ.. ક્રશ ફિઝિક્સ છે, લવ કેમેસ્ટ્રી છે. મોહમાં લાગણીઓ ઉપર નીચે થતી રહે છે, કોઈ ચોક્કસ નેઠો નથી. મોહમાં સ્વાર્થ છે, હું ને હું જ ‘ને બીજું કોઈ નહીં. પણ પ્રેમ ઉદાત્ત છે, એમાં માત્ર ને માત્ર હેત અને પ્રીત છે. પ્રેમ લાગણીઓનો સ્થિર પ્રવાહ છે. મોહમાં સામાન્ય રીતે નિર્દોષ હોય એવી લાલસા હોય છે, જ્યારે પ્રેમ એ વિશિષ્ટ અને શુદ્ધ સદાચાર છે. ક્રશ બાલિશ છે, લવ પરિપક્વ છે. ક્રશ એક સમયે અનેક ઉપર હોઈ શકે પણ પ્રેમ તો એક જ સાથે થાય. અને આમ છતાં.. કોઈ ઉપર ક્રશ થાય તો થવા દેવો. એને અટકાવવો નહીં. ભારતીય દંડ સંહિતા અનુસાર થોડી બાલિશતા, થોડી નાદાની કાંઈ ગુનો તો નથી જ.
શબ્દ શેષ:
“કોઈ ને કોઈ ઉપર ક્રશ હોવો એ સારી વાત છે. જાણે એવું લાગે કે તમે જીવી રહ્યા છો, હેં ને?” –અમેરિકન અભિનેત્રી ગાયિકા સ્કારલેટ જ્હોન્સન 

Leave a comment

Filed under Uncategorized